Posts filed under ‘ટુંકી વાર્તાઓ’

ઉંદર અને બિલાડીની મિત્રતા

 

 

ઉંદર અને બિલાડીની મિત્રતા

 

એક નાનું ગામ.

ત્યાં એક ફળિયામાં એક નાનું ઘર.

એ હતું મણકીબાનું. મણકીબેન એક ડોશીમા હતા, અને વિધવા થઈ ઘરમાં એકલા રહેતા. સૌ એમને પ્રેમથી બા કહેતા.

કોઈકવાર, મણકીબા ઘર બહાર ગયા ત્યારે ઘરનું બારણું ખુલ્લુ રહી ગયેલું. ઝાડીઓમાંથી એક ઉંદર ઘરમાં ગુસી ગયો, એક જગાએ સંતાય ગયો. મણકીબાને ઉંદર ઘરમાં આવ્યાની ખબર ના પડી.શાંતી જાળવી ઉંદર ઘરમાં પડી રહ્યો. બહારના જીવન કરતા ઘરનું જીવન એને ગમી ગયું. દિવસના જયારે મણકીબા બહાર જાય ત્યારે એ ઘરમાં દોડાદોડ કરે…ધમાલ,મસ્તી કરી આનંદ કરે. ખાવું જે ગમે તે પોતાના ખુણામાં ભેગું કરી નિરાંતે પેટ ભરી સુઈ જાય. આ પ્રમાણે રહી ઉંદર તો હવે એમ માનતો હતો કે જાણે ઘર જ એનું.

એક દિવસ ભુલથી મણકીબાએ ઘરનું બારણું ખુલ્લુ રાહ્યું અને રસ્તા પર ફરતી એક ધોળી બિલાડી ઘરમાં ભરાઈ ગઈ. મણકીબા ઘરમાં આવ્યા એટલે આમતેમ દોડી અને પુછડી હલાવતી એક જગાએ બેસી. મણકીબાને એના પર દયા આવી. એણે એને પંપાળી અને દુધ પીવા માટે આપ્યું. બિલાડી ખુશી થઈ. મણકીબા પણ ખુશ હતા કે હવે ઘરમાં કોઈ એમને સાથ આપનાર હતું.

બિલાડીના ઘરમાં આવવાથી ઉંદર હવે મુજવણોમાં હતો. ખાવાનું સારૂં ભેગુ કરેલું હતું એથી એ સંતાઈને બેસી રહ્યો. બીજે દિવસે, જ્યારે મણકીબા ઘર બહાર ગયા ત્યારે જરા હિંમત કરી ખુલ્લી જગા તરફ જવાનો પ્રયાસ કરતો હતો અને બિલાડી એને સુંગતા એને મારી પોતાનો ખોરાક કરવાના ઈરાદે દોડી…ઉંદર ભાગ્યો…બચી ગયો. દુર ખુણામાં જઈ, હવે શું કરવું એના વિચારોમાં હતો. ફરી પાછી બિલાડીએ જોર જોરથી મીઆઉ મીઆઉ ચાલુ રાખ્યું. મણકીબા અચાનક ઘરે આવી. બિલાડીનું વર્તનથી ખીજમાં  એમણે એક લાકડી હાથમાં લીધી અને ધમકી આપી બિલાડીને કહ્યું “જો તું આવી ધમાલ કરશે તો તને આ લાકડીથી માર પડશે” બિલાડી ધ્રુજી ગઈ અને શાંત થઈ ગઈ. એ નિહાળી, મણકીબાને દયા આવી, અને એને પંપાળીને દુધ આપ્યું.

ઉંદર ખુણામાંથી આ બધું જોઈ રહ્યો હતો. એના મનમાં વિચારો હતા. એ ખુશ હતો.

બીજે દિવસે, જ્યારે મણકીબા ઘરની બહાર હતા ત્યારે ડર વગર દુર બિલાડી સામે ઉભો રહી કહેવા લાગ્યો ઃ

“અરે, બિલ્લીબેન, તમે શાને મને મારવા દોડો છો ? તમે મારા મિત્ર બનો !”

“હું બિલ્લી રાણી ! તું કોઈને ના કામનો. તું મારા ખોરાક તરીકે જ યોગ્ય છે. મિત્ર બનવાની આશાઓ છોડી દે” બિલાડીએ ગર્વ સાથે કહ્યું.

“જેવી તારી મરજી. ડોશીમાની લાકડીને હવે તું યાદ કરતી રહેજે !” ઉંદરે શાંતીથી જવાબ આપી એના ખુણામાં સંતાઇ ગયો.

રાત્રીએ મણકીબા તો ભર ઉંઘમાં હતા. બિલાડી પણ ચિંતા વગર સુઈ ગઈ હતી.

એવા સમયે, ઉંદર બહાર આવી મણકીબાના કપડામાં કાંણાઓ પાડી ફ્લોર પર આમતેમ મુકી પોતાની જગામાં જઈ સુઈ ગયો.

સવારે મણકીબા જાગ્યા. એમણે કપડા આમતેમ ફ્લોર પર જોયા…હાથમાં કપડા લેતા એણે કપડામાં પાડેલા કાંણાઓ જોયા. તરત મનમાં થયું કે આ તો આ બિલાડીનું કામ. એમણે તો લાકડી હાથમાં લીધી અને બિલાડીને મારી અને કહેવા લાગીઃ

“તને ખાવાનું આપું અને પ્રેમ કરૂ અને તું આવું કરે ? “

આટલું કહી ફરી મારવા જતી હતી ત્યારે બિલાડી મણકીબાના પગે વળગી ગઈ અને એની પૂછડી પટપટાવા લાગી. મણકીબાને ફરી દયા આવી અને એને પ્રેમથી પંપાળી.

ઘરનું કામ કરી એ દિવસે મણકીબા ઘરથી બહાર બજારમાં શાકભાજી લેવા નિકળ્યા ત્યારે બિલાડીને કહેતા ગયા” મસ્તી ધમાલ કરીશ નહી, સમજી !”

મણકીબા બહાર. અને ખુણામાંથી ઉંદર તો આજે ડર વગર બિલાડી સામે આવીને ઉભો રહ્યો અને બોલ્યો ઃ

“કેમ છો બીલ્લીબેન ? મઝામાં છો “

બીલ્લી કાંઈ ના બોલી.

થોડા સમય બાદ એ બોલી ઃ

“ભાઈ તું જીત્યો અને હું હારી. મને મારી શક્તિનું અભિમાન હતું. તને નાનો જોઈ મને થતું કે તારામાં અક્કલનો છાંટો ના હોય. એ જ મારી ભુલ હતી. હું તારી મિત્ર બની ખુશી અનુભવીશ. મને મિત્ર બનાવશે ?”

“અરે, બેન, ભુલ તો સૌની થાય. અભિમાન જ ભુલો કરાવે છે. પ્રેમ જ દુનિયામાં મુલ્યવાન ચીજ છે. જો, ડોશીમા તને પ્રેમ આપે છે તે તને ગમે છે…પ્રેમથી જ મિત્ર બની શકાય. જે અહી છે તેમાંથી તને મળ્યાનો સંતોષ છે….જે મને મળતું હતું તેથી તને કાંઈ ઓછુ પડતું ના હતું અને મને જે મળતું હતું એનો મને સંતોષ હતો. એથી બેન, આપણે બંને મિત્ર બની આ ઘરમાં જીવીશું” ઉંદરે એના હ્રદયના ભાવો દર્શાવી કહ્યું

આટલા સંવાદ બાદ, મણકીબાના ઘરમાં ખુબ શાંતી હતી. મણકીબાને અનેક કહેતા ” તમારી બિલાડી તો ખુબ પ્યારી છે.”

મણકીબા જ્યારે જ્યારે બિલાડીને પ્રેમથી રમાડતા ત્યારે એના મનમાં એના ઉંદરભાઈના વિચારો રમતા હતા.

 

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૨૩,૨૦૧૪                      ચંદ્રવદન

બે શબ્દો…

આજની વાર્તા એક બાળવાર્તારૂપે છે.

વાર્તાના મુખ્ય પાત્રો છે બે….એક ઉંદર અને એક બિલાડી.

સાથે ત્રીજું પાત્ર છે એક ડોશીમા યાને મણકીબા.

વાર્તામાં પ્રથમ પ્રવેશ છે ઉંદરનો.

ત્યારબાદ આવે છે બિલાડી.

જગત કહે કે “બિલાડી અને ઉંદરની તો જન્મો જન્મની દુશ્મની”.

એવા જ ભાવમાં વાર્તા શબ્દોમાં વહી રહે.

પણ,ત્યારબાદ, બે વચ્ચે “મિત્રતા”ના બીજ રોપાય.

અને અંતેમાં ફક્ત “પ્રેમ”ના દર્શન….અને,અંતે ત્રણે પાત્રો ખુશી અનુભવે છે એવું દ્રશ્ય !

આ વાર્તાનો “બોધ” છે >>>>

વેર કે શત્રુપણું  કરતા પ્રેમ અને મિત્રતાની શક્તિ બળવાન છે…કારણ કે અંતે પ્રેમનો જ વિજય છે !

આશા રહે છે સૌને આ વાર્તા ગમે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today is a story about MOUSE & CAT.

Traditionally they are regarded as the ENEMIES to eachother.

In this fictional story, the circumstances lead to a MUTUAL FRIENDSHIP. The binding force is the LOVE & the destruction of the HATE.

This is a story to give the MORAL to the MANKIND that>>>>

 

HATRED leads to the DESTRUCTION while the LOVE leads to the FRIENDSHIP & TRUE HAPPINESS.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

એપ્રિલ 16, 2014 at 12:23 પી એમ(pm) 9 comments

શીવરામની જીવનયાત્રા !

Family : child's drawing of the family on a bicycle, vector

gulab1

શીવરામની જીવનયાત્રા !

એક નાનકડા ગામમાં શીવરામ નામે એક માણસ રહેતો હતો.

એક નાના સરખા ઘરમાં રહતો હતો.

એની પાસે મિલકતમાં એક નાનું ખેતર હતું.

ખેતરમાં એ મહેનત મજુરી કરી એનું જીવન નિભાવતો હતો.

થોડા વર્ષો પહેલા જ એનું લગ્ન કરી એના પિતાજી ગુજરી ગયા હતા. માતાજીને તો એણે બચપણમાં જ ગુમાવ્યા હતા.

આથી, પિતાજીના અવસાન બાદ, શીવરામ ઘરમાં પત્ની શાંતા સાથે આનંદભર્યું જીવન ગાળતો હતો. એમને કોઈ સંતાન ના હતું. તેમ છતાં “એવી જ પ્રભુ ઈચ્છા હશે” એવા વિચારમાં બંનેનો સ્વીકાર હતો. પત્ની શાંતા દયાળુ અને પ્રભુભક્તિ પ્રેમી હતી. દ્વારે આવેલા સૌ કોઈનો સત્કાર કરતી અને ભુખ્યાને ભોજન આપવાનું એ કદી ચુકતી નહી. શીવરામ પત્નીને ખુબ જ પ્યાર કરતો. શાંતા પણ શીવરામની સેવા કરી આનંદ અનુભવતી.

આવા ખુશીભર્યા જીવનમાં એક દિવસ પત્ની શાંતા અચાનક બિમાર પડી. સાધારણ તાવ અને થોડો માથાનો દુઃખાવો હતો. શીવરામ પત્નીને નિહાળી કહેવા લાગ્યો ઃ

“શાંતા, હું ડોકટર પાસે જઈ તારા માટે દવાઓ લઈ આવું….તું જલ્દી સારી થઈ જશે !”

“અરે, શાને તમે ચિંતા કરો છો ? આ તો જરા તાવ છે તે ઉતરી જશે !” શાંતાએ આશ્વાશન આપતા કહ્યું.

શીવરામ તો પણ ડોકટર પાસે જવા વિચારી રહ્યો હતો, અને એવા સમયે, માથાના દુઃખાવો વધી ગયો. અચાનક એક ખેંચ આવી. શાંતાનું એક બાજુનું શરીર પર સ્ટ્રોકની અસર માલમ પડી, અને થોડી મીનીટોમાં એ બેભાન પડી. શીવરામ પત્ની નજીક દોડી ગયો અને જમીન પર પડેલી પત્ની તરફ નજર કરી બોલ્યો ઃ “શાંતા, શાંતા, બોલ શું થયું ?”

અ ભયભીત હાલતમાં હતો.શાંતાની વાચા સાંભળવા માટે આતુર હતો.

ત્યારે ફક્ત અઘોર શાંત વાતાવરણ હતું . એવા વાતાવરણમાં શાંતાના શ્વાસો ઝડપમાં ચાલી રહ્યા હતા, અને હ્રદયના ધબકારો સાથે શાંતાની છાતી ઉપરનીચે જતી નજરે આવતી હતી. અચાનક શ્વાસો વધ્યા, અને અંતે એક ઉંડા શ્વાસ સાથે શાંતાનું શરીર પ્રાણહીન હતું. આવા સમયે, શીવરામએ પત્નીના મસ્તકને પંપાળી રહ્યો હતો અને દિવાલ પર શ્રી કૃષ્ણના ફોટા તરફ નજર કરી, મનમાં એક જ વિચાર હતો ઃ “પ્રભુ, તારા દરબારમાં શું ખોટ પડી ? શાને તેં મારી વ્હાલી શાંતાને બોલાવી ?”

ફોટામા રહેલા શ્રી કૃષ્ણજી ચુપ હતા.

શીવરામ પ્રભુજીના ફોટાને નિહાળતો રહ્યો. અને, આજુબાજુના ઘરોમાંથી એ ત્રણ વ્યક્તિઓ ઘરમાં દાખલ થયા. દ્રશ્ય નિહાળી પત્ની શાંતાના મૃત્યુનું જાણ્યું અને શીવરામને આશ્વાશનના શબ્દો કહી હિંમત આપવા પ્રયાસ કરવા લાગ્યા.

“શીવરામ, પ્રભુની ઈચ્છા બળવાન છે. હવે હિંમત સાથે શાંતા માટે જે કરવાનું તે કરવાનું રહે છે “

આવા શબ્દો દ્વારા શીવરામના નયનેથી આંસુંઓ થોડા ઓછા થયા. શીવરામના મનમાં એક જ વિચાર હતો ઃ “પ્રભુ, તારી લીલા ન્યારી છે ! તારી ઈચ્છાનો સ્વીકાર છે !”

બસ, આવા વિચાર દ્વારા શક્તિ મેળવી, શીવરામે સંસારી રીત-રિવાજોનું પાલન કર્યું અને પત્ની શાંતાને દેહને અગ્નિસંસ્કાર કરી પૂજાઓ કરી.

હવે, ઘરમાં શીવરામ એકલો હતો.

ઘર બહાર એનું જીવન ખેતરમાં કામ કરી વહી રહ્યું હતું.

એક દિવસ, સાંજના જ્યારે એ ઘરમાં હતો ત્યારે ઘરના આંગણેથી કોઈની પૂકાર હતી ઃ

“ભાઈ, ચાર દિવસો ભુખ્યો છું …દયા કરી, કાંઈ આપો !”

શીવરામે પહેલીવાર આવું આંગણે સાંભળ્યું….પત્ની શાંતા એવા સમયે ઘરે હોય અને ઘર આંગણે આવેલને એ સહાય કરવા એ હંમેશા તૈયાર હતી.

