ગુજરાતના સાહિત્યકારો

જાન્યુઆરી 9, 2014 at 1:02 એ એમ (am) 7 comments

 

Gujarat Map, Map of Gujarat State

ગુજરાતના સાહિત્યકારો

આજની પોસ્ટમાં મેં ગુજરાતની ધરતી પર જન્મેલા અનેક સાહિત્યકારોમાંથી થોડી વ્યક્તિઓની “ઝલક” પ્રગટ કરવા પ્રયાસ કર્યો છે.

તમો તો અનેકને જાણતા હશો.

આ પોસ્ટ વાંચ્યા બાદ, તમો જે કોઈ વિષે “બે શબ્દો” લખવા હોય તો એ તમારા પ્રતિભાવોમાં વાંચી મને ખુબ જ આનંદ થશે.

બ્લોગ પર પધારી તમે આ પોસ્ટ વાંચી તે માટે આભાર.

ફરી પધારજો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

કર્તા પરિચય:

કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’(૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. તરુણ અલ્લડ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩નું મેટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની એલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માટિંનોના અભ્યાસે તેમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્ત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્ત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદૅષ્ટિ તથા શુભ ભાવના પાછળ સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા.     એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપક. ૧૯૦૨થી ૧૯૦૪ સાદરાની સ્ટેટ કોલેજમાં ને ૧૯૦૪થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી પણ બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ બનાવ્યું. ત્યાં તેમની સ્વમાની પ્રકૃત્તિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનુ જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન. ન્હાનાલાલ પ્રતિભાશાળી ઊર્મિકવિ છે. ઉદાત્ત કલ્પનાવૈભવ અને મૃદુકોમળ સંવેદનાનું બારીક નકશીકામ એમની કવિતાને ચિરસ્મરણીય બનાવે છે. પ્રણયકવિતાની સાથે ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અધ્યાંજલિની કવિતામાં પણ એમની સર્ગશક્તિ મહોરી ઊઠી છે. એમનું ઉત્તમ અર્પણ રાસગીતો છે. લોકસાહિત્યના પારંપારિક પંક્તિઓ, લય, પ્રતીકોને સ્વીકારીને પોતીકી રીતે એનું પુન:સર્જન કર્યું. માત્ર એકવીસ વર્ષની વયે પિંગળભક્ત પિતા દલપતરામના આ પુત્ર છંદનો રાજમાર્ગ છોડી નવું પદ્યમાધ્યમ વિકસાવે છે જે ‘અપદ્યાગદ્ય’ અથવા “ડોલનશૈલી’ તરીકે ઓળખાય છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જેવા મહાકાવ્યો રચવાનો પ્રયાસ એમણે કર્યો છે, તેમ જ નાટકો રચ્યા છે.

કર્તા પરિચય:

મકરન્દ વજેશંકર દવે(૧૩-૧૧-૧૯૨૨): કવિ, ચરિત્રકાર, નિબંધકાર, નવલકથાકાર. જન્મ ગોંડલમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. રાજકોટ આર્ટસ કૉલેજમાં દાખલ થયા પછી ‘૪૨ની લડત માટે ઈન્ટર આર્ટસથી અભ્યાસ છોડ્યો. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’, જેવાં સામયિકો તથા વર્તમાનપત્ર ‘જયહિંદ’ વગેરે સાથે સંલગ્ન. સાહિત્યિક પત્રકાર તરીકેની કામગીરી. ‘નંદીગ્રામ’ નામની, નવતર જીવનશૈલીનો પ્રયોગ કરતી સંસ્થાના સર્જક. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારો, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ અને મેઘાણીનો પ્રભાવ તેમની કવિતાનો વિશેષ છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહીને ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ મેળવવા મથે છે. આ ઉપરાંત નવલકથા, ચિંતનાત્મક લેખોના સંગ્રહો પણ મળે છે.

નિરંજન નરહરિલાલ ભગત

(૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૧૯૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તથા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચન્દ્રક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૯૭ દરમ્યાન પરિષદ-પ્રમુખ, હાલ ટ્રસ્ટી. અનુગાંધીયુગના અગ્રણી કવિ છે. રવીન્દ્ર કાવ્યસંસ્કારને ઝીલતી લયસમૃદ્ધિ અને કાવ્યગુરુ બ.ક.ઠાકોરની વિચારપ્રધાન કવિતાનો પ્રતિઘોષ તેમની કવિતાની વિશેષતા છે. બોદલેર, રિલ્કે, ટી.એસ.એલિયટ જેવા કવિઓની યુરોપીય ચેતનાના સંપર્કથી કલ્પન અને પ્રતીકલક્ષી કવિતાનો તેમણે પોતાનાં કાવ્યસર્જન અને કાવ્યવિવેચન દ્વારા પુરસ્કાર કર્યો છે. ‘પ્રવાલદ્વીપ’નાં નગરકાવ્યોમાં આધુનિક ભાવબોધનું અપૂર્વ નિરૂપણ થયું છે. સાહિત્યના બહુશ્રુત અભ્યાસી વિદ્વાન તેમ જ ઉત્તમ વક્તા તરીકે તેઓ જાણીતા છે. એમણે આજીવન  કરેલાં બહુમૂલ્ય વક્તવ્યો અને સ્વાધ્યાયો ‘સ્વાધ્યાયલોક’ ગ્રંથશ્રેણીમાં સંગ્રહીત છે. વિરામો સાથે ચાલતી એમની કાવ્યસર્જનયાત્રા આજે પણ અટકી નથી.

કર્તા પરિચય:

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગલેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી તેમનો પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજકીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં   ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય    પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે    ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે    ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને    મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મેટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલ.એલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન. બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની

અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિક(૮-૮-૧૯૧૩): વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મેટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. ૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય. આ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના સાહિત્યિક વ્યક્તિત્વના અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો તેમ જ સત્વગ્રાહી ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે.

કર્તા પરિચય:

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, ‘કાકાસાહેબ’(૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧): નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો  અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક. ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે –ગાંધીજી—તરફથી તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મળેલું.

કર્તા પરિચય:

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ(૧૧-૧૦-૧૯૩૨): કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક.  ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. મિત્રો સાથે મળીને ૧૯૯૪માં ‘ઈમેજ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ’ કંપની સ્થાપી. ૧૯૬૭થી ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. સતત લખતા રહેતા આ કવિની કવિતાઓ લોકપ્રિય બની છે. એમની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં ગીતો અને ઊર્મિકાવ્યનો ફાલ માતબર, વિપુલ અને વિવિધતાવાળો છે. સંપાદનક્ષેત્રે તેમનું પ્રદાન મહત્ત્વનું છે. સાહિત્યના પ્રસાર, પ્રચાર, પ્રકાશન માટે પણ તેમના અવિરત પ્રયત્નો ચાલુ છે.

કર્તા પરિચય:

રાજેન્દ્ર અનંતરાય શુક્લ(૧૨-૧૦-૧૯૪૨): કવિ. જન્મ-વતન અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૨ સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય. ૧૯૮૦-૮૧નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. સ્વેચ્છાએ નિવૃત્તિ પછી અત્યારે પોતાનાં બાળકો સાથે શાળાહીન તાલીમનો પ્રયોગ. ૨૦૦૫-૬નો  સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નરસિંહ મહેતા એવોર્ડ. તેમણે છાંદસ – અચાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે. પરંતુ તેમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે પણ એમનું માનસ, એમનું કવિસંવિત નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. તેમની આજ સુધીની કાવ્યયાત્રા ‘ગઝલસંહિતા’ના પાંચ ભાગમાં ગ્રંથસ્થ થઈ છે.

કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન. મુખ્યત્વે કવિ પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ‘વૈશંપાયનની વાણી’ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ‘જન્મભૂમિ’માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં.

કર્તા પરિચય:

વેણીભાઈ જમનાદાસ પુરોહિત (૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦): કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં ‘બે ઘડી મોજ’માં જોડાયા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં ‘પ્રભાત’ દૈનિક, ‘ભારતીય સાહિત્ય સંઘ’ અને ‘સસ્તું સાહિત્ય’માં પ્રૂફ રીડીંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪થી ૧૯૪૯ સુધી ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકમાં. મુંબઈમાં અવસાન. તેમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમના ગીતોમાં શબ્દ-સંગીતની સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લય-ઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.

કર્તા પરિચય:

પૂજાલાલ રણછોડદાસ દલવાડી(૧૭-૬-૧૯૦૧, ૨૭-૧૨-૧૯૮૫): કવિ. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. વતન ખેડા જિલ્લાનું નાપા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા અને નડિયાદમાં. ૧૯૧૮માં મેટ્રિક. ઈન્ટર પછી અભ્યાસ છોડી દીધો. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબુભાઈ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામશિક્ષક. ૧૯૨૬થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ. શ્રી અરવિંદ જીવનદર્શનથી પ્રભાવિત પૂજાલાલની કાવ્યમાત્રા મુખ્યત્વે અધ્યાત્મના માર્ગે ચાલે છે. ઊર્ધ્વ જીવનની અભીપ્સા, દિવ્યને પામવાની ઝંખના અને પરમતત્ત્વ પ્રત્યેનો આરતભર્યો ભક્તિભાવ એમની કવિતાના વિષયો છે. સોનેટ તેમનો પ્રિય કાવ્યપ્રકાર છે. બ.ક.ઠાકોરની અર્થાનુસારી પ્રવાહી  રચનારીતિનો સફળ પ્રયોગ તેઓ કરી શક્યા છે. ‘પારિજાત’ બ.ક. ઠાકોરના પ્રવેશક સાથેનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે.