આજે પત્ની શીવરામ સાથે ના હતી અને ઉપરથી પ્રેરણા રેડી.

શીવરામ રસોડામાં ગયો. રોટલા સાથે શાક લઈને એણે ઘરના દ્વારો ખોલ્યા. પ્રેમથી ઓટલે બેસાડી એણે અતિથીને ભોજન આપ્યું. એ જમી રહ્યો અને શીવરામ એને જોઈ રહ્યો. ભુખ્યાના મુખડે આનંદ હતો. એ નિહાળી શીવરામ પણ ખુશ હતો.

ભોજન કરી, પેલો દુબળો પાતળો માણસ વિદાય લેતા શીવરામને દુવાઓ દેતો દુર ચાલી ગયો. આ ઘટના શીવરામથી ભુલાતી ના હતી. અને, એક દિવસ, જ્યારે એ ખેતર પર કામ કરતો હતો ત્યારે બપોરના તાપમાં એક માનવી નજીક આવી કહે ઃ ” ભાઈ, મને ખુબ જ તરસ લાગી છે. પાણી મળશે ?”

શીવરામે પોતાનો વિચાર કર્યા વગર ઘરેથી લાવેલો લોટો ખોલી તરસ્યાને પ્રેમથી પાણી પાયું. એ પણ ખુશ થઈ શીવરામને આશિર્વાદો આપતો ગયો.

હવે, શીવરામનું જીવન બદલાય ગયું હતું. બે માનવીઓને સહાય કર્યાનો હૈયે આનંદ હતો.

“પ્રભુજી, હું કેવો મુર્ખ હતો. પોતાને એકલો સમજતો હતો. ખરેખર તો આ સંસારમાં હું અનેકની સેવા કરી શકું છું. સર્વ મારા જ છે તો એકલપણું કેવું ?” આવા વિચાર સાથે શીવરામે એક પરિવર્તન સાથે નવો જીવનપંથ ચુંટ્યો. શીવરામ ખેતીનું કામ કરતો રહ્યો. કમાણીમાંથી એનું ગુજરાન થતું હતું. અને, સાથે સાથે જનકલ્યાણના પંથે એ ખુબ જ આનંદીત હતો ! પ્રભુભક્તિમાં એના મનમાં એક અનોખી શાંતી હતી !

 

વાર્તા લેખન ઃ તારીખ, ફેબ્રુઆરી,૨૭,૨૦૧૪                             

(મહાશીવરાત્રીનો શુભ દિવસ )

ચંદ્રવદન

 

બે શબ્દો…

આ ટુંકી વાર્તામાં એક માનવી ( શીવરામ) ની જીવન કહાણી છે.

આ મારી કલ્પના છે !

પણ જગતમાં આવી કલ્પનાઓ જ “સાકાર” થાય છે.

આ વાર્તા દ્વારા એક શીખ છે >>>

આ સંસારમાં જન્મ એકલો લઈ, જીવન જીવી ફરી એકલો જ આ જગને છોડે છે. જીવન જીવતા કર્મો એવા કરો કે માનવી પ્રભુને જાણી એની નજીક જવાના પ્રયાસો કરી, અંતે પ્રભુમાં જ સમાય જવાની આશા પુર્ણ કરવા માટે જીવનપંથે અપનાવી આગેકુચ કરતો રહે. એ જ માનવજીવનનો ધ્યેય હોવો જોઈએ !

 

આશા છે કે આ વાર્તા સૌને ગમે.

જરૂરથી “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખશો તો વાંચી મને ખુશી થશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Short Story ( TUNKI VARTA).

It is an imaginary story of the life of one individual SHIVRAM.

As his wife dies he thinks being ALONE.

Then 2 events ….a hungry person begging at his house & the thirsty person at the farm.

As he do the SERVICE to the NEEDY, he witnesses the JOY on the faces of OTHERS.

He then thinks of OTHER HUMANS as his own….& the Feeling of the ALONENESS disappears…His Life was transformed into the DIVINE LOVE.

This Story  has the Morale to the Mankind>>>

YOU ARE BORN ALONE & YOU DIE & LEAVE THIS EARTH ALONE.

YOU MUST MAKE YOUR LIFE SUCH THAT  YOU SERVE OTHERS IN NEED….IN DOING SO, YOU WILL BE CLOSER TO THE DIVINE.

I hope all enjoy this Post.

Your Comments appreciated !

Dr. Chandravadan Mistry

એપ્રિલ 9, 2014 at 5:05 પી એમ(pm) 13 comments

એક વીણાની કહાણી !

Family : child's drawing of the family on a bicycle, vector

gulab1

એક વીણાની કહાણી !

આનંદ એક સંસ્કારી છોકરો હતો. એ પશાભાઈ અને દિવાળીબેનનો એકનો એક દીકરો હતો. ગરીબ ઘરે આનંદનો જન્મ થયો હતો. પશાભાઈ અને દિવાળીબેને એને શિક્ષણ માટે ઉત્તેજન આપ્યું હતું. આનંદ પણ હોંશીયાર અને મહેનતું હતો. ગામડાની શાળાનો અભ્યાસ સારા માર્કે પુર્ણ કર્યો હતો.ત્યારબાદ, એના મનમાં કોઈવાર વિચાર આવતો કે ઃ “કોલેજ અભ્યાસ શક્ય હશે કે નહી ?” પણ એવા સમયે એના માતા-પિતાએ કહ્યું કે “દીકરા, તારે ઉચ્ચ અભ્યાસ કરવાનો જ છે. કોઈ સારી ડિગ્રી મેળવવાની છે”. માતા અને પિતાના આવા શબ્દો દ્વારા એના હૈયે ખુબ જ ઉત્સાહ હતો.

આનંદ ગામ છોડી, નજીકના શહેરમાં જઈ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. એ સમયે, એ ત્યાં જ ભાડે રહી કોલેજ અભ્યાસમાં લીન કરી પરિક્ષાઓ પાસ કરતો રહ્યો,અને અંતે એણે ફારમસીની ડિગ્રી મેળવી ત્યારે પિતાજી પશાભાઈ તેમજ માતા દિવાળીબેન હૈયે ખુબ જ ખુશી હતી. અરે, ગામમાં સૌ રાજી રાજી હતા. પહેલીવાર, ગામનો છોકરાએ ઉચ્ચ અભ્યાસ કરીને ડિગ્રી મેળવી તો કેમ નહી સૌ ગર્વ સાથે આનંદ માણે ?

અનેક ગામવાસીઓ પશાભાઈ કે દિવાળીબેનને કહેતાઃ “આપણા આનંદે તો કમાલ કરી ! ગામમાંથી પહેલો છે ડિગ્રીવાળો. તમો ખુબ જ ભાગ્યશાળી છો !”અનેકના આવા શબ્દો સાંભળી પશાભાઈ કે દિવાળીબેન સૌને કહેતાઃ “ભગવાને અમારા આનંદને માર્ગદર્શન આપ્યું છે એથી આપણે તો પાડ પ્ર્ભુનો જ માનવો રહે !”આવા શબ્દો કહેતા એઓ અભિમાનથી મુક્ત હતા, અને મુખડે હાસ્યરૂપી આનંદ હતો, અને હૈયામાં હરખના ઝરણાઓ વહેતા હતા.

ડિગ્રી મેળવ્યા બાદ, આનંદને નજીક શહેરમાં જ એક કેમીસ્ટની દુકાનમાં સારા પગારે નોકરી મળી ગઈ, એથી એણે શહેરમાં જ રહેવાનું રાખ્યું પણ સમય મળે એટલે ગામમાં માતા અને પિતા અને સૌને મળી ખુશી અનુભવતો. પશાભાઈ અને દિવાળીબેન પણ ગામનું ઘર બંધ કરી થોડા દિવસો આનંદ સાથે શહેરમાં રહી આવતા.

થોડો સમય વહી ગયો. પશાભાઈ અને દિવાળીબેનના મનમાં એક જ વિચાર ઃ “આપણો આનંદ ક્યારે લગ્ન કરશે ?” એવા વિચારના કારણે કોઈકવાર ઘરમાં ચર્ચાઓ થતી. એવા સમયે દિવાળીબેન જ વાતની શરૂઆત કરતી.

” બેટા આનંદ, તું હવે મોટો થઈ ગયો. હવે તારે જલ્દી પરણી જવું જોઈએ .”

એવા સમયે આનંદ કહેતોઃ ” બા, બાપુજી તમે ચિન્તા ના કરો. અત્યારે મારે કામ કરીને જરા પગ પર ઉભા રહેવું છે. હું જરૂર લગ્ન કરીશ.” અને, આટલું કહી એ વાતને બદલી દેતો.

પશાભાઈ અને દિવાળીબેનની ઉંમર વધતી હતી અને મનની ચિંતા વધતી હતી.પણ દીકરા પર પુરો ભરોષો હતો.

ત્રણ વર્ષ પુરા થઈ ગયા…નોકરી સાથે બચત કરી એણે શહેરમાં એક નાનું મકાન લઈ લીધું અને માતા અને પિતાને ઘરે આવી સાથે રહેવા આગ્રહ કર્યો.

પશાભાઈ અને દિવાળીબેન દીકરાને લગ્ન માટે કોઈ પણ જાતનું દબાણ આપવામાં માનતા ના હતા.એઓ જાણતા હતા કે અનેક કુટુંબોમાં એવા દબાણ કારણે પરિણામો સારા આવ્યા ના હતા.એક વાર તો પશાભાઈ દીકરીના બાપના ઘરે જઈ દીકરીના માતાપિતાને કહી આવેલા કે “તમે, જે કર્યું તે યોગ્ય ના કહેવાય.દીકરીની મરજી નથી તો શા માટે દબાણ કરી આ લગ્ન કરી રહ્યા છો ?”આ લગ્ન બાદ, થોડા જ મહિનામાં દીકરી માબાપને ઘરે પાછી આવેલી. આવી ઘટના પછી દીકરીના પિતા પશાભાઈને મળ્યા ત્યારે કહેલું ” પશાભાઈ, તમે મને યોગ્ય સલાહ આપી હતી. જો ત્યારે મેં તમારૂં કહ્યું માન્યું હોત તો મારી દીકરીને આવું દુઃખ ના હોત !” એવા સમયે પશાભાઈએ આશ્વાશન આપી એમને કહેલું કે ” ધીરજ રાખજો…પ્રભુને પ્રાર્થના કરજો કે તમારી દીકરીને માટે કોઈ સારા ઘરનું માંગુ જરૂર આવશે જ!”

સમય વહેતો ગયો.થોડો સમય વાટ જોઈ પશાભાઈ અને દિવાળીબેન ઘડપણને નિહાળી, એક દિવસે,આનંદને ફરી લગ્ન વિષે પુછ્યું. આનંદ એક સમજદાર છોકરો હતો. એણે તરત હા પાડી, અને સાથે કહી દીધું કે “તમે મારા માટે યોગ્ય કન્યાની તપાસ કરો તો મને વાંધો નથી”.આવા આનંદ શબ્દો સાંભળી પશાભાઈ અને દિવાળીબેન તો રાજી રાજી થઈ ગયા અને ગામડે કે શહેરમાં છોકરી માટે શોધ ચાલુ કરી. એઓ જાણતા હતા કે આનંદ ભણેલો છે અને એથી, કોઈ ભણેલી છોકરી જ યોગ્ય કહેવાય…ભણેલી તેમજ સંસ્કારી છોકરી એમના ધ્યાનમાં ના આવી. તો એઓ આનંદ પાસે આવીને કહેઃ” દીકરા, તારા ધ્યાનમાં હોય તો જણાવજે” એવા સમયે, આનંદે એની સાથે ક્લાસમાં એક છોકરી હતી તેના વિષે વિગતો આપી. એ છોકરી હતી વીણા.વીણા શહેરની ના હતી પણ એક દુરના ગામની હતી. એ શાહ કુટુંબની હતી અને આનંદ પટેલ જાતિનો હતો. આનંદના માતાપિતાએ એ બાબતે જરા પણ વિરોધ બતાવ્યો નહી. માહિતી હતી તે પ્રમાણે વીણાના ઘરે જઈ એના માતાપિતાને મળી આનંદની ઈચ્છા દર્શાવી. વીણાના માતાપિતા ઉચ્ચ વિચારોવાળા હતા…એઓ જૂની પ્રથા કે ફક્ત એક જ જાતિમાં લગ્ન હોવા જોઈએ એવું માનતા ના હતા. વીણા આંનંદને જાણતી હતી. એ સંસ્કારી અને સારા સ્વભાવનો હતો અને આનંદ માટે “હા” કહી.વીણા એક વહુ બનીને આનંદના ઘરે આવી. ત્યારે પશાભાઈ અને દિવાળીબેને કહી દીધેલું કે ” વીણા બેટી, તું અમારી વહુ નથી પણ આમારી જ પોતાની દીકરી છે !”

વીણા અને આનંદનો પ્રેમ ખીલતો રહ્યો. ઘરમાં સૌ ખુશીમાં જીવન જીવી રહ્યા હતા.

પણ…એક દિવસ અચાનક આનંદ માંદો પડ્યો. સારવાર તરત શરૂ કરી પણ ફાયદો ના થયો. એને હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરોએ દવાઓ બદલી પણ તાવ વધતો ગયો. અંતે એ બેભાન થઈ ગયો. ડોકટરોએ આશાઓ છોડી દીધી. પ્રભુને સૌ પ્રાર્થનાઓ કરવા લાગ્યા.પણ જીવનદોર જ ટુંકી હતી કે એક દિવસે આનંદે પ્રાણ તજ્યા. માતાપિતાના રૂદન સાથે પત્ની વીણાનું રૂદન. આનંદની ઉમર હજુ તો ૩૨ વર્ષની જ હતી. પ્રભુધામે જવા માટે એનો સમય થયો ના હતો.ઘરે વીણા એકલી એક જગાએ બેસી ઉદાસ રહેતી. આવી વીણાની હાલત નિહાળી, પશાભાઈ અને દિવાળીબેને વીણાને ફરી પરણાવવા નિર્ણય લઈ લીધો. આનંદે કોઈ કોઈવાર વાતોવાતોમાં જરા હસતા વીણાને એક દિવસે પૂછ્યું હતુંઃ “વીણા, તને હું જે કહું તેનું પાલન કરીશ ?” તરત જ ત્યારે વીણાએ કહ્યું હતું કે “આનંદ, તમે તો મારા પ્રાણ છો. તમે જે કહેશો તે હું તમારી આજ્ઞા માની પાલન કરીશ !” આવા વીણાના શબ્દો સાંભળી આનંદે કહ્યું હતું કે “વીણા, આ જીદંગીનો કાંઈ ભરોષો નથી. જો પ્રભુ મને બોલાવે તો તું ફરી લગ્ન કરી નવું જીવન શરૂ કરજે. તું એવી રીતે ખુશ હશે તો મને શાંતી મળશે !” આ વાત આનંદ અને વીણાના હૈયે ગુપ્ત રહી હતી.

સાસુ અને સસરાને એની જાણ ના હતી. પણ વીણાને  પોતાની જ દીકરી માની હતી. બંને દીકરીના પિયર ગયા અને વીણાને ફરી પરણાવવાની વાત કરી ત્યારે વીણાના માતાપિતા તો અચંબા સાથે ચોંકી ગયા. સમાજમાં નારી વિધવા બને એટલે એ લાચાર બની મનની ઈચ્છાઓને દફનાવી નીચું નમી ચાલે એનો જ સમાજ સ્વીકાર કરે. વીણા યુવાન હતી. એની આગળ જીદંગીના મુલ્યવાન દિવસો બાકી હતા. શું એવા દિવસો માટે આનંદ માણવાનો વીણાનો હક્ક ના હતો ?. દીકરી વીણાનું ભલું જ નિહાળી, એઓ પણ રાજી હતા.

ઘરે આવી, વીણાને નજીક બોલાવી.દિવાળીબેને વાત શરૂ કરતાપૂછ્યું “બેટી, તારી સાથે અમારે વાતો કરવી છે “વીણા એમનું માન આપી કહે”શું કામ છે, બા ?”

“વીણા બેટી, અમે તને હસતી જોવા ઈચ્છા રાખીએ છે. તું અમોને હસતા અને ખુશ કરીશ ?” દિવાળીબેને વાત આગળ ચલાવી.

“જરૂર,બા. તમારી અને બાપુજીની ખુશીમાં મારી ખુશી છે…એની સાથે તમારા આનંદને પણ ખુશી થાશે” વીણાએ નમ્રતાથી જવાબ આપ્યો.

“તો, બેટી અમારી ઈચ્છા છે કે તારે ફરી લગ્ન કરવા પડશે”દિવાળીબેનના આટલા શબ્દોથી વીણા ચોંકી ગઈ…એકદમ મૌન થઈ ગઈ. એના મનમાં આનંદના કહેલા શબ્દો ફરી યાદ આવ્યા. એણે આનંદને જે વચન આપેલું તેની યાદ તાજી થઈ.

“વીણા બેટી, આવું જ કદાચ અમારો આનંદ ઈચ્છતો હશે. તું એની ખુશી માટે હા કહીશ એવી આશા રાખીએ છીએ”વીણાના કપાળે સ્નેહભર્યો હાથ ફેરવી એમ માતાના ભાવે દિવાળીબેને કહ્યું.

“બા, હું તમારી દીકરી અને આજ મારૂં ઘર. પણ, તમારી ખુશી એ જ મારી ખુશી. આ ઘર છોડતા મને જરૂર દુઃખ થશે, પણ આ મારૂં સાસરૂ નહી પણ પિયર હશે”વીણાએ શાંત દીલે કહ્યું….એવા શબ્દો કહેતા, વીણાના મનમાં આનંદ સાથે થયેલી વાતોની યાદ હતી.

આટલી ચર્ચા બાદ, પશાભઈ અને દિવાળીબેન યોગ્ય જીવનસાથી માટે તપાસ શરૂ કરી.વીણાના માતાપિતાની જાણમાં એક છોકરો હતો. વીણા કોલેજમાં હતી ત્યારે એના વિષે વાતો થયેલી તે યાદ કરીને કહ્યું. એ હતો વિજય. એ ભણીને ઈંજીનીઅર થયો હતો, અને શહેરમાં નોકરી કરતો હતો. વિજયને ત્યાં વીણાની વાત પહોંચી. વિજય તો વીણાને સારી રીતે જાણતો હતો. એના મનમાં વીણા માટે આદરભાવ હતો. એ સ્વભાવની સારી હતી. એણે હ્જુ લગ્ન કર્યા ના હતા. એણે લગ્ન કર્યા હતા અને એના પતિનું અવસાન થયાનું જાણ્યા હોવા છતાં, એણે ખુશી સાથે એની હા કહી.

આનંદના ગામમાં જ્યારે આવી વાતની જાણ થઈ ત્યારે લોકો અચંબો પામ્યા. સમાજમાં હાહાકાર થઈ ગયો.અનેક જુનવાણી પકડીને જુના વિચારોમાં હતા.ટીકાઓ કરતા કહેવા લાગ્યા ” એકવાર સ્ત્રી પરણી સાસરે આવે એણે સાસરૂં કદી ના છોડવું જોઈએ. આવી વિધવાબાઈએ તો ઘરે રહીને એના સાસુ સસરાની સેવા કરવી જોઈએ.શું ધોળા કપડાને ત્યાગી ફરી નવી નવી સાડીઓ પહેરવાનું મન વહુને થયું ?” આવી વાતોની દરકાર પશાભાઈ કે દિવાળીબેન જરા પણ ના કરી. કોઈક પશાભાઈને કે દિવાળીબેનને આવીને એવું કહ્યું ત્યારે સૌને એક જ જવાબ “વીણા અમારી વહુ નથી ..એ અમારી દીકરી છે અને અમે તો અમારી દીકરીને રાજીખુશીથી પરણાવીશુ”

સમાજની પરવા વગર, અને વીણાની હા સાથે એના લગ્ન વિજય સાથે થયા. એ વિજયના ઘરે ગઈ.પ્રભુની કૃપાથી એક વર્ષ બાદ, વીણા અને વિજયને ત્યાં એક દીકરો થયો. એમણે એનું નામ આનંદ રાખ્યું. વીણા હંમેશા વિજયને કહેતી “આપણો દીકરો કેટલો ભાગ્યશાળી કે એને એ આજાબાપા અને બે આજીમા મળ્યા. ” વીણા અને વિજય પહેલા પશાભાઈ અને દિવાળીબેનના ઘરે જતા અને ત્યારબાદ જ વીણા પોતાના જન્મસ્થળે માતા પિતાને ઘરે જતી. નાના આનંદને નિહાળી, પશાભાઈ અને દિવાળીબેન પ્રેમથી રમાડી, હૈયે ખુશી અનુભવી કહેતા” આપણો આનંદ તો હજુ આ ધરતી પર જ છે!”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૪,૨૦૧૪                                ચંદ્રવદન

બે શબ્દો…

આ ટુંકી વાર્તા છે સમાજમાં એક બોધકથારૂપે.

આ વાર્તા છે સમાજમાં “પરિવર્તન” લાવવા માટે.

આપણા સમાજે નારીની પૂકાર સમજવાના પ્રયાસો કર્યા નથી, અને જુની પ્રથાઓ જેમ ચાલતી આવી તેમ જ ચાલુ રાખવા ભાર મુક્યો છે.

અહીં મુખ્ય વિચાર છે “વિધવા નારી”.

અનેકવાર, યુવાન નારી પરણ્યા બાદ એના પતિને ગુમાવે છે….એણે ધોળી સાડી પહેરી જીવન વિતાવવું અને કોઇ પણ શણગાર કે શોખ માટે એને મના છે. એની “ઉદાસી”માં વધુ ઉદાસી ભરવાની વાત છે.

એવી વિધવા નારી માટે ફરી લગ્ન કરવાની વાત કરવી એટલે એક “ગુનો”કર્યો હોય એવું સમાજ ફરમાન કરે.

ચાલો, માનીએ કે જુદા જુદા સંજોગોમાં નારી “વિધવા” બની શકે….લગ્ન કર્યા બાદ ટુંક સમયમાં…કે પછી અનેક વર્ષો બાદ….પતિનું મૃત્યુ થાય ત્યારે એને સંતાનો હોય કે નહી એ પણ ધ્યાનમાં લેવાની વાત છે. નારી એક માતા છે. સંજોગોને એ સમજે છે. પણ જ્યારે યુવાનીમાં જો એ વિધવા બને ત્યારે “આખી જીદંગીની સફર હજુ બાકી ” હોય ત્યારે નારી યોગ્ય નિર્ણય કરે એના પર સમાજે ધ્યાનમાં લઈ, નારીને એના દીલની વાત કહેવાનો કરવાનો હક્ક આપવો જોઈએ.

વીણાનું જીવન….ઘટનાઓ…સાથે સાસુસસરાનો સહકાર અને અંતે પરિણામ સમાજને બદવાની શીખ આપે છે.

આ “મુખ્ય સંદેશો” છે…પણ સાથે સાથે આ વાર્તામાં છે>>

(૧) ફક્ત એક ન્યાતિમા જ લગ્ન કરવા એવો આગ્રહ જુનવાણી છે એવી સમજ છે.

(૨) સાસુ અને સસરાએ હંમેશા ઘરમાં આવતી “વહુ”ને વહુસ્વરૂપે નિહાળવાને બદલે “પોતાની જ દીકરી છે” એવા ભાવે સ્વીકાર કરવો જોઈએ. અનેક સંસારીક અણબનાવો આથી નાબુદ થઈ જાય છે કારણ કે ઘરમાં ફક્ત “પ્રેમ ઝરણા” જ વહી રહે છે.

આશા છે કે આ “ટુંકી વાર્તા” તમો સૌને ગમી.

જરૂરથી પ્રતિભાવ આપી તમારા વિચારો દર્શાવજો….જેથી, સમાજમાં પરિવર્તન થતું રહે….નવા જમાનાને આપણે ભેટી આગેકુચ કરી શકીએ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a short story (TUNKI VARTA) in Gujarati titled “EK VINANI KAHANI”.

It is the story of VINA who maries & within a year her husband dies of an illness….before his death he expressed his desire that she MUST REMARRY.

Vina respected her IN-LAWS ( SASU-SASARA) & was quiet & sad….the In-laws saw her as her own daughter & discussed of her REMARRIGE..& got her married to VIJAY…..she had a son whom they named ANAND ( that is the name of Vina’s 1st husband)

The MORALE of the Story is to THROW AWAY OLD UNJUST CUSTOMS & CHANGE THE SOCIETY.

The CHANGES  noted are>>>

(1) A WIDOW can REMARRY & that her life MUST NOT GO IN MISERY because of unjust customs of the Society.

(2) The IN-LAWS must see the Daughter-in-law as their own DAUGHTER & give the LOVE & thus the MISUNDERSTANDINGS/MISTREATMENTS can disappear & there can be PEACE in the Family.

(3) The UNJUST CUSTOM of DOWRY or DEHEJ ( monetary & other demands of SON’s Family from the DAUGHTER’s Parents at the time of the Wedding) MUST BE ABOLISHED.

I hope you like this Post with this MESSAGE to the SOCIETY.

Dr. Chandravadan Mistry.

માર્ચ 20, 2014 at 12:02 પી એમ(pm) 13 comments

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !

Family : child's drawing of the family on a bicycle, vector

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !
નાના ગામડામાં રહેતા મુળજીભાઈએ સાહસ કર્યું અને મુંબઈ જઈ એક નાના રૂમમાં રહી નોકરી શરૂ કરી. એમણે મહેનત કરી, અને સારી કમાણી થતા, ટુંક સમયમાં જ એમની પત્ની કાશીબેનને મુંબઈ બોલાવ્યા. આ પ્રમાણે, મુળજીભાઈ અને કાશીબેન ખુબ જ આનંદથી એમનું જીવન વિતવવા લાગ્યા.
મુંબઈ શહેરમાં રહી,એઓ બંને મુંબઈના જ થઈ ગયા.ગામે કોઈકવાર જતા,ફરી મુંબઈ આવવા માટે આતુર રહેતા. મુંબઈ રહ્યાને બીજે જ વર્ષ બંને ખુબ જ ખુશ હતા કારણ કે એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો.દીકરાનું નામ પ્રેમથી “પ્રવિણ” રાખ્યું. મુળજીભાઈ અને કાશીબેન પ્રવિણને ખુબ જ પ્યારથી મોટો કરવા લાગ્યા. લાડમાં પ્રવિણ ત્રણ વર્ષનો થઈ ગયો. અને, એક દિવસ કાશીબેને મુળજીભાઈને કહ્યું “મારે તમોને એક ખુશખબરી કહેવી છે “.
“કાશી, શું કહેવું છે ? જે કહેવું હોય તે જલ્દી કહી દે “મુળજીભાઈ આતુર થઈ બોલ્યા.
“આપણા ઘરે હવે પ્રવિણ સાથે રમવા કોઈ આવશે “કાશીબેને ખુશી સાથે કહ્યું
કાશીબેનના આવા શબ્દો સાંભળી, મુળજીભાઈનું હૈયું આનંદથી ભરાઈ ગયું.થોડા મહિનાઓ વહી ગયા. અને, એક દિવસ કાશીબેનને મુળજીભાઈને કહ્યું”સાંભળો છો કે ? મને પેટમાં દુઃખે છે. મને જલ્દી હોસ્પીતાલે લઈ જાઓ!”
મુળજીભાઈએ તો ખુશી સાથે એક ટેક્ષી બોલાવી અને કાશીબેનને નજીક આવેલી નાણાવટી હોસપીતાલમાં દાખલ કરી દીધા.
મુળજીભાઈ હોસ્પીતાલમાં આમ તેમ આટાં મારતા હતા..સમય જાણે થોભી ગયો હતો. એમનું હૈયું ધબકી રહ્યું હતું..એમના મનમાં પત્ની અને પહેલા સંતાનના વિચારો રમી રહ્યા હતા, ત્યાં અચાનક મેટરનીટી વોર્ડના દ્વારો ખુલ્યા અને મેટરનીટીની નર્સએ નજીક આવી કહ્યું”કાકા..કાશીકાકીએ જોડીયા બાળકોનો જન્મ આપ્યો છે.કાકી અને બાળકો સારા છે.”આટલા શબ્દો સાંભળી મુળજીભાઈ તો જલ્દી ખુશ થઈ કાશીબેન પાસે દોડી ગયા.બેડ પર એક પુત્ર અને એક પુત્રી.નાની નાની કાયા, અને સુંદરતાથી ભરપુર.કાશીબેનમા મસ્તકે હાથ ફેરવી, મુળજીભાઈએ દીકરા અને દીકરીના કપાળે વ્હાલમાં ચુંબન કર્યું.એ ત્રણ દિવસો કાશીબેનની સારવાર હોસપીતાલમાં થઈ, અને ત્યારબાદ, મુળજીભાઈ કાશીબેન અને સંતાનોને ઘરે લાવ્યા.મુળજીભાઈ હવે સારૂં કમાતા હતા એથી એમણે ટુંક સમયમાં જ એક ત્રણ રૂમોનો ફ્લેટ લીધો. એ હવે એમનું નવું ઘર !
ફ્લેટમાં જોડીયા બાળકો મોટા થવા લાગ્યા.દીકરાનું નામ જીવણ, અને દીકરીનું નામ માયા રાખ્યું હતું. પ્રવિણ તો નાના ભાઈ અને બેનને નિહાળી અને સાથે રમી ખુબ જ ખુશ હતો. મુળજીભાઈ અને કાશીબેન પણ એમના ત્રણ બાળકો સાથે ખુશી અનુભવતા હતા.અનેક વર્ષો વહી ગયા.પ્રવિણે તો શાળા છોડી, મીઠીબાઈ કોલેજમાં પ્રથમ દાખલ થઈ એંતે સરદાર પટેલ ઍન્જીનીયરીંગ કોલેજમાં ભણી મેકેનીકલ એન્જીનીયરની ડીગ્રી મેળવી. જીવણ અને માયાએ શાળાનો અભ્યાસ પુરો કર્યો, અને કોલેજમાં દાખલ થયા.ત્યારે, પ્રવિણ તો એક સારી નોકરી કરી રહ્યો હતો.મુળજીભાઈ અને કાશીબેને પ્રવિણને લગ્ન કરવા વાતો કરી ત્યારે પ્રવિણે માતાપિતાને કહ્યું “પપ્પા, મમ્મી, મારી સાથે કોલેજમાં શોભના ભણતી તે મને ગમે છે”આ જાણી, મુળજીભાઈ અને કાશીબેન તો રાજી થઈ ગયા. શોભનાને ઘરે બોલાવી,વાતો કરી. અને, થોડા સમયમાં પ્રવિણ અને શોભનાના લગ્ન થઈ ગયા.શોભના એક વહુ તરીકે આવી અને મુળજીભાઈ અને કાશીબેને અને માયા જેવી દીકરી સ્વરૂપે નિહાળી.શોભના પણ ભણેલી હતી એથી એ પણ નોકરી કરતી.આ પ્રમાણે ઘરમાં આનંદ હતો.
અનેક વર્ષો વહી ગયા. જીવણ અને માયા પણ હવે મોટા થઈ ગયા હતા. એમનો કોલેજ અભ્યાસ પણ પુરો થયો હતો.એથી મુળજીભાઈ અને કાશીબેનને એમને પ્રણાવવાની ચિન્તાઓ હતી.જ્યારે પણ લગ્નની વાતોની ચર્ચાઓ ઘરમાં થાય ત્યારે જીવણ કહેતો “બેન માયાના લગ્ન કરો”.દીકરીના લગ્નની ચિન્તા માતાપિતાને હોય જ.પણ પ્રભુની કૃપા થઈ અને નજીકમા રહેતા એક જાણીતા કુટૂંબના દીકરાનું માંગુ આવ્યું..લગ્ન નક્કી થયા. માયાને ધામધુમ અને ખુશી સાથે પરણાવી. એ ભરત સાથે સાસરે આનંદમાં હતી.માયાની ખુશી નિહાળી મુળજીભાઈ અને કાશીબેન પણ ખુશ હતા, અને પ્રભુનો પાડ માનતા હતા.
માયાના લગ્ન બાદ, જ્યારે મુળજીભાઈ કે કાશીબેન જીવણને લગ્નની વાત કરતા ત્યારે એ કહેતોઃ”પપ્પા,મમ્મી શાને ઉતાવળ કરો છો તમે ?”આ પ્રમાણે એ વર્ષ પુરા થઈ ગયા. હવે, મુળજીભાઈ અને કાશીબેનની ધીરજ ખુટવા લાગી.અને, એક દિવસ મુળજીભાઈએ જીવણને રૂમમાં બોલાવ્યો.
“જીવણ, તું ૨૮ વર્ષનો થઈ ગયો છે. હવે તો તારે લગ્ન કરવા જ પડશે.”મુળજીભાઈએ ભારપુર્વક કહ્યું.
જીવણ શાંત રહ્યો.
“તને કોઈ છોકરી ગમે છે ?”કહી મુળજીભાઈ લગ્નની વાત ચાલુ રાખી.
તો પણ જીવણ કાંઈના બોલ્યો.
“જો તું કોઈ છોકરી વિષે ના કહે તો હું અને તારી મમ્મી તારી લાયક છોકરી શોધીશું !” એમણે જરા ગુસ્સા સાથે કહ્યું. ત્યારે કાશીબેન પણ નજીક ઉભા રહી સાંભળતા હતા.
તો, પણ જીવણ બોલ્યોઃ”પપ્પા મારે લગ્ન નથી કરવા !”
“તારે માતા પિતાની ખુશી માટે લગ્ન કરવા પડશે “મુળજીભાઈએ મક્કમ રહી કહ્યું.
“પપ્પા, તમો માનો છો એવો હું નથી.તમે મને સમજો !” જીવણ ધીરેથી બોલ્યો.
“અરે, તું તો અમારો વ્હાલો છે. તું અમોને ખુબ જ માન આપે છે. તું જરૂર અમારું કહ્યું માનશે જ !” મુળજીભાઈએ લગ્નની વાતને ચાલુ રાખી.
ત્યારે જીવણથી રહેવાયું નહી.એ એનું હૈયું ખોલીને કહેવા લાગ્યોઃ
“પપ્પા, હું તો કોઈ પણ છોકરીને પરણવા માંગતો નથી.અત્યારના જમાનામાં લોકો જેઓને “ગેય” કહે છે તેમાંનો એક છું. હા, તમો એ જાણી નારાજ થશો, અને કદાચ ગુસ્સો પણ કરશો.પણ, સત્ય એ જ છે !હું તો અત્યારે કોઈ છોકરાને પણ ચાહતો નથી.મને પ્રભુએ જ એવો બનાવ્યો છે. હું શું કરૂં ? સત્ય કહેવા તમે જ મને શીખવ્યું છે. જુઠું કહી તમેને ખુશ કરૂં કે સત્ય કહી તમોને નારાજ કરૂં ? મેં તો તમારી સાથે જ જીવન જીવી તમારી સેવા કરવાનો નિર્ણય લીધો છે. મારે કોઈ છોકરીનું જીવન બરબાદ કરવું નથી.તમે હવે મને રાખો કે ઘરબહાર કરો,મને એનો સ્વીકાર છે. તમે જે પણ નક્કી કઓ તે મને મંજૂર છે.હું પણ તમોને ખુબ જ પ્યાર કરૂં છું,તમોને માતાપિતા તરીકે મેળવી પોતાને ભાગ્યશાળી સમજું છું.”
આટલા શબ્દો કહી જીવણ ચુપ થઈ ગયો.
રૂમમાં એક અનોખી શાંતી હતી !
મુળજીભાઈ અને કાશીબેનના ચહેરા પર મનમાં અનેક વિચારો રમી રહ્યા હતા એના દર્શન થતા હતા.”મારા જીવણને અપનાવી લઉં કે એને ઘરબહાર કરી ત્યાગ કરૂં ?….કે એને કહું કે તું મારો દીકરો જ નથી એવું માનીશ..કે સમાજના નિયમોનું પાલન કરી પગલું ભરૂં? કે, પ્રભુએ આપેલી ભેટ માની સ્વીકાર કરૂં ?”
અંતે…..
મુળજીભાઈ ઉભા થતા…બે ડગલા જીવણ નજીક ગયા, અને જીવણને ભેટી પડ્યા અને બોલ્યાઃ
“બેટા, તું જેવો છે તેવો મારો છે ! પ્રભુએ તમે બનાવી અમોને સંભાળવા આપ્યો. તમે વ્હાલ કરી,મોટા કરવાની જવાબદારી અમારી હતી. હવે, તું સમજદાર અને મોટો છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થાય છે. તું અમારી સાથે રહેશે તો એ અમારૂં ભાગ્ય કહેવાય..જાણે ઘડપણમાં તારી સેવાથી અમો બન્ને ધન્ય થઈ જઈશું. પ્રબુનો પાડ માનીએ છીએ !”
પિતાને ભેટી જીવણે એના મનનો ભાર હલકો કર્યો….મુળજીભાઈને ભેટી એ કાશીબેનને આંખોમાં આંસુઓ લાવી રડવા લાગ્યો ત્યારે કાશીબેને મમતાનો સ્નેહભર્યો હાથ એના કપાળે ફેરવી એના આંસુઓ લુંછી કહ્યું ઃ”બેટા, રડ ના ! તું તો કાળજાનો ટુંકડો છે, અને મારો વ્હાલો છે. હવે મને કે તારા પપ્પાને જરા પણ ચિન્તા નથી. તારી સાથે અમારા ઘડપણમાં આનંદ હશે.”
હવે, જીવણના ચહેરા પર પહેલીવાર એક અનોખો આનંદ હતો, અને એના હૈયામાં છુપાયેલી ચિન્તાઓ હવે દુર થઈ ગઈ હતી.હવે, જીવણ આકાશમાં ઉડી રકેલા પક્ષીઓ જેમ આઝાદ હતો !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
વાર્તા લેખન તારીખઃ સેપ્ટેમ્બર,૨૧,૨૦૧૨
બે શબ્દો…
આજની ટુંકી વાર્તા છે “મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !”
તમે આ પહેલા પાંચ (૫) વર્તાઓ વાંચી. એ બધી જ વાર્તાઓ ઓસ્ટ્રેલીઆમાં હું થોડા મહિનાઓ માટે હતો ત્યારે ઓકટોબરની પાંચ તારીખે ૨૦૧૦માં લખાય હતી. એ સમયે, મારા મનમાં એક જ વિચાર હતોઃ”મેં આગળ “બોધકથાઓ”સ્વરૂપે લખી કંઈક “શીખ” આપવાનો પ્રયાસ કર્યો હતો..તો, હવે સંસારમાં કંઈક “સમાજીક પરિવર્તન” લાવવા  વાર્તાઓ હોવી જોઈએ” બસ, આ વિચાર સાથે પેન અને પેપર સાથે દીકરી જમાઈના એપાર્ટમેન્ટમાં કંઈક લખવા શરૂઆત કરી, અને પ્રભુની પ્રરણાથી ૫ વાર્તાઓને સ્વરૂપ મળ્યું
ત્યારબાદ…
અહી લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં હું જ્યારે આ વાર્તાઓ પ્રગટ કરી રહ્યો હતો ત્યારે “બીજી” વાર્તાઓ લખવા વિચારતો હતો ત્યારે “ગેય”વર્તનના બનતા દાખલાઓએ સમાજને હલાવી નાંખ્યો તે નજરે આવ્યું. અહી શરૂઆતમાં “ઈસ્ટ કે વેસ્ટ”ના સર્વ સમાજોએ આવા વિચારને અપનાવવા ઈનકાર કર્યો. અંતે,વેસ્ટે પહેલ કરી. આવી વ્યક્તિઓ પણ પ્રભુના જ સંતાનો એવા “ઉચ્ચ” વિચાર સાથે સ્વીકાર કર્યો. ભારતમાં હજું જોઈએ તેવી “જાગૃતી” આવી નથી. આ ધ્યાનમાં લઈ મને આ વાર્તા પોસ્ટરૂપે પ્રગટ કરવા પ્રભુપ્રેરણા મળી.
ચાલો, આવી જ પ્રભુની ઈચ્છા હશે કે મારા હસ્તે આ વાર્તા લખાય, અને આજે તમે “ચંદ્રપૂકાર” પર વાંચી.
તમે આવી વિચારધારા પ્રમાણે ના પણ હોય….તો કદાચ, આ વાર્તા વાંચી તમો પરિવર્તન લાવો.
તમે કદાચ, આવી વિચારધારાથી સહમત પણ હોઈ શકો. તો, આ વાર્તા વાંચી તમો અન્યને “માર્ગદર્શન” આપવામાં હિંમત મેળવો એવી આશા.
તમે જો પૂરાણોના વાંચકો હોય તો, “શિખંડી”વિષે જાણ્યું જ હશે. જરા એના પર ઉંડો વિચાર કરજો !
“બે શબ્દો” લખી તમારા વિચારો જણાવજો. એવું ના કરી શકો તો હું સમજી શકું છું. પણ, તમે પધારી આ વાર્તા વાંચી તે માટે હું સૌને આભાર દર્શાવું છું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is short story in Gujarati entitled ” MULAJIBHAI ane KASHINENNo JIVAN”.
By this Story, I desire to bring the AWARENESS of the SEXUAL ORIENTATION of the GAYS in our ESTABLISHED SOCIETY with the RULES & OLD IDEAS which CONFICT with the “NEW”.
If one sees this CHANGE as the “God desired” and accept these individuals as the CHILDREN of GOD, then only then one is at PEACE.
I understand that many of you are in cofusion…Some of you may “rejected” this idea, and some of you “accepted” this change in the Society.I just want ALL to  RETHINK seriously & ask your “inner Soul”. I am sure ALL will get the ANSWER.
Hope you like the story.
Thanks for reading this Post.
Dr. Chandravadan Mistry.

જાન્યુઆરી 23, 2013 at 2:38 પી એમ(pm) 21 comments

કનક,મીરા અને દીકરીઓ !

Family : child's drawing of the family on a bicycle, vector
કનક,મીરા અને દીકરીઓ !
કનક એક સંસ્કારી કુટુંબનો છોકરો હતો.એણે કોલેજમાં અભ્યાસ કરી, “એમ.બી.એ.”ની ડીગ્રી મેળવી, એક મોટી કંપનીમાં સારી નોકરી કરતો હતો.એના પિતાનું નામ મણીભાઈ અને માતાનું નામ ગૌરીબેન હતું.મણીભાઈ મહેતા વંશના હતા અને એમની દુકાન સારી રીતે ચાલતી હતી.ગૌરીબેનનું ભણતર ફક્ત હાઈસ્કુલનું હતું.મણીભાઈ અને ગૌરીબેન બંને ભક્તિભાવથી ભરપુર હતા, અને જ્ઞાતિમાં સૌ એમને ઓળખતા અને એમને માન આપતા.કનક એમનો એકનો એક દીકરો હતો. કનક એમને ખુબ જ વ્હાલો હતો.કનકના હૈયે માતાપિતા માટે ઉંડો પ્રેમ હતો, અને એ માતા પિતાને માન આપતો.એ એના જીવનમાં માતા પિતાનું કહ્યું માનતો. એનું જીવન જાણે માતા પિતાના માર્ગદર્શનથી જ ચાલતું હોય એવું લાગતું કારણ કે એ કોઈ દિવસ એમને ના નહી કહેતો.જાણે એણે એની સ્વતંત્રતા પણ ગુમાવી દીધી હોય એવું લાગતું હતું.
કોલેજ અભ્યાસ બાદ એને તરત જ નોકરી મળી ગઈ હતી. એને નોકરી કર્યાને એક વર્ષ પુરૂ થતા, એક દિવસ એના પિતા કનકની પાસે આવ્યા, અને કહેવા લાગ્યાઃ
“કનક બેટા, હવે તો તારે લગ્ન કરવા જોઈએ”
“પપ્પા, શાને ઉતાવળ કરો છો ?”કનકે ધીરેથી કહ્યું.
“બેટા, હું અને તારી મમ્મીની ઉંમર વધતી જાય છે. તું પરણે તો તારી વહુ ઘરે આવતા તારી મમ્મીને મદદ કરી શકે” મણીભાઈ કનકને સમજાવતા બોલ્યા.
થોડો સમય કનક ચુપ રહ્યો.મનમાં વિચાર કરતો રહ્યો, અને બોલ્યોઃ
“પપ્પા, જેવી તમારી મરજી !હું તમારી ઈચ્છા પ્રમાણે કરવા તૈયાર છું.”
મણીભાઈ તો ખુબ જ રાજી થઈ ગયા.જલ્દી પત્ની ગૌરી પાસે ગયા, અને સમાચાર આપતા, ગૌરીબેનનું હૈયું ખુશીથી નાચી ઉઠ્યું.મણીભાઈ અને ગૌરીબેને તો સમાજમાં કનકને પરણાવવાની વાત અનેકને કહી.અને, કહેતાની સાથે કનક માટે અનેક માંગા આવ્યા. અનેક જગ્યાઓ હતી પણ એમને એક જગ્યા યોગ્ય લાગી,અને કનકને કહ્યા વગર જ છોકરીને ત્યાં પહોંચી ગયા.છોકરી હતી મીરા. એને જોતા જ મણીભાઈ અને ગૌરીબેનને ગમી ગઈ. એઓએ એ વાત મીરાના માતા પિતાને કહી. આ પ્રમાણે, કનકને જરા પણ કહ્યા વગર જ નિર્ણય લીધો. ઘરે આવી બંને એ ખુશીમાં કનકને એના લાયક છોકરી મળી છે એવું જાહેર કર્યું. ત્યારે, કનકે જરા પણ વિરોધ ના કર્યો. કોઈ દિવસે માતપિતાને “ના” કહેવાની હિંમત કરી ના હતી. કનકે તો કહ્યું “પપ્પા, મમ્મી, તમોને છોકરી ગમી છે તો મને કાંઈ વાધો નથી.”
આટલી ચર્ચા બાદ, મણીભાઈ અને ગૌરીબેન કનકને લઈને મીરાને ઘરે નક્કી કરેલા સમય પ્રમાણે પહોંચી ગયા. મીરાના માતા પિતાએ એમનો સતકાર કર્યો. સીટીંગરૂમમાં સૌ બેઠા.અને ચાહ પાણી મંગાવ્યા. મીરા જ એ લઈને આવી ત્યારે મીરાને કહ્યું “મીરા, આ છે કનક એના માતા અને પિતા સાથે”.મીરાએ શરમાયને કનકના માતા પિતાને નમસ્તે કર્યા. વડીલો જરા દુર ઘર બહાર ગયા. અને, કનકે મીરા સાથે થોડી વાતો કરી.વાતો કરતા, કનકને મીરા ગમી ગઈ. અને, બહારથી બધા અંદર આવ્યા એટલે મીરા ચાહ/પાણીની ટ્રેય લઈ ફરી રસોડામાં ગઈ. કનક સાથે એના મતા પિતાએ વિદાય લીધી અને એમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મણીભાઈએ કનકને પુછ્યુંઃ”બેટા, મીરા ગમે છે ?”અને કનકે તરત જ “હા” કહી. મણીભાઈ અને ગૌરીબેન ખુશ થયા.
ત્યારબાદ, લગ્ન માટે તૈયારીઓ થઈ. કનક અને મીરાના લગ્ન થયા, અને મીરા માબાપનું ઘર છોડી,કનકના ઘરે આવી.એ સાસરે આવી. મણીભાઈ અને ગૌરીબેને એને દીકરી તરીકે નહી પણ એક વહુ તરીકે જ નિહાળી.કનકને મનગમતી પત્ની મળી, અને મણીભાઈ અને ગૌરીબેનને એમને ગમતી વહું મળી. સૌ આનંદમાં હતા. કનક તો રોજ ઘર બહાર નોકરી કરવા જાય. ઘરમાં મીરા ઘરકામમાં સમય પસાર કરે. પણ, એના દીલમાં જે હતું તે કહેવાની હિંમત ના હતી. એ એક પૈસાદાર કુટુંબની હતી. એણે પણ કોલેજ અભ્યાસ કર્યો હતો, અને લગ્ન પહેલા એક બેન્કમાં સારી નોકરી કરતી હતી. એના મનમાં ફરી નોકરી કરી મદદરૂપ થવાની ઈચ્છા હતી. મણીભાઈ અને ગૌરીબેન તો મીરાના વખાણ કરતા, અને જે કોઈને મળે તેને કહેતાઃ”અમારી વહુ મીરા તો બહું જ સારી છે !”મીરા આવા શબ્દો સાંભળી જરા કંટાળી, અને પાંચ મહિના બાદ, મીરાએ કનકને રૂમમાં કહ્યું”કનક, મારે તને એક વાત કહેવી છે “
“શું કહેવું છે ,મીરા?” કનકે સવાલ કર્યો.
“કનક, તું તો આખો દિવસ નોકરી માટે ઘરથી બહાર. તને ખબર છે કે લગ્ન પહેલા હું એક બેન્કમાં નોકરી કરતી હતી.મને પણ ફરી નોકરી કરવી છે.”મીરાએ ખુલાશો કર્યો.
“પણ, શા માટે તારે નોકરી કરવીછે ? મારા પગારમાંથી તો ઘરખર્ચ થઈ રહે છે”કનકે જાણે મીરાને નોકરી કરવાની જરૂરત નથી એવા ભાવ સાથે કહ્યુ<
“કનક, મેં કોલેજ અભ્યાસ કરી ડીગ્રી મળવી. મારા દીલમાં થાય કે એ ભણતર આધારે નોકરી કરી હું પણ ઘરમાં મારો ફાળો આપું. તું પણ ભણેલો છે એટલે તું જ મને સમજી શકે !”મીરાએ આટલું કહી નોકરી માટે આગ્રહ રાખ્યો.
કનક ખાસ બોલતો નહી પણ એક સમજદાર છોકરો હતો.એ વિચાર કરવા લાગ્યો. મીરા બેન્કમાં નોકરી કરતી હતી તે એ જાણતો હતો..તો, લગ્ન બાદ એણે મીરાને નોકરી વિષે પુછવાની ફરજ હતી. એ્વી ફરજ એ ભુલી ગયો હતો, એનું ભાન થયું અને મીરાને કહે ઃ”મીરા, તું ફરી બેન્કમાં કામ કરે તો મને વાંધો નથી. અરે, મને એની ખુશી હશે !”…આ પ્રમાણે, કનકે એના જીવનમાં પહેલીવાર, માતા પિતાની સલાહો વગર નિર્ણય લીધો.
બીજે દિવસે, મીરાએ એની જુની બેન્કના મેનેજરને ફોન કર્યો.મેનેજર તો મીરાનો અવાજ સાંભળી જ ખુશ થઈ ગયા.મીરાએ ફરી નોકરી કરવાની ઈચ્છા દર્શાવી એટલે જ હા પાડી અને કહ્યુંઃ”આવતા મહિનાની પહેલી તારીખથી તારે નોકરી શરૂ કરવાની છે. મીરાએ મેનેજર સાહેબને આભાર દર્શાવી ફોન મુકી દીધો. ખુશી સાથે કનક ઘરે આવે તેની રાહમાં હતી.સાંજના જ્યારે કનક આવ્યો ત્યારે એ રૂમમાં જઈ કનકને વ્હાલમાં ભેટી પડી, અને કહ્યુંઃ”કનક, મને આવતા મહિનાની પહેલી તારીખથી બેન્ક્માં નોકરી મળી ગઈ છે !”કનકે તો ખુશ થઈ એને એક ચૂબન કર્યું. ત્યારે, મીરાએ કનકને કહ્યું ” હવે તારે જ પપ્પા અને મમ્મીને આ સમાચાર આપવાના છે” સાંજના ભોજન માટે સૌ ટેબલ પર હતા. આનંદથી ભોજન પુરૂં થઈ રહ્યું હતું, અને કનક બોલ્યોઃ” પપ્પા, મમ્મી, મીરાને એની જુની બેન્કમાં જ ફરી નોકરી મળી ગઈ છે”અ સાંભળી, મણીભાઈ અને ગૌરીબેન તો ખુબ આઘાત લાગ્યો. થોડી જુઠી ખુશી મુખડે લાવી મણીભાઈ બોલ્યાઃ”મીરા તારે શા માટે નોકરી કરવી છે કરવી છે ? એની શી જરૂરત છે ?”
“પપ્પા, કનક એના ભણતર પ્રમાણે નોકરી કરે છે.હું પણ કોલેજમાં ભણેલી છું. આગળ નોકરી કરી છે. મારા પગારમાંથી ઘરમાં કઈક થાય. હું ઘર માટે મદદરૂપ થાઉં, એવી મારી ઈચ્છા છે “
મીરાના આવી સમજ આપતા શબ્દો સાંભળી, મણીભાઈ કે ગૌરીબેન કાંઈ વધુ ના બોલ્યા, પણ પછી ટેબલ પરથી ઉભા થાય તે પહેલા ગૌરીબેન કહેઃ” મીરાને નોકરી કરવી છે તો અમો શું કહીએ ? ચાલો, જે થશે તે !”
નવો મહિનો શરૂ થયો. પહેલી તારીખ હતી. મીરા તો જરા જલ્દી ઉઠી, નાસ્તો તૈયાર કરી દીધો. નાહી તૈયાર થઈ એ ઘર બહાર ગઈ. એ એની સ્વતંત્ર હાલતમાં લગ્ન પહેલાની આનંદભારી મીરા હતી.હવે મણીભાઈ અને ગૌરીબેન ઘરે એકલા હતા. કનક તો સાંજે મોડો આવે, પણ મીરાએ બેન્ક સાથે નોકરીનો સ્વીકાર કરતા ચોખવટ કરી હતી કે એ ત્રણ વાગે સુધી જ કામ કરી શકશે. એ પ્રમાણે મેનેજરે એવો સ્વીકાર કર્યો હતો. પહેલા દિવસના ત્રણ થયાને મીરા તો ઘરે આવી. કોઈ કહે તે પહેલા જ જરા આરામ કરી રસોડામાં જઈ રસોઈ કરવા લાગી. ગૌરીબેન તો ચુપચાપ જોતા રહ્યા. એમને તો વહુ શું કરે છે તે જોવું હતું.ગૌરીબેન આવા વર્તનથી રાજી થયા.આ પ્રમાણે મીરાએ પરિવારમાં સૌને રાજી રાખ્યા.પણ, ગૌરીબેનના મનમાં કનકને ત્યાં સંતાન હોય એવી આશા હતી, અને વળી મીરા એક દીકરો આપે એવી ઈચ્છા હતી.રસોઈ કરતી મીરાને થોડી મદદ કરતા. બોલ્યાઃ” મીરા, મને તો દાદી બનવું છે.” ત્યારે મીરા હસીને એવી વાત ઉડાવી દેતી. આ પ્રમાણે, ચાલતું રહ્યું. મીરાને પત્નીધર્મની યાદ આવવા લાગી.એણે એક દિવસ કનક્ની સાથે ચર્ચા કરી. અને પ્લાન પ્રમાણે એ એક બે મહિનામાં ગર્ભવતી થઈ. મણીભાઈ અને ગૌરીબેન રાજી થઈ ગયા. કનક રાજી હતો. અને, મીરાના દીલમાં પણ ખુશી હતી. એની “મમતા” હૈયે ઉભરાતી હતી.
એક દિવસ મીરાને હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવી.કલાકો વહી ગયા. રાત્રીના સમયે એક દીકરીનો જન્મ થયો. એ ખુબ જ સુંદર હતી. સૌના દીલો હરી લેય તેવી હતી. આ ક્નક અને મીરાનું પ્રથમ સંતાન. કનક અને મીરા માટે દીકરી કે દીકરો  એક હતા. પ્રેમ સાથે એમણે દીકરીનું નામ “જાનકી” રાખ્યું. પણ ગૌરીબેન જરા નારાજ હતા. એમને તો એક દીકરો જોઈતો હતો.છતાં, સૌની સામે રાજીખુશી બતાવી. મણીભાઈને તો જાનકી આવતા, દાદા બન્યાની ખુશી જ હતી.જાનકીનું હસતું મુખડું જોતા કોઈ પણ  જાનકીને વ્હાલ કરવા લાગે..અને, ધીરે ધીરે ગૌરીબેનનું દીલ પણ જાનકીએ જીતી લીધું.જાનકી તો લાડમાં મોટી થવા લાગી.સમય વહેતો ગયો. જાનકી ત્રણ વર્ષની થઈ ગઈ. ગૌરીબેનની આશા અધુરી રહી હતી. એ ફરી ફરી મીરાને બીજા સંતાન કરવા કહેતા રહ્યા.મીરા એમની વાતને ગણકારતી નહી.જાનકી હવે તો ચાર વર્ષની થઈ ગઈ હતી.એક દિવસ એણે કનકને બીજા સંતાન વિષે વાત કરી.કનકે મીરાને કહ્યુંઃ”મીરા, હવે જાનકી મોટી થઈ ગઈ છે. બીજું સંતાન હોય તો જાનકીને એને રમવા કંપની મળે. તું શું કહે ?”
મીરા વિચારતી રહી. એને પણ કનકનું કહેલું યોગ્ય લાગ્યું. અને, એણે કનક્ને કહ્યુંઃ” કનક તારી વાત સાચી. હું પણ એવા જ મતની છું !”
એક દિવસ મીરાએ કનકને રૂમમાં બોલાવી કહ્યુંઃ” જાનકી સાથે રમવા માટે કોઈ હવે આવશે !” આવા શબ્દો સાંભળી, કનક મીરાને ભેટી પડ્યો. જેમ થોડા અઠવાડીયા વહી ગયા, અને હવે તો ગૌરીબેન પણ જાણી ગયા. ખુશ થઈ એમણે મણીભાઈને શુભ સમાચાર આપ્યા, મણીભાઈ પણ ખુશ થઈ ગયા.૯ મહિના તો જાણે જલ્દી પુરા થઈ ગયા. અને, મીરા ફરી હોસ્પીતાલમાં હતી. ગૌરીબેન તો પ્રભુને પ્રાર્થના કરતી હતી કે એમને ત્યાં એક દીકરો જન્મે. કનક અને મીરાને દીકરો કે દીકરી આવે તે માટે ખુશી જ હતી.હોસ્પીતાલની નર્સ બહાર આવી અને “દીકરી જન્મી છે !”ના સમાચાર આપ્યા ત્યારે સૌના હૈયે આનંદ હતો…પણ, ગૌરીબેનના મનમાં નારાજીના નીર વહેતા હતા.જરા મુખડે ખોટી હસી બતાવી, એમણે બીજી દીકરીને પોતાના હાથમાં લીધી.આ બીજી દીકરીનું નામ “પ્રિયા” રાખવામાં આવ્યું.
પ્રિયાને માતા પિતાનો વ્હાલ મીરા અને કનક તરફથી મળ્યો. જાનકી તો ખુશ થઈ પ્રિયાને રમાડી એનો વ્હાલ આપતી. મણીભાઈ તો દાદાનો પ્યાર પ્રિયાને આપતા થાકતા ન હતા. પણ, ગૌરીબેન જ્યારે પ્રિયાને નિહાળે ત્યારે એમના દીલમાં ફક્ત દીકરાના દર્શન થાય અને એથી ખરા દીલથી પ્રિયાને “દાદીનો વ્હાલ” કદી મળી શક્યો નહી.સમય વહેતો ગયો. અને, પ્રિયા તો સુંદતા સાથે એક વર્ષની થઈ ગઈ.એક દિવસ ગૌરીબેન એમની નારાજી છુપાવી શકી નહી અને રસોડામાં મીરાને મદદ કરતા કહી દીધુંઃ”મીરા, આપણે ત્યાં એક દીકરો હોય એવી ઈચ્છા છે !”મીરા તો ગૌરીબેનના બદલાયેલા વર્તનને જાણતી જ હતી. પ્રિયાના જન્મ બાદ એણે સાસુજીની નારાજીનું કારણ સમજી ગઈ હતી.અને મીરાએ ધીરે રહીને બોલીઃ” મમ્મી, ભગવાને મને બીજી દીકરી આપી. કનક અને મેં તો એને પ્રેમથી સ્વીકારી છે.હવે, એમને ખુબ જ વ્હાલથી મોટી કરવાની અમારી ફરજ છે “, બસ, આવો જવાબ મીરા ગૌરીબેનને ફરી ફરી આપતી.
આ પ્રમાણે ગૌરીબેન તો એમના સાસુપણાના દર્શન આપી મીરાને અનેક રીતે હેરાન કરતી રહી. એક દિવસ મીરાએ જરા ગુસ્સામાં આવી ગૌરીબેનને કહી દીધું ઃ” મમ્મી, જે તમો મન કહો છો તે તમારા દીકરાને જ કહે ને !”મીરાએ તે દિવસે સાંજના રૂમમાં કનકને ગૌરીબેનના બદલાયેલા વર્તન વિષે જાણ કરી.કનકે કોઈવાર પણ માતા કે પિતાની સામે પોતાના વિચારો દર્શાવ્યા ના હતા.અનેક સમયે એ હંમેશા લચાર હતો.એથી આટ્લું જાણ્યા બાદ પણ માતાને કંઈ જ ના કહી શક્યો.
થોડો સમય વહી ગયો. હવે તો, ગૌરીબેન ઘરની વાત ઘર બહાર પણ કહેવા લાગી. સૌ કોઈની સાથે ચર્ચાઓ કરતા કહેવા લાગ્યાઃ”અમારી વહુ મીરા તો એની નોકરીમાં બીઝી રહે, અને ઘરકામમાં હવે જોઈએ તેવું ધ્યાન ના આપે..અરે, કોઈ સમયે મારૂં અપમાન પણ કરે છે !”ઘર બહારની વાતો હંમેશા ફરી ઘરમાં જ આવે. મીરા આવા ખોટા આરોપોનું જાણી ખુબ જ નારાજ થઈ ગઈ, એણે ગૌરીબેનને પોતાની માતા સમાન ગણ્યા હતા. એની સહનશક્તિ ખુટી ગઈ હતી. એણે એક દિવસ હિંમત કરી કહ્યુંઃ” મમ્મી, દીકરો કે દીકરી એ તો ભગવાનની ભેટ છે. પરણ્યા બાદ, અનેકને ત્યાં સંતાન સુખ ના હોય. જેને એવું સુખ ના હોય તે જ સંતાન માટે આશાઓ રાખે ત્યારે એ ભલે દીકરી હોય કે દીકરો એઓ સમાનભાવે સ્વીકારવા તૈયાર હોય છે, અમારા ભાગ્યમાં બે દીકરીઓ છે તે પણ પ્રભુની જ ઈચ્છારૂપે છે. કનક અને મારા મનમાં તો દીકરી તો ઘરની લક્ષ્મી છે !” આવા શાણપણભર્યા શબ્દો સાંભળવા ગૌરીબેન તૈયાર ના હતા.અને, એમણે ગુસ્સામાં કહ્યુંઃ
“દીકરો તું ના આપી શકે તેમાં તારો જ વાંક છે !” અને, કનક જ કહેતો હોય તેમ કહી દીધું ઃ”કનકને તો દીકરો ખુબ વ્હાલો છે ! એને તો તું ખુશ કર !”
જયારે આવી ચર્ચા થઈ ત્યારે એ રાત્રીએ મીરાએ બેડરૂમમાં કનક સાથે વાતો કરી.
“કનક, આપણને ફક્ત દીકરીઓ જ છે. તો, તારે તો દીકરો જોઈતો હશે ” મીરાએ વાતની શરૂઆત કરી.
“મીરા, તું આવું શા માટે કહે છે ? તને ખબર છે કે મને જાનકી અને પ્રિયા ખુબ જ વ્હાલી છે !”કનકે જવાબ કહ્યું.
“તો પછી, મમ્મી કેમ કહે કે તને તો દીકરો જ વ્હાલો ?”કહી મીરાએ વાતને આગળ ચાલાવી.
કનક તો આભો જ થઈ ગયો.એના હૈયામાં દર્દ થયું.
“મીરા, તું મારા જીવનમાં આવી અને મને સંતાનસુખ આપ્યું એ કદી ભુલીશ નહી. તારો પ્રેમ જ મારી શક્તિ છે ! તું ચિન્તા ના કરીશ. હવે, હું મારે જે કરવાનું તે કરીશ.આવા કનકના શબ્દો સાંભળી, એણે મનમાં શાંતી અનુભવી.
બીજે દિવસે, શનિવાર હતો,એટલે કનકને નોકરીએ જવાનું ના હતું.સવારનો નાસ્તો તૈયાર હતો. રોજના ક્રમ પ્રમાણે, સૌ ટેબલ હતા. નાસ્તો પુરો થતા, ટેબલ પર સૌ હતા ત્યારે કનક એના નવ સ્વરૂપમાં ધીરથી બોલ્યોઃ
“મમ્મી, તમોને જાનકી અને પ્રિયા ગમે છે કે નહી ?” એણે એની મમ્મી તરફ જોઈને પુછ્યું.
“કોણે કહ્યું કે મને જાનકી કે પ્રિયા નથી ગમતા?”ગૌરીબેને અચંબા સાથે કનક્ને પુછ્યું.
“મમ્મી, આ સવાલના જવાબમાં મારે એટલું કહેવું છે કે જ્યારે જાનકી આવી ત્યારે તમે થોડો વ્હાલ એને આપ્યો…પણ હૈયામાં તમારી નારાજી છુપાવી. જ્યારે બીજી પણ દીકરી ઘરે આવી ત્યારે તમારી નારાજી વધી ગઈ. અને એના પરિણામે તમે નવું વર્તન બતાવ્યું. હું કાંઈ ના બોલ્યો.તમે બે દીકરીઓ જ થઈ તે માટે મીરાનો વાંક કાઢ્યો. હું અને મીરા તો રાજી છીએ કે પ્રભુએ ઉપકાર કરી અમોને બે દીકરીના માતાપિતા બનાવ્યા.હું તો એ પુછું કે દીકરીઓ ભાગ્યમાં હોય તે એ શું ખોટું છે ?”
“પણ, દીકરા, આશા હોય ને કે આપણો વંશવેલો ચાલુ રહે !” ગૌરીબેન બચાવ કરતા હોય એવા ભાવે બોલ્યા.
“મમ્મી, દીકરી  કે દીકરો  ઘરે આવે, તેમાં પતિ અને પન્તીનો ફાળો હોય છે. કોઈવાર પતિના દેહમાં  કે પત્નીના દેહમાં  કંઈક ખામીઓ હોય શકે, અને જેના કારણે સંતાનસુખ ના મળે. એવા સમયે ફક્ત પત્નીનો દોષ કાઢવાની આદર સંસારની છે. એ એક મહાન ભુલ છે. અને, જ્યારે ફક્ત દીકરીઓ જ સંતાન સ્વરૂપે મળે ત્યારે એનો હસતા મુખડે સ્વીકાર કરવો એ જ યોગ્ય કહેવાય….અને, વધુમાં મારે કહેવું છે કે જ્યારે સમાજ દીકરા કે દીકરીને સમાન ગણી આવકારશે ત્યારે જ આ અંધકાર દુર થયો છે એવું હું માનીશ!”
આટલા શબ્દો કહી, કનક ચુપ થઈ ગયો.
એ ઘડીએ એક અનોખી શાંતી હતી !
પ્રથમવાર, કનક માતા પિતા સામે સ્વતંત્રતા સાથે એના દીલનું કહી શક્યો.
ગૌરીબેનના મનમાં અનેક વિચારો રમવા લાગ્યા. થોડો સમય શાંત વાતાવરણ રહ્યું. એનો ભંગ કરતા ગૌરીબેન બોલ્યાઃ
“દીકરા, કનક  આજે તારા શબ્દોથી મારો અંધકાર દુર થયો. પ્રથમ તો મારી ભુલ કે મેં મીરાને ફક્ત વહુ તરીકે જ નિહાળી. એને જો હું મારી દીકરી સ્વરૂપે જોતે તો આવો અંધકાર જરૂરથી જલ્દી દુર થઈ ગયો હોત. અરે, મેં તો તારા પપ્પાને પણ સમજવા પ્રયાસ ના કર્યો. એમણે અનેકવાર મને મીરા, જાનકી,પ્રિયાને કનકને પ્રેમ આપ્યો તે પ્રમાણે કરવા કહ્યું. હું જુનવાણીના અંધકારમાં રહી. આજે બેટા તેં મારી આંખો ખોલી. અને, પ્રથમ પ્રભુ પાસે માફી માંગી, મારી દીકરી મીરાને મારૂં હૈયું ખોલી માફી માંગું છું !”
આવા શબ્દો સાંભળી, મીરાએ તરત જ કહ્યુંઃ “મમ્મી, તમારે મને માફી માંગવાની ના હોય. મેં તો આ ઘરે આવી તમોને મમ્મી જ માન્યા છે. અને, આજે પણ તમે મારા વ્હાલા મમ્મી જ છો !મમ્મી, તમારો જરા પણ વાંક નથી . આનો દોષ આપણા સમાજનો છે, અને આ દોષ સમાજના વડીલોનો છે કે એમણે આવી સમજ આપવા પ્રયત્નો ના કર્યા. હવે, આપણા સમાજે પણ જાગૃત થવાની ઘડી આવી ગઈ છે. હજું સમય છે. કંઈક પગલાઓ લેવાશે તો અન્યને મને જે અનુભવ કરવો પડ્યો તેવું શક્ય કદી ના બને. સમાજ ત્યારે જ પ્રગતિના પંથે હશે !”
ગૌરીબેન ઉભા થયા, અને મીરાને ભેટી પડ્યા. મીરાને પહેલીવાર લાગ્યું કે ખરેખર એને એની મમ્મી મળી. આ પ્રમાણે મીરા અને ગૌરીબેન ભેટી રહ્યા હતા ત્યારે જાનકી અને પ્રિયા દોડીને આવ્યા કહેવા લાગ્યાઃ”દાદીમા, આજે આપણે સાથે રમવાના છે”
“હા, મારે હવે તમારી સાથે બહું રમવાનું છે. જરા. મોડી પડી છું પણ જરૂરથી મારા હૈયામાં જે પ્રેમ ભર્યો છે તે બધો જ તમારા માટે છે !”ગૌરીબેને જાનકી અને પ્રિયાને હાથમાં પકડી કહ્યું
મણીભાઈના દીલમાં એક અનોખો આનંદ હતો. જે પતિ તરીકે ગૌરીને સમજાવી ના શક્યો તે દીકરા કનકે એના શબ્દોથી એનો અંધકાર દુર કર્યો. કનક પણ માતા પિતા તરફ જોઈ ખુશ થઈ એમના પગે પડ્યો. અને એની સાથે મીરા પણ મણીભાઈ અને ગૌરીબેનને પગે લાગી. આવું નિહાળી, જાનકી દોડી, અને એની પાછળ ગુંટણીયા કરતી પ્રિયા હતી. બંને  દાદા અને દાદીના પગે વળગી ગયા.એક સુંદર દ્રશ્ય હતું ! જેમાં પરિવારનો પ્રેમ છલકાતો હતો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી
વાર્તા લેખનઃ તારીખ ઓકટોબર,૧૧,૨૦૧૨

બે શબ્દો…
આજની ટુંકી વાર્તા છે “કનક,મીરા અને દીકરીઓ”.
આ વાર્તાનું લેખન તારીખ ઓક્ટોબર,૧૧,૨૦૧૨ના દિવસે થયું પણ આજે પ્રગટ કરી રહ્યો છું.
આગળ તમે એક પછી એક કુલ્લે પાંચ સમાજ સુધારાની વાતો વાંચી.
ત્યારબાદ…અન્ય પોસ્ટો વાંચી. અને પછી એક વાર્તા વાંચ્યા બાદ, આ વાર્તા વાંચી રહ્યા છો. એ માટે મને આનંદ છે !
હવે, આ વાર્તા દ્વારા એક “સમાજ સમજ”આપવા મારો પ્રયાસ છે.
વાર્તા જરા લાંબી થઈ છે, તો માફ કરી, પુરી વાર્તા વાંચવાની તસ્દી લેવા વિનંતી !
આપણો સમાજ “દીકરા”નો સ્વીકાર જલ્દી કરે છે, અને ખુશી સાથે કરે છે….અને દીકરી જન્મે એટલે “નારાજી” હોય. આટલી નારાજી તો ચાલો સમજી લઈએ, પણ દીકરી જન્મે તે પહેલા જાણી એને મારી નાંખવાના વિચારોમાં હોય અને એવા વિચારો ના કર્યા હોય ત્યારે દીકરી જન્મ લેઈ ત્યારબાદ, એને મારવાના પ્રયત્નો હોય કે પછી એને વ્હાલ વગર ઉછેરવા માટે આગેકુચ હોય..જાણે દીકરી “એક બોજો” છે.અહી, કામ કરે છે, “દીકરાનો મોહ” અને “વંશવેલા”ની ફીકર.જુના જમાનામાં સંજોગો કારણે દીકરો જ “સેવા” કરે એવા ભ્રમમાં રહી આવું વર્તન એક હકીકત બની ગઈ !પણ આ નવયુગમાં દીકરી કે દીકરો હોય,…બન્ને ને ભણતર આપવું એ પરિવારની ફરજ બની જાય છે. દીકરી કદી “ભાર કે બોજા”રૂપે નથી જ !
આ સમાજનો ફક્ત દીકરા માટેનો પ્રેમ એ જ અંધકાર છે !સંતાન ના થાય કે ફક્ત દીકરીઓ જ થાય ત્યારે જાણે “પત્નીનો જ વાંક” એ પણ એક બીજો અંધકાર !
એથી, મારે એટલું કહેવું છે કે…નવયુગમાં વિજ્ઞાનના
કારણે “નવી સમજ”ને સમાજના
 કાર્યકર્તાઓએ સમજવી જોઈએ. નવી સમજ પ્રમાણે
સમાજમાં સુધારા લાવવવાની ફરજ એમના શીરે રહે છે
. જો એવી ફરજ અદા ના કરે તો અંધકાર કદી દુર ના થઈ
શકે. સમાજની આવી હાલત રહે તો વાંક કોનો ? એનો
જવાબ જાણી, સમાજમાં પરિવર્તન લાવવા હવે સૌએ
આગેકુચ કરવાની જરૂરત છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Story is a Post named “KANAK,MIRA Ane DIKARIO” which means “Kanak Mira & Daughters.”
This story is imagined & not real. Yet, I can say confidently that THERE ARE SUCH STORIES in the REAL LIFE too.
This Story illustrates the IGNORANCE of the SOCIETY.
The ELDERS of the Society MUST guide ALL to the TRUTH & remove the ignorance. It is their DUTY.
If the “TRUE GUIDANCE”is implemented, then the Sociey can BENEFIT with the UNDERSTANDING and thus the Society wil; be NEW with the CHANGE in thinking.
This had been my GOAL of publishing this Story, in which Kanak & Mira are the PROUD parents of Janki & Priya, their 2 Daughters. They love their daughters and even Kanak’s Father ( Manibhai) loves the grand-daughters but Gauriben (Kanak’s Mother) is NOT willing to accept Janki & Priya, as she thinks of having the Grandson. In her persuit of her desire, she blames Mira for NOT giving a SON to Kanak. This ignorance is “cleverly” tackled by Mira. In the process, Kanak is a changed person who is able to speak the TRUTH to his parents. This confrontation leads to the TRANFORMATION of Gauriben.
It is my intent that by this Story, I wish to bring the AWARENESS of DAUGHTERS are the GIFTS from God & must be ACCEPTED in the family with LOVE & they must get the SAME LOVE as the SONS in a family.
If one person reading this Story is CHANGED in his VIEWS, I will thank God for that. I see him/her as the ENLIGHTED one who may one day give the LIGHT to MORE. Thus, the Society can get rid of DARKNESS & IGNORANCE.
Let us pray that day of the CHANGED SOCIETY is very soon !
Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 12, 2013 at 5:01 પી એમ(pm) 16 comments

ભરત અને રાધીકાના લગ્ન !

Family : child's drawing of the family on a bicycle, vector

ભરત અને રાધીકાના લગ્ન !

ભરતે વડોદરાની એમ.એસ. યુનીવર્સીટીમાં એનજીરીંગ ડીગ્રી મેળવવા અભ્યાસ શરૂ કર્યો. એનું અસલ વતન ગુજરાતના ચરોતર વિસ્તારે આણંદ શહેરમાં હતું. એના પિતાજીનો શહેરમાં મોટો વેપાર ચાલતો હતો, એથી ભરત એક ધનવાન કુટુંબનો હતો.તેમ છતાં, આણંદ છોડી વડોદરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા એણે જાતે જ નક્કી કર્યું હતું એ સમયે એના પિતાએ કહ્યું ઃ ” દીકરા, તને હોસ્ટેલમાં માફક ના આવે. તને હું એક પ્રાઈવેટ ફ્લેટ લઈ આપું. તું ત્યાં આરામથી રહી ભણી શકે !”પણ, ત્યારે ભરતે પિતાને કહેલું ઃ ” પપ્પા, મારે તો હોસ્ટેલમાં જ રહેવું છે. તમે મારી ચિન્તા ના કરશો !”

આ પ્રમાણે, ભરતે વડોદરા આવી હોસ્ટેલ આવી એનો સામાન એને મળેલા રૂમમાં મુક્યો. એ રૂમમાં એને રણજીત નામે રૂમમૅઈટ મળ્યો, રણજીત એક ગરીબ કુટુંબનો છોકરો હતો. હોસ્ટેલમા સમય વહેતો ગયો. કોલેજમાં ભરતનો અભ્યાસ શરૂ થઈ ગયો.હોસ્ટેલમાં રહેવા સાથે કોલેજ કેમ્પસમાં જુદા જુદા વિષયો ભણતા છોકરા અને છોકરીઓ એકબીજાને મળવાનો લ્હાવો લેતા. આ હતું કોલેજ જીવન !

યુનીવર્સીટીની “ગર્લ્સ” હોસ્ટેલ પણ કેમ્પસ નજીક હતી. પણ છોકરા અને છોકરીઓ કોલેજ કેમ્પસ પર એકબીજાને મળી જાણી કોઈ મિત્ર બની જતા. ભરતને સૌને મળ્યા બાદ, એક છોકરી ખુબ જ ગમતી. એનું નામ હતું રાધીકા. રાધીકા એક ગરીબ કુટુંબની હતી. એના પિતા પાસે કોલેજ ભણતર માટે પૈસા ના હતા છતાં એમણે થોડી બચત હતી તેને ધ્યાનમાં લઈ દીકરી રાધીકાને કહ્યુ હતું ઃ ” દીકરી, તું જરા ચિન્તા ના કરીશ, તારે ભણીને ડીગ્રી મેળવવાની જ છે !” રાધીકાના પિતા શિક્ષણપ્રેમી હતા. રાધીકા એમની એકની એક દીકરી હતી.રાધીકા એના મનમાં જાણતી હતી કે કેવા સંજોગોમાં એના પિતાએ એને કોલેજમાં ભણાવવા માટે સાહસ કર્યું હતું.એ કોલેજમાં ફક્ત ભણવા માટે મહેનત કરતી અને મોજશોખ માટે એને કાંઈ રસ ના હતો.

ભરત રાધીકાને નિહાળતા ગયો તેમ તેમ એ એની નજીક જઈ રહ્યો હતો. રાધીકાનો સ્વભાવ ખુબ જ મળતાવડો હતો. એક દિવસ રાધીકા નજીક આવી અને પહેલીવાર કહ્યુંઃ “રાધીકા, તું કેમ છે ? તારે ઘરે તારા પિતાજી અને સૌ કેમ છે ?”

તે સમયે, રાધીકા જરા શરમાય ગઈ હતી. એ જાણતી હતી કે ભરત ખુબ ધનવાન કુટુંબનો હતો. છ્તા, એને ખોટું ના લાગે એવા ભાવે કહ્યું ” ભરત, સૌ મઝામાં છે ! તારા ઘરે સૈ કેમ છે?”

બસ, આ જ એકબીજા વચ્ચે સંવાદ હતો.

ભરત એના દીલની વાત એના રૂમપાર્ટનર રણજીતને જરૂર કહેતો. રણજીત રાધીકાને જાણતો હતો કારણ કે એ રાધીકાના નજીકના ગામનો રહીશ હતો. રણજીત રાધીકાને ઘણીવાર મિત્રતા ભાવે મળતો ત્યારે ભરત પણ એની સાથે જ હોય, આથી ભરત રાધીકાને અનેકવાર મળ્યો, અને રાધીકાને જેમ એ વધારે જાણવા લાગ્યો તે તેમ એના દીલમાં રાધીકા બીરાજી ગઈ. એ વિષે ભરત જાણે. રાધીકાના મનમાં એવા વિચારો કદી ના આવ્યા હતા. રાધીકાને એની ગરીબાયની જાણ હતી, અને ભરત કેટલો પૈસેદાર હતો એ પણ જાણતી હતી. એક દિવસે, રણજીતે કહ્યું ઃ “રાધીકા આ મારો મિત્ર ભરત !”

જાણે પહેલીવાર “ઓફૉસીયલી” મળતા હોય એવા ભાવે ભરતે નમ્રતાથી કહ્યુંઃ ” જય શ્રી કૃષ્ણ રાધીકા !”

અને જવાબરૂપે રાધીકાએ કહ્યુંઃ “ભરત, જય શ્રી કૃષ્ણ !”

બસ, આટલી વાતો બાદ, ભરત અને રાધીકા એકબીજાને મળતા રહ્યા. ધીરે ધીરે, રાધીકાને ભરત ગમવા લાગ્યો. સમયના વહેણમાં રાધીકા ભુલી ગઈ કે એ ગરીબ છે અને ભરત ખુબ જ પૈસેદાર છે. એ ફક્ત એને નજીકના મિત્ર સ્વરૂપે નિહાળતી હતી. આવી મિત્રતાના ભાવે કોઈકવાર રેસ્ટોરાન્ટમાં સાથે ખાતા ત્યારે મજાકો પણ કરતા. એક દિવસ, ભરતે ગંભીર થઈ રાધીકાને કહ્યું ઃ” રાધીકા, મારે તને કાંઈ કહેવું છે ” રાધીકા તો હજુ ગમ્મત કરતી હોય તેવા ભાવે બોલી ઃ ” શું  છે ભરત ? આજે કાંઈ મુડમા નથી કે શું ? શું છે ?”

ત્યારે ગંભીરતા સાથે ભરતે કહ્યુંઃ “રાધીકા, હું તને ખુબ જ ચાહું છું. તું મારી સાથે લગ્ન કરીશ ને ?”

રાધીકા તો ચોંકી ગઈ. એણે એવો વિચાર સ્વપ્નામાં પણ કર્યો ના હતો. એના મનમાં એક જ વિચાર હતો કે ભરત ધનવાન અને એ ગરીબ, એથી મેળ કેમ હોય શકે ? ઉંડા વિચાર સાથે રાધીકા બોલીઃ ” ભરત, આ તું શું કહે છે ? અમીર અને ગરીબ એકબીજાથી દુર કહેવાય. હું કહું કે અહી મેળના પડે, અને સમાજ પણ એવું જ કહે છે !”

“રાધીકા, જે સમાજ કહે તે, મને એની ચિન્તા નથી ! હું તને ચાહું છું…મને તું અને તારો પરિવારનો પુર્ણ સ્વીકાર છે !”

“પણ, ભરત, દીકરીના માતાપિતાએ તો દીકરીને પરણાવવા માટે એમુક ગ્રામ સોનું અપવું પડે, એવા ૨૦ તોલા સોનું મારા પિતા ક્યાંથી લાવે ?” રાધીકાએ ભરતને સમજાવતા કહ્યું

“હું એવી જુની પ્રથાને માનતો નથી..અરે, એનો ખુબ જ વિરોધી છું, સાદાઈથી લગ્ન કરવા મારી બરપણની ઈચ્છા છે !” ભરતે એના ઉંડા વિચારો દર્શાવ્યા. એ સાંભળી, રાધીકાને અચંબો થયો. એ ભરતને એક સારા મળતાવડા સ્વભાવના મિત્ર તરીકે જાણતી હતી. આજે પહેલીવાર જ એ ભરતના હૈયાની ઉંડાણથી ભરતને પ્રથમ નિહાળી રહી હતી. રાધીકાના દીલમાં હવે ભરત હતો. છતાં, એણે વાત આગળ ચલાવીઃ” ભરત, હું તને અને તારા વિચારોને સમજું છું અને એની કદર કરૂં છું, પણ આ વિષે તારા માતા પિતા શું કહેશે ?”

“રાધીકા, હું એ સંભાળીશ ! તું ના ચિન્તા કરીશ” ભરતે રાધીકાને હિંમત આપતા કહ્યું

આટલી ચર્ચા બાદ, રેસ્ટોરાન્ટમાં હરી હાસ્ય અને મજાકની વાતો  ચાલુ રહી અને ટેબલ પરની વાનગીઓ પુરી થઈ અને એકબીજાએ “ગુડબાઈ” કરી છુટા પડ્યા.

ભરત રૂમમાં જઈ રાધીકાના શબ્દો પર વિચારો કરતો રહ્યો. ભરતે ફાઈનલ પરિક્ષા આપી. રાધીકાએ પણ એની પરિક્ષા આપી. બંને પોતપોતાને ઘરે ગયા.ભરત ઘરે આવ્યો એટલે માતા પિતા ખુબ જ ખુશ હતા.થોડા દિવસો આનંદમાં વહી ગયા. એક દિવસ સાજે ભરતના પિતાએ આનંદ સાથે ભરતને કહ્યું ઃ”ભરત બેટા, તેં કોલેજ પુરી કરી. તું હવે મોટો થઈ ગયો.તારે હવે લગ્ન માટે વિચારવું રહ્યું. એવું જ તારી મમ્મી પણ કહે છે “

હજું આટલું અને ભરતે પિતાને કહ્યુંઃ”પપ્પા, મને એક છોકરી ગમે છે.”

“કોણ છે એ ?” તરત જ ભરતના પિતાએ પુછ્યું.

ત્યારે ભરતે વિગતે રાધીકા વિષે કહ્યું. અને સાંભળી એના પપ્પા ગુસ્સામાં આવી બોલ્યાઃ તો, તું આમારૂં કહ્યું ના માનશે ? એવી ગરીબ ઘરની કન્યા આપણા ઘ માટે લાયક ના હોય શકે” ઉંચા સાદે ભરતા પિતા બોલ્યા એટલે એના મમ્મી ત્યાં આવ્યા અને પુછ્યું ઃ શું થઈ રહ્યું છે ?”ત્યારે ભરત અને ભરતના પિતાના વિચારો જાણ્યા.ભરતની માતા એક સંસ્કારી કુટુંબની હતી. ભલે એ કુટુંબ પણ અમીર હતું પણ એઓને ગરીબો પ્રત્યે ખુબ પ્રેમભાવ હતો. થોડો સમય ભરતના મમ્મી શાંત રહ્યા અને પછી ધીરેથી કહેવા લાગ્યાઃ ” ભરતના પપ્પા, ભરત આપણો એકનો એક બેટો છે. એને રાધીકા ગમે છે અને એ એને ખુબ જ ચાહે છે. એ ગરીબ હોય તો શું ? આપણે તો એક સંસ્કારી કન્યા આપણી વહુ તરીકે આવે એવી જ ઈચ્છા હોવી જોઈએ. અને રાધીકા એવી કન્યા છે. તો આપણે કોણ ના કહેનારા ?, હું તો કહું કે રાધીકા આપણા ઘરને યોગ્ય જ છે ! અને, મારે વધુંમાં કહેવું છે કે આ ડાવરી પ્રથાની હું ખુબ વિરોધી છું. દીકરી માતાપિતા માટે ભાર બને એ ખરેખર સમાજનો અન્યાય છે ! આપણે રાધીકાના ઘરે જઈ એમની ચિન્તાઓ દુર કરવાની છે…એ આપણી પહેલી ફરજ છે !”

આટલું કહી, ભરતના મમ્મી ચુપ થઈ ગયા. આ પ્રમાણે ભરતના પિતા આગળ એઓ પહેલીવાર બોલ્યા હતા. એમને પણ સમજતું નથી કે એમનામાં એવી હિંમત કેવી રીતે આવી.ઘરમાં જે કંઈ થતું તે ભરતના પિતા કહે તેમ જ થતું. આજે પહેલીવાર ભરતના પિતાએ શાંતીથી બધુ જ સાંભળ્યું. પછી, શાંતીનો ભંગ કરતા બોલ્યાઃ ” ઓ, ભરતની મમ્મી, તું તો આ ઘરની દેવી છે ! તારું મુલ્ય હું જાણતો ના હતો તો આજે પ્રભુએ મારી આંખો ખોલી. મારો અંધકાર દુર થયો છે. મારા પૈસાનું મુલ્ય કાંઈ જ નથી એવી સમજ મેં પહેલીવાર અનુભવી !”

ભરત તો માતા અને પિતાને સાંભળી ખુબ ખુશ થઈ, દોડી એમને ભેટી પડ્યો. આ મિલનમાં ત્રણ હૈયા “એક” હતા. અને ફક્ત પવિત્રતાના નીર આંખોમાથી વહી રહ્યા હતા.

થોડા દિવસો બાદ, રાધીકા ઘરે ભરતનું માંગું આવ્યું. રાધીકાના માતા પિતા તો અચંબામાં હતા. એક અમીર ઘરેથી એ માંગુ હતું. પણ હૈયે ખુશી હતી. ભરતના માતા પિતાએ રાધીકાને બે પૈસા હાથમાં આપી, લગ્નની ચર્ચાઓ કરતા, ડાવરી માટે ઈન્કાર અને સાદાઈથી લગ્ન કરવા માટેની ઈચ્છા દર્શાવી ત્યારે રાધીકાના માતાપિતાના શીરેથી એક મોટો ભાર દુર થઈ ગયો હતો.  શુભ દિવસે ભરત અને રાધીકાના લગ્ન થઈ ગયા.  રાધીકા પરણીને ભરતના મોટા ઘરે આવી ત્યારે પહેલા ભરતના માતાપિતાને ચરણે પડી ત્યારે ભરતની માતાએ આવકારો આપતા કહ્યુંઃ ” રાધીકા, તું તો અમારી વહુ નહી પણ અમારી દીકરી છે. આ ઘર તારૂં ઘર અને એની જવાબદારી તારી છે !”

ભરત એના મનમાં વિચારતો હતોઃ “હું કેટલો ભાગ્યશાળી કે મને આ જન્મે આવા માતાપિતા મળ્યા !”….અને રાધીકા પણ મનમાં વિચારતી હતી કે “મને સાસુ સસરા નહી પણ માતા પિતા જ મળ્યા !”

 

વાર્તા લેખનઃ તારીખ નવેમ્બર,૧૧,૨૦૧૨                                                      ચંદ્રવદન

બે શબ્દો…

ભરત અને રાધીકાની કહાણી !

એક અમીર છોકરો અને એક ગરીબ છોકરીની કહાણી !

પણ ….એ સિવાય આ વાર્તામાં છે “ડાવરી”ની ચાલતી આવતી જુની અને ખોટી પ્રથાની કહાણી !

સંસારમાં એવું કાંઈ લખાયું નથી કે ધનવાન ફક્ત ધનવાન સાથે જ લગ્ન કરી શકે….સંસારમાં એવું પણ નથી કે ગરીબ વ્યક્તિએ ગરીબ જોડે જ લગ્ન કરવા.

જે કાંઈ ધર્મમાં કહેવાયું નથી તેને કેવી રીતે સંસારે “એ જ સત્ય” કહી સૌને કરવા પ્રેરણાઓ આપી ?

મારૂં અનુમાન એવું કે…..ધર્મગુરૂઓ કે પુજારીઓએ આવી સમજ સંસારને આપી હશે. માનવી જ્યારે એની પોતાની સમજ ખોઈ અન્યના વિચારોને “સનાતન સત્ય”તરીકે સ્વીકાર કરે ત્યારે જ આવી ખોટી પ્રથાઓને જન્મ મળે છે. એકવાર, સંસાર આવો અમલ કરે અને કરતો આવે એટલે એનો “વિરોધ” કરવો અશક્ય બની જાય.

એવા સમયે, ભરત કે ભરતનૉ મમ્મી જેવી વ્યક્તિઓ હિંમત કરે તો જ ખોટા રિવાજો ટૂટી શકે !

અંતે…એથી મારે એટલું કહેવું છે કે ગરીબ કે તવંગરની કુદરતી હાલતને ના ગણો….કોમી વાડાઓને તોડો….અને માનવ માનવમાં ભરેલી “માનવતા”ને નિહાળવા માટે પ્રયાસો કરો. જો તમો આટલું કરશો તો સંસારમાં આવું “પરિવર્તન” દુર નથી.

અને….અ પ્રભુનો સંસારમાં પ્રભુની “મહેક” સૌ માણી શકશે !

આ મારી પોસ્ટ સૌને ગમે એવી આશા !

તમે જરૂરથી પ્રતિભાવ આપશો એવી બીજી આશા !

ડો ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a TUNKI VARTA (Short Story) about 2 College Students ( Bharat & Radhika) .

Bharat  is from a RICH Family.

Radhika is from a POOR Family.

They fall in love.

Bharat  expressed his desire to marry Radhika.

Radhika warns Bharat of the REALITIES of the SOCIETY….A marriage NOT POSSIBLE between the RICH & the POOR. Even his Parents may raise questions. She also warned him of the DOWARY System & that her parents do have the money for the needed GOLD.

Bharat  is determined..He openly admita his love for Radhika from a poor family. His father unwilling to accept this but the mother, who was broadminded accepted & was able to convince her husband.

Thus Bharat & Radhika marries !

The MESSAGE in this Story is  “BREAK ALL BARRIERS between the POOR & RICH and even the CASTES or GNATI, and open the DOORS to see the HUMANITY”

I hope you kike the Message for the SOCIAL CHANGE !

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 25, 2012 at 8:09 એ એમ (am) 10 comments

આ હતો વિજય !

Photo: A doctor examines an AIDS patient

AIDS PATIENT in SOUTH AFRICA being EXAMINED

     PHOTO by GOOGLE SEARCH..NATIONAL GEOGRAPHIC

                      PHOTO GALLERY: AIDS

Family : child's drawing of the family on a bicycle, vector

 

આ હતો વિજય !

 

વિજય  એક હોસ્પીતાલમાં હાડપિંજર જેવી હાલતમાં દાખલ થયો.આ પહેલા, એણે આ હોસ્પીતાલમાં અનેક્વાર દાખલ થવું પડ્યું હતું. એના બેડની બાજુ એના માતા  પિતા બેઠા હતા.

વિજયની સારવાર માટે એમણે જે કરવાનું હતું એ બધુ જ કર્યું હતું. એમના હૈયે  એ માટે સંતોષ હતો. પણ, એમના હૈયાના ઉંડાણમાં જે દર્દ હતું તે કોણ જાણી શકે ? જે એમના સગાસ્નેહીઓ હતા એઓ સૌ એમનાથી દુર થઈ ગયા હતા.અને, એઓ સૌના આવા વર્તનનું કારણ વિજય હતો. વિજયને “એઈડ્સ”છે એવું જ્યારે જાહેર થયું ત્યારથી એઓ આવું વર્તન કરી રહ્યા હતા.અરે, જે કોઈ એમના પરિવારને જાણતા ન હતા તેઓ પણ આ પરિવારની ટીકાઓ કરતા હતા.

એક દિવસ વિજય હોસ્પીતાલના બેડ પર બેઠો હતો અને ત્યાં  વૃધ્ધ એની પાસે આવ્યો. વિજયની આંખોમાં આસુંઓ હતા.તેની ઉપર રૂમાલ ફેરવી,મુખડે ખુશી લાવી ઉભો રહ્યો. વિજયે પેલા માણસને હાથ જોડી, “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.

પેલા માણસે પણ “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.અને, પુછ્યું “વિજય બેટા, આજે શા માટે તારી આંખોમાં આસુંઓ છે ?”

આ વૃધ્ધ દરરોજ કોઈ ના હોય ત્યારે વિજયની પાસે આવતો. એ એની સંભાળ લેવા માટે મદદરૂપ થતો. વિજયને બિમારી શું છે તે વિષે કદી ના પુછતો. આજે પહેલીવાર વિજયની આંખોમાં આંસુઓ નિહાળી, એના હૈયામાં હતું તે શબ્દોમાં કહ્યું ” બેટા, શું બિમારી છે ? “

ત્યારે, વિજય થોડો સમય શાંત રહ્યો. પછી, હિંમત કરી કહેવા લાગ્યોઃ

“બાબા, હું તમને નામથી જાણતો નથી. તમે દરરોજ મારી પાસે આવો છો, અને કાંઈ પણ પુછ્યા વગર મને તમે સેવા આપો છો. એ માટે મારો આનંદ અને આભાર દર્શાવવા શબ્દો નથી.જેની પાસે મેં મદદની આશાઓ રાખી હતી તેઓ મને એઈડ્સની બિમારી છે જાણી, મારાથી દુર ભાગવા માંડ્યા. એટલું જ નહી પણ એઓ બધા ચર્ચા કરવા લાગ્યા કે મને “દ્રગ્સ”લેવ્વની ટેવ છે એટલે જ “એઈડ્સ” થયો છે કોઈ તો વળી હું વેશ્યાને ત્યાં જતો હતો એથી આ બિમારી થઈ છે એવો આરોપ કરવા લાગ્યા. હું કોને સમજાવું કે મને આ એક “વાઈરલ ઈનફેક્શન” ની બિમારી છે? હું કહું કે આ બિમારી મને એક સમયે વાગેલું ત્યારે લોહી આપ્યું તેના કારણે બિમારી હતી તો કોણ મને માનશે ?આથી મે નિર્ણય લીધો કે કોઈને પણ મારે કહેવું નથી અને એ વિષે કોઈ પણ ચર્ચા કરવી નથી. દવાઓ ઉપચારરૂપે લીધી, અને થોડા વર્ષો વહી ગયા. પહેલા દવાઓના કારણે મારૂં વજન સારૂં રહ્યું,અને મારામાં શક્તિ પણ હતી….પણ છેલ્લા બે વર્ષથી મારૂં શરીર ગળાવા લાગ્યું. મારૂં વજન ઘટવા લાગ્યું, અને મારી શક્તિ પણ ધીરે ધીરે ઓછી થવા લાગી. હું આ છેલ્લા વર્ષથી અનેક વાર હોસ્પીતાલમાં દાખલ થયો.મારા માતા પિતાને પણ રોગ વિષે કહેવું આજે મારી સમજ બહાર છે. આ અંતિમ દિવસોમાં બસ માતા પિતાના પ્રેમ સાથે જીવી રહ્યો છું.આ જીંદગીમાં મેં એમની સેવા કરી ના શક્યો. અને, એમણે મારી સેવા કરી. હું તો જીવતા જીવતા, માતા પિતા માટે પ્રાર્થનાઓ કરતો રહ્યો છું અને માંગુ છું કે એમની તબિયત સારી રહે અને હાલતા ચાલતા રહે અને કોઈ પાસે એમને સેવા ના માંગવી પડે. મને મારા વિષે જરા ચિન્તા નથી. હું ફક્ત એક વિચારમાં છું….આ એઈડ્સના રોગ વિષે સર્વને વધુ માહિતી મળે અને નવી સમજ દ્વારા બીજા રોગીઓને દર્દને જાણી અપમાન ના કરે. રોગીઓને સહાય કરવા સૌને પ્રેરણા મળે. જો ભવિષ્યમાં આવી સમજણ હશે તો મને શાન્તી હશે. એનો સાક્ષી હું ના બની શકું તો પણ મને પ્રભુ પર પુર્ણ શ્રધ્ધા છે કે એક દિવસ એવી સમજ જરૂર હશે !”…આટલું કહી વિજય ફરી શાંત થઈ ગયો.

આ બધુ સાંભળી પેલા વૃધ્ધએ કહેવાનું શરૂ કર્યું.

“વિજય, હું એક સમયે ખુબ જ પૈસાદાર હતો. પૈસા હતા ત્યાં સુધી મારા અનેક મિત્રો હતા. જ્યારે મેં મારૂં બધું જ ગુમાવ્યું ત્યારે હું મિત્રોને શોધું તો મારી નજીક કોઈ નહી. કંઇક મદદની આશાઓ રાખી અને પુછ્યું તો “પૈસા નથી” કહી અનેક બહાનાઓ હતા. એટલું યાદ રાખજે કે જગતમાં જીવતા તારા માતા પિતા જ તારા મિત્રો. આજે એઓ તારા રોગ વિષે નથી જાણતા, પણ કદાચ જાણ્યું હોત તો પણ એ તારાથી દુર કદી ના હોઈ શકતે. એમનો પ્યાર એ જ ખરો પ્યાર છે !…પણ જગતમાં જ્યાં સુધી તું છે ત્યાં હું તારો એક મિત્ર છું એથી તું એવું ના સમજીશ કે આ જીવનમાં કોઈ મિત્ર નથી. તું મને ખુબ જ વ્હાલો છે. આ તારી બિમારી જાણી તું મારા હ્રદયમાં છે !”

વિજય આવા શબ્દો સાંભળી, ખુબ ખુશ થયો. એ તો બેડ પરથી ઉભો થઈને એના મિત્રને ભેટી પડ્યો. એની આંખોમાં આંસુઓ ના હતા. એના ચહેરા પર મીઠું હાસ્ય હતું..એ બેડ પર સુતો સુતો વૃધ્ધને દુર જતા નિહાળી રહ્યો.

બીજે દિવસે, માતા પિતા હોસ્પીતાલે આવ્યા ત્યારે વિજય ખુબ જ આનંદમાં હતો. માતા પિતાએ વિજયને આવી ખુશીમાં અનેક વર્ષો પહેલા જોયો હતો…આ પ્રમાણે વિજયને જોઈ માતા અને પિતાએ પણ ખુબ જ ખુશી અનુભવી. વિજય તો ફરી ફરી માતા અને પિતાને ભેટી કહેવા લાગ્યો.

“હવે, હું તો પ્રભુ પાસે જઈ રહ્યો છુ. પ્રભુ મને બોલાવે છે. પ્રભુજી મારી સંભાળ રાખશે, માટે તમે મારી ચિન્તા જરા પણ ના કરશો. મારા માટે જરા પણ રડશો નહી. મને વચન આપો !”

આવા શબ્દો પુરા કર્યા, અને માતા પિતાએ “હા” કહી, અને, કાંઈ વધુ બોલે તે પહેલા વિજયનો શ્વાસ બંધ થઈ ગયો, અને આંખો મિંચાઈ ગઈ. માતા પિતાએ વિજયને છાતીએ લગાડ્યો. પણ વચન પાળ્યું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃતારીખ ઓકટોબર ૫,૨૦૧૦

બે શબ્દો…

આ વાર્તા છે પાંચમી (૫) વાર્તા.

આ વાર્તાનું લખાણ પણ ઓકટોબર,૫, ૨૦૧૦માં થયું હતું

આ પ્રમાણે આ પાંચ વાર્તાઓને એક દિવસે જ સ્વરૂપ મળ્યું હતું…અને, એ પણ સીડની ઓસ્ટ્રેલીઆમાં.

આ વાર્તામાં વિજયની કહાણી દ્વારા “એઈડ્સ”ના રોગ વિષે સમજણ આપવાનો મારો પ્રયાસ છે. આવી સમજ દ્વારા આ રોગ વિષેની “ખોટી માન્યતાઓ” નાબુદ કરવાનો પણ મારો પ્રયાસ છે.

એક સમય એવો હતો કે આ રોગ “ચેપી” છે એવું સૌ માનતા. ખરેખર, આ રોગ તો “વાઈરસ” યાને “બેકટેરીઆ”થી પણ સુક્ષ્મ જંતુઓના “ઈન્ફેક્શન”ના કારણે છે..આજે, આ વાઈરસને મારવા અનેક દવાઓની શોધ થઈ છે…અને, હું માનું છું કે એક દિવસ આ રોગને નાબુદ યાને “ક્યોર” કરી શકાશે જ !

જ્યારે અસલ “ટીબી”ના રોગથી સૌ ડરતા, અને રોગીથી દુર ભાગતા..ત્યારબાદ, સમજણ આપવાના કારણે આ રોગ “બેકટેરીઆ”ના ઈન્ફેક્શથી થાય અને એના માટે દવાથી “ક્યોર” છે એવું સૌ જાણે છે.એ જ પ્રમાણે, અત્યારના નવા રોગની નવી સમજ થકી ખોટી માન્યતાઓ દુર થશે.

મારી એટલી જ આશા છે કે….આપણા સમાજમાં આવી સમજભર્યું “પરિવર્તન” જલ્દી આવે !

તમે આ પોસ્ટ વાંચી, “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી લખશો એવી વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is the Short Story ( Tunki Varta) with the intention of educating the Public about AIDS or HIV DISEASE.

This is a Viral Infection. It can not be spread by touching a AIDS Patient. The infected “body fluids” like Blood can be the source of the infection to others. Now, we have the Medicines that can benefit and thus the infected patients are able to live a better & longer life than before.

The Story of Vijay illustatates the ignorance about this Disease.

My intent has been to bring the Awareness of AIDS or HIV DISEASE  by this Story.

I hope I had succeeded in doing that.

I can only know this if you give my your feedback.

Will you ?

 

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 31, 2012 at 7:27 પી એમ(pm) 12 comments

Older Posts Newer Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 366,543 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031