કર્તા પરિચય:

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘કોયા ભગત’, ‘સુન્દરમ્’(૨૨-૩-૧૯૦૮, ૧૩-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ બોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરુચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઈંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરુચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સંસ્કૃત અને  અંગ્રેજી વિષયો સાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદઆશ્રમ, પોંડિચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઑફ   લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.   ૧૯૬૭થી ૐપુરીની નગરરચનામાં કાર્યરત. ગાંધીયુગીન સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં આ સર્જકમાં પ્રગટ્યો છે. એક છેડે ગાંધીવિચારના સ્પર્શે નર્યા વાસ્તવનું આલેખન તો બીજી બાજુ અરવિંદવિચારના પ્રભાવે અધ્યાત્મનું આલેખન તેમની કવિતામાં છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરચેતનાને સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દૃષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના ઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન મહત્ત્વનું છે.

કર્તા પરિચય:

ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, ‘ઈશ્વર પેટલીકર’ (૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩): નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામાં. ૧૯૩૫માં મેટ્રિક. વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. ‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય. ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી અવસાન. નવલકથા તેમ જ ટૂંકી વાર્તાક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ગ્રામીણસમાજને એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યભર્યાં પાત્રો અને પ્રસંગો, પાત્રોનું મનોવિશ્લેષણ, ગામડાની લોકબોલી, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ વગેરેને કારણે એમનું કથાસાહિત્ય હૃદ્ય અને લોકપ્રિય બન્યું છે. ‘જન્મટીપ’ નવલકથા અને ‘લોહીની સગાઈ’ ટૂંકી વાર્તાના લેખક તરીક જાણીતા છે.

કર્તા પરિચય:

ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ’(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.

કર્તા પરિચય:

દુલા ભાયા ‘કાગ’(૨૫-૧૧-૧૯૦૨, ૨૨-૨-૧૯૭૭): કવિ. જન્મસ્થળ મજાદર (જિ.ભાવનગર). પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો અભ્યાસ. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. મજાદરમાં અવસાન. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનાર આ કવિ પાસેથી ‘કાગવાણી’ના સાત ભાગ મળે છે. એમાં લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.

કર્તા પરિચય:

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’(૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫): નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૧૪માં મેટ્રિક. ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્ત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકાલેખનની આબોહવા સર્જાઈ હતી પણ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાયા. એમની નવલિકાઓમાં સામાન્ય, દીન દરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ક્રાંતિકારક હતો. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે તો વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓ સંગ્રહસ્થ છે.

કર્તા પરિચય:

ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (૩૧-૫-૧૯૩૪): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક. જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર’ દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચન્દ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે. નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી ‘સમયદ્વીપ’માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે. ‘ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.

FEW  WORDS…
Today’s Post is a Collection of the INFORMATIONS on the SAHITAKARO/POETS of GUJARAT.
They all had contributed to the RICHNESS of the GUJARATI BHASHA.
I had known a  FEW….I had come to know MORE.
BUT….there are so many whose names are NOT MENTIONED here.
I respectfully pay my VANDAN to ALL.
Hope those who read this Post.
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

“તગારે,નગારે, અને પગારે”ભારત દેશ ! “સંઘર્ષની સોડમાં” પુસ્તકનું વાંચન

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Sanat Parikh  |  જાન્યુઆરી 9, 2014 પર 1:28 એ એમ (am)

  Good collection for who loves literature. Excellent effort with interesting results. Thank you.

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જાન્યુઆરી 9, 2014 પર 2:34 એ એમ (am)

  ગુજરાતી ભાષાના જાણીતા સાહીત્યકારોની સરસ માહિતી

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  જાન્યુઆરી 9, 2014 પર 6:13 એ એમ (am)

  ગુજરાતી ભાષાના જાણીતા સાહીત્યકારોની સરસ માહિતી

  સરસ ને સુંદર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. purvi  |  જાન્યુઆરી 9, 2014 પર 1:16 પી એમ(pm)

  આટલી બધી અને એકસાથે માહિતી અંકલ? આપની મહેનત ખરેખર સરાહનીય છે. આટલી બધી માહિતીઓ વિષે મને ક્યારેય ખબર ન હતી. ખૂબ ખૂબ આભાર.

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  જાન્યુઆરી 9, 2014 પર 2:22 પી એમ(pm)

  સાહિત્યકારો વિશે સુંદર માહિતી બદલ આભાર.

  જવાબ આપો
 • 6. prdpravaladip raval news editor  |  જાન્યુઆરી 11, 2014 પર 3:29 એ એમ (am)

  સાહિત્યકારો વિશે સુંદર માહિતી બદલ આભાર…..great……thought full idea…may be dat after day covered all and send me for every sunday publish……helpful for all…..many thanks chandravadanbhai

  જવાબ આપો
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:31 પી એમ(pm)

  સુંદર ખજાનો આપે પિરસ્યો સાહેબ

  અમને તો આ ખુબ જ ઉપયોગી થઈ પડે..!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 328,672 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: