કાવ્યો
દિવ્ય આત્માઓ,
તમોએ ચંદ્ર પૂકાર ની વેબસાઈટ પર પધારી મને ઘણોજ આનંદ આપ્યો છે.
તમો હોમપેજ ( HOME ) પર પધાર્યા અને તમારૂ સ્વાગત કર્યું એમાં કંઈક ખામી કે ભૂલ થઈ હોય તો ક્ષમા ચાહું છુ.
તમોએ “મારી જીવન ઝરમર” વિભાગે આવી મારી જીવન ઝલક વાંચી એ માટે ખુબ ખુબ આભાર.
હવે, તમો મારા મુખ્યપાન પર પધાર્યા છો. આ પાન પર જ મેં મારા હ્રદયની પુકાર શબ્દોમાં મુકી છે, જે થકી કાવ્યો, સુવિચારો અને ટૂંકીવાર્તાઓ શક્ય થયા છે. અત્યારે વેબ પર પ્રગટ કરેલ વાંચી, તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. અને, હવે સમય સમયે નવી રચનાઓ વેબપાન પર મુકવાનો મારો પ્રયાસ હશે. એથી આજે પધાર્યાનો આનંદ કિન્તુ ફરી ફરી પધારશો એવી આશાભરી નમ્ર વિનંતી.
સૌને જયશ્રી ક્રુષ્ણ.
ટુંકી વાર્તા
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
કાવ્યો
નથી હું કવિ, નથી હું કાલિદાસ
નથી હું કવિ, નથી હું કાલિદાસ,
બસ, લખું છુ, અને, જરૂર હું પ્રભુનો દાસ !…(ટેક)
શબ્દો ચુંટ્યા મેં ગુજરાતી ભાષાના બાગમાંથી,
નથી માળી હું, કરી ભુલો અનેક અજ્ઞાનતાથી,
નથી હું કવિ…. (૧)
શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?
શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !
નથી હું કવિ…. (૨)
છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,
અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું,
નથી હું કવિ… (૩)
આવા લખાણને “કાવ્ય નથી” કહી લોક ટીકા કરે,
ખરેખર ! કાવ્ય નથી એ જ સત્ય એવું ચંદ્ર સહુને કહે,
નથી હું કવિ…. (૪)
હવે, ભુલ ભરેલ લખાણ સ્વરૂપે ચંદ્ર કંઈક લખતો રહે,
જેમાં, ભાવનાઓ એના હ્રદયની પીરસી, પ્રભુભજન કરતો રહે !
નથી હું કવિ…. (૫)
કાવ્ય રચના:
તારીખ: મે ૩૦, ૨૦૦૧ ડો.ચંદ્રવદન
કુદરતનું રહસ્ય
સંસારના ખેતરે ખોદી જમીન પુરૂષાર્થના હળે,
ભક્તિના ખાતર સંગે ધરતીને કર્મબીજ મળે !
જે પ્રેમ નીર સેવા થકી એક સુંદર છોડ બને ! (૧)
ભક્તિ ખાતર, પ્રેમ સેવા નીર મળતા રહે,
છોડ નાજુક, મોટો થાય છે ધીરે ધીરે,
હ્રદય દ્વાર ખુલતા, હવાની લહેરમાં,
આશાના ફૂલો ખીલી ઉઠે ! (૨)
ભક્તિ પ્રેમ સેવા મળતા રહે ,
ફૂલોમાંથી નાજુક ફળો બને,
અંતરકરણના દ્વાર ખુલતા,
ફળ પૂર્ણતા કાજે રસ બને ! (૩)
પુરૂષાર્થના કારને ફળ બન્યું ?
કે, ભક્તિ પ્રેમ સેવા કારણે ફળ બન્યું ?
ફળ તો ખરેખર બંને આધારીત થયું,
ચંદ્ર કહે, કુદરતી રહસ્ય એમાં જે રહ્યું તે સૌએ જાણી લીધું !
(૪)
કાવ્ય રચના
જુન ૫,૨૦૦૫ ડો.ચંદ્રવદન
હવે શું થાશે ? હવે શું થાશે ?
વર્તમાનમાં રહી, વિચારો મુજને સતાવે,
હવે શું થાશે ? હવે શું થાશે ?…..(ટેક)
વિચારવા કંઈક શરૂઆત કરી તો,
ભુતકાળના વાદળો મુજને ઘેરી વળ્યા,
દ્રશ્ય બાદ દ્રશ્ય નજર સામે રમી ગયા,
ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,
ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?
વર્તમાનમાં… (૧)
કરેલ કર્મોની રૂપરેખા નિહાળી તો;
કંઈક સારા તો કંઈક ખોટા હતા,
જીવન સફરે જરા પ્રભુ પાસે, છતાં દર્શન એનું ના થયું,
ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,
ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?
વર્તમાનમાં… (૨)
ભુતકાળનાં વાદળા દૂર ગયા તો;
ભવિષ્યનું આકાશ ખુલ્લુ થયું,
હ્રદય બુમારીનું ફરી યાદ આવ્યુ,
ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,
ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?
વર્તમાનમાં… (૩)
એક ઓપરેશન થયું હતુ તો ;
ફરી હાર્ટ ઓપરેશન વિધાતાએ લખ્યું શાને ?
હા, ડાયાબીટીસ કારણે, તો એવી બિમારી શાને ?
ગુંચવાય ગયો, મુંઝાઈ ગયો,
ફરી વિચાર આવ્યો : હવે શું થશે ? હવે શું થશે ?
વર્તમાનમાં… (૪)
ફરી ચંદ્રે વર્તમાનમાં પ્રવેશ કર્યો તો ;
ભુતકાળ નિહાળી, સમજાયું કે પ્રભુદર્શન તો હંમેશા જનસેવામાં રહે,
ભવિષ્ય નિહાળતા સમજાયું કે જે કંઈ થશે તે પ્રભુઈચ્છા થી હશે,
હવે, ગુંચવાયો નથી, મુંઝાયેલો નથી,
ફરી વિચાર આવ્યો : જે થશે તે સારૂજ થશે. !
કાવ્ય રચના
જુન ૪ ,૨૦૦૫
મુજ જીવન દોર પ્રભુએ વધારી !
ઓ, પ્રભુજી, તું જ છે મારો બેલી,
દયા કરી, તુંજને મારી જીવન દોર વધારી !…(ટેક)
૪૪ વર્ષનું જીવન વહી ગયુ,
૪૫મું વર્ષ પુરૂ ના થયું, અને શું રે થયુ ?
અરે ! સમયસર હાર્ટનું બાયપાસ ઓપરેશન કરી,
મારી જીવન દોર, પ્રભુ તે જ લાંબી કરી !
ઓ પ્રભુજી… (૧)
૬૧ વર્ષનું જીવન વહી ગયું,
૬૨ મું વર્ષ પુરૂ ના થયું, અને શું રે થયુ ?
અરે ! સમયસર હાર્ટનુ એંન્જીયોપ્લાસ્ટી ઓપરેશન કરી
મારી જીવનદોર, પ્રભુ તેં જ લાંબી કરી !
ઓ પ્રભુજી… (૨)
મુજ જીવન તો વહેતું ગયું,
૬૨ મું વર્ષ પુરૂ પણ થયુ, અને શું રે થયું ?
અરે ! મોટા અકસ્માતમાંથી બચાવી,
મારી જીવનદોર, પ્રભુ તેં જ લાંબી કરી !
ઓ પ્રભુજી… (૩)
પ્રથમ હાર્ટ ઓપરેશન બાદ,
મુજ જીવન વહે છે સોળ વર્ષનાં બાળરૂપે આજ,
કેટલી જીવન દોર લાંબી પ્રભુએ કરી,
એનું જરા પણ, ચંદ્ર પ્રભુને પુછતો નથી !
ઓ પ્રભુજી… (૪)
કાવ્ય રચના
ડીસેંમ્બર ૧૨,૨૦૦૫ ડો. ચંદ્રવદન
દામ્પત્ય જીવન
જીવન એક સંગ્રામ છે,
ડગલે ને પગલે શૌર્ય ની જરૂરત પડે,
કિન્તુ, વીરતાનો દીપક પ્રજવલિત રાખવા,
સ્નેહનું શુધ્ધ ઘી પુઉરતા રહેવું પડે, (૧)
દુ:ખ માનવી-હૈયાને જ્યારે કેદી કરે,
પરસ્પરના હ્રદયને એક કરવું રહ્યું,
દામ્પત્ય જીવનની આ તો એક સાધના રહી,
જે થકી જીવન સંસારમાં ખરું શુખ મળ્યું (૨)
વિપત્તિઓ જીવનમાં ઘણી આવી,
વિપત્તિઓ પણ વહેંચી લીધી,
જ્યાં જ્યાં ઘા પડ્યો,
ત્યાં સ્નેહ મલમથી વેદનાઓ રૂજવી લીધી, (૩)
ક્યારેક પરસ્પર ગેરસમજ અનુભવી,
રોષ પણ અનુભવ્યો હશે,
છતાં, જ્યાં ગંગાજળ જેવી પવિત્ર સાધના,
ત્યાં અંતે ઉજળું દામ્પત્ય જીવન હશે, (૪)
લગ્ન તો કોઈ કરાર નથી,
લગ્ન તો એક પવિત્ર સંસ્કાર છે,
સફળ લગ્ન જીવન માટે જોઈએ ઉંચી હ્રદય સંપત્તિ,
દીપક આવો કોઈ પ્રગટાવશે તો ચંદ્ર આનંદ માનશે
કાવ્ય રચના
જાન્યુઆરી ૧૧,૧૯૯૪ ડો. ચંદ્રવદન
દ્રૌપદી – સત્યભામા સંવાદ
શ્રી ક્રુષ્ણ- સત્યભામા વનમાં રે જાય,
અરે, એ તો દ્રૌપદીને મળવા રે જાય…(ટેક)
બેસી દ્રૌપદી સંગે, સત્યભામા વાતો કરે,
કંઈક પુછવું છે, કંઈક પુછવું છે કહેતાં કહે
-દ્રૌપદીજી કયા તાવીજે કબજે કર્યા તમે પાંચ પતિ,
ક્રુષણજીને વશ કરવા જાણવું છે મારે,જલદી બતાવોને ઓરે સખી.(૧)
શાંત દીલે દ્રૌપદીજી સત્યભામાને કહે છે ત્યારે,
”હવે તો મારે કહેવું રહ્યુ,પુછ્યુ છે તમે જ્યારે,
તમે પુછો છો તાવીજ કે એવું છે કે નહી ?
અરે, આવું તો અનાર્ય સ્ત્રીઓ જ પુછે, ઓ સત્યભામા સખી.. (૨)
“હવે ધ્યાનથી સાંભળજો ઓ રે, સત્યભામા દેવી,
મારી પાસે નથી મંત્ર કે તાવીજ એવી,
છતાં, જાણવું હોય જે કંઈ હું રે કહુ,
કહીશ જરૂર, ભલે હું એને મારો મંત્ર ગણુ”… (૩)
“પતિઓ ઉઠતાં પહેલાં હું તો ઉઠું,
એમના સુતા પછી હું તો સુઉ,
પતિ-ઈચ્છાઓ પણ જાણી લઉ,
વળી એ પ્રમાણે હું તો મારૂ વર્તન કરૂ”… (૪)
“અરે પાંચે પતિઓને સરખો સ્નેહ આપું,
પાંચ સિવાય ન કોઈનો વિચાર કરૂ,
હું જ્યારે મહારાણી, હતી દાસીઓ મારી પાસે હજાર,
છતાં, ઘરની જવાબદારી મારી હતી, ન આવે બીજો વિચાર”… (૫)
“અરે, પતિઓ પછવાડે વન હું રે આવી,
ભોંય પથારીએ સુતા ન આંચ મને આવી,
અરે, અત્યારે ભોગવે છે દુ:ખ પતિઓ મારા,
તો, હું દુ:ખ ભોગવું એમાં નવાઈ શેની ? ઓ રે સખી મારી… (૬)
અરે ચંદ્ર હવે સાંભળજે ને કહેજે સૌને,
આટલો ઉપદેશ આપી કહે છે દ્રૌપદીજી અંતે,
ઓ રે સત્યભામા, તાવીજ કે મંત્રનું કોઈને તમો હવે પુછતાં નહી,
બીજાની આગળ પુછતાં, જશે આબરૂ તમારી… (૭)
ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ
- સાંભળો, અરે, સાંભળો,
- એક કહાની તમે સાંભળો….(ટેક)
“અરે ઓ નાથ મારા” ધ્રુતરાષ્ટ્રને ગાંધારી કહે,
”દુર્યોધન દીકરાએ અનેક અન્યાયો કર્યા
વળી એણે નિ:સહાય નારીના વસ્ત્રો હર્યા
એ તો કરશે નાશ કુળ હમારે,
ન જોઈએ આવો દીકરો મારે,”…. (૧)
ધ્રુતરાષ્ટ્ર કહે,” આવું શું બોલો ગાંધારી તમે,
દીકરો દુર્યોધનતો અતી વ્હાલો મને,
ભલે, એ જેવો હોય રે તેવો,
છે દીકરો આપણો એમાં ઈંન્કાર હોય કેવો ?”… (૨)
ગાંધારી કહે, “અરે, સ્વામી આવું શું બોલો ?
દીકરો કરે અન્યાય ને તમે ચુપ રહો,
હવે તો એનો ત્યાગ કરો,
તમે અંતરના અંધા નારે બનો, “….(૩)
ધ્રુતરાષ્ટ્ર કહે: “ડાળે જેમ ફળ ચોંટી રહે,
તેમ દુર્યોધન ચોંટ્યો છે મારા ગળે,
તો દીકરાનો ત્યાગ કેમ કરુ?
આ જીવનભર અંધાનો આધાર એને ગણુ,”…. (૪)
ગાંધારી ધ્રુતરાષ્ટ્રને સમજાવી અંતે કહે,
”ભલે એના હાસ્યમાં મારૂ હાસ્ય વહે,
એના સુખમાં મારૂ સુખ રહે,
કિંન્તુ, હું ત્યાગ કરી શકું તમો શાને ડરો ?“….(૫)
અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા,
- ભૂમિકા એવી હતી મહાભારત પુસ્તક બોલ્યા,
ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,
પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.
તા.૪,ઓક્ટોબર ૧૯૯૫ ડો. ચંદ્રવદન
મમતાની ગોદ
ઓ મા, ઓ મારી મા,
ગોદમાં તારી મુજને દે રમવા
બસ એટલું માંગું મારી મા,
ઓ મા, ઓ મારી મા….ઓ મા ….(ટેક)
તારા પ્રેમ ઝરણાનું નીર મેં તો ચાખ્યું,
તારા હેત-ભર્યા હાથોએ મુજ મસ્તક પંપાળ્યું,
હવે, તારી હેત-સરિતામાં મને તરવા દે,
ઓ મા, ઓ મારી મા,…. ઓ મા…(૧)
તારા ચરણસ્પર્શ કરી હું તો પાયે લાગું,
તારા પગ તળે રહ્યું મારૂ સુખ ને સ્વર્ગ !
હવે, તારા શરણે જીવન મારૂ વહેવા દે,
ઓ મા, ઓ મારી મા,…..ઓ મા…. (૨)
તારા હાસ્યમાં મારૂ હાસ્ય,
તારા નયને પ્રભુને નિહાળું,
હવે તો, ચંદ્રને ગોદમાં લેજે,
ઓ મા, ઓ મારી મા……ઓ મા…. (૩)
ડો. ચંદ્રવદન
માનવ જન્મ
અરે ઓ માનવી મળ્યો છે મોંઘેરો માનવજન્મ તને,
કેમ ફેંકી દે છે તું એને ? … (ટેક)
બાળી દે ઈર્ષા’ને ક્રોધ તારો રે પી જા
આપી દે ક્ષમા”ને અપમાન તારૂ ગળી જા
આટલું માનવ તું જો કરી શક્યો
તો પ્રેમ જરૂર જીતી શકશો…. અરે ઓ માનવી…
તજી દે સ્વાર્થ’ને છોડ રે મોહ અહીં
વશ કર તારી જીબડી’ને કર દે ત્યાગી જીવન અહીં
આટલું માનવ તું જો કરી શક્યો
તો શાંતિ જરૂર પામી શક્યો… અરે ઓ માનવી…
સત્ય બોલજે’ને ચરિત્ર તારું દીપાવજે
લેજે તું જ્ઞાન’ને દેજે તું દાન રે
આટલું માનવ તું જો કરી શક્યો
તો સેવા જરૂર કરી શક્યો…. અરે ઓ માનવી…
ચંદ્ર કહે ગીતાસાર આ તો રહ્યો
સમજ્યો એને જો તો માનવજન્મ તારો સફળ થયો.
નવેમ્બર ૨૦,૧૯૯૨ ડો.ચંદ્રવદન
કર્મ અને કર્તવ્ય ને ગીતા અર્થ
કર્મ અને કર્તવ્ય વચ્ચે મનુષ્ય મુંઝવણે પડ્યો,
સમજાતું નથી ગીતા અર્થ શું રે રહ્યો ? ….(ટેક)
કર્મ તો સૌએ કરવું રહ્યું,
”જે કંઈ થઈ રહ્યું એ નિશ્ચિત છે” એવું પ્રભુએ કહ્યુ,
પ્રક્રુતિના ગુણો દ્વારા જો બધું થતું રહે,
તો પ્રયત્નો કરવા મિથ્યા બને ! ….મનુષ્ય… (૧)
મનુષ્યને “ઈચ્છા” રૂપી સ્વતંત્રતા મળી,
પ્રક્રુતિરૂપે ભલે જગમાં થતું રહે,
”પૂર્ણવિચારથી સ્થિર બની કરજે બધું” એવી પ્રભુશીખ સૌને
મળે….. મનુષ્ય… (૨)
પ્રક્રુતિ અનુસાર કર્મ થતું રહે ભલે,
પૂર્ણવિચાર દ્વારા જ કર્તવ્ય-સ્વરૂપ એને મળે,
ચંદ્ર કહે, ગીતા રહસ્ય છે આ બે વિચાર-બિન્દુ મહી,
જ્ઞાન જો મનુષ્ય આવું આચરે, જાણજો ગીતા જીવનમાં એણે
ગ્રહી…. મનુષ્ય… (૩)
ડો. ચંદ્રવદન
સ્વર્ગ ક્યાં
સ્વર્ગ ક્યાં, સ્વર્ગ ક્યાં ? જો પૂછે કોઈ માનવી
(તો) જવાબ રહે મારો, સ્વર્ગ છે અહીં, સ્વર્ગ છે અહીં….(ટેક)
જુઓ પ્રસંગ એક, લગ્ન તણો
જુઓને આનંદ વર-વધુ તણો
આનંદ જુઓ એમનાં માત-પિતા તણો
જુઓને આનંદ સૌ જાનૈયા તણો
અરે, ઓ માનવી મેદનીના આનંદમાં,
નિહાળી લે સ્વર્ગને તું નિહાળી લે,…સ્વર્ગ ક્યાં…
જુઓ પ્રસંગ એક સત્સંગ તણો
નિહાળો આનંદ ભક્તિમાં તલ્લીન સ્ત્રીઓ તણો
નિહાળો આનંદ ભક્તિમાં તલ્લીન પુરૂષો તણો
બાળકો, યુવાનો ને પ્રૌઢો નો આનંદ ઘણો
અરે, આ માનવ મેદની ની ભક્તિમાં
છુપાયેલ સ્વર્ગને ચાખી તું લે,ચાખી તું લે…સ્વર્ગ ક્યાં…
આ સહુ માનવીઓના જગતમાં
સહાય કરતા માનવી એકબીજાને દુ:ખી સમયમાં
જમાડતા જે ગરીબ-ભુખ્યા જનોને ભાવથી,
સારવાર કરતા જે રોગીઓની ભાવથી
અરે ઓ માનવી એવા જગદર્શનમાં,
છુપાયેલ સ્વર્ગને ચાખી તું લે, ચાખી તું લે….સ્વર્ગ ક્યાં…
ચંદ્ર કહે, દૂર નથી સ્વર્ગ, નથી ઉપર કે નીચે,
નિહાળી લે સારા જગમાં છે સ્વર્ગ તારા હ્રદયમાં…સ્વર્ગ ક્યાં…
ડો. ચંદ્રવદન
જીવન સફર
જીવન સફર છે આ લાંબી ઘણી, ગયા થોભી શાને તમો?
ગયા થોભી શાને તમો ?….(ટેક)
લીધો જન્મ તવ બાળપણમાં, માત-શીખ જો મળી,
સગા સ્નેહીઓ, બંધુ ને વળી શાળામાં ગુરૂએ કહી,
સાચા-ખોટાની શીખ મળી, તો છે મુંઝવણ શેની તને?
તો છે મુંઝવણ શેની તને?…જીવન…
ભણી-ગણી થયા મોટા, જાણ્યું ઘણું જગતનું,
પરણીને સંસારી થયા, માયામાં મોહી ગયા
પાપ-પુણ્ય જાણી લીધું, તો છે મુંઝવણ શેની તને?
તો છે મુંઝવણ શેની તને?…જીવન…
જગમાં જીવી રહ્યા, તો કંઈક કરવું રહ્યુ,
દુ:ખીયાને સહાય કે ભુખ્યાને રોટી દેવી રહી,
સત્કર્મ કરવા સૌએ કહ્યું, તો છે મુંઝવણ શેની તને?
તો છે મુંઝવણ શેની તને?…જીવન…
હૈયુ કહે જનકલ્યાણ કરતા પ્રભુનામ લેવું,
મનડું જો સ્થિર કર્યું, થયુ જીવનમાં ‘કંઈક’મળ્યા જેવુ,
મળી તક આવી ભક્તિ કરવા, તો છે મુંઝવણ શેની તને?
તો છે મુંઝવણ શેની તને?…જીવન…
આવી ગયું હવે ઘડપણ, ‘કંઈક’ તમે કર્યુ ખરૂ?
- સાચું જીવનમાં તમે કર્યુ ખરૂ?
- પુણ્ય જીવનમાં તમે કર્યુ ખરૂ?
- સત્કર્મ જીવનમાં તમે કર્યુ ખરૂ?
ભક્તિનું ભાથું જીવનમાં તમે બાંધ્યુ ખરૂ?
કહે ચંદ્ર, રહી ભલે લાંબી જીવન સફર, જલ્દી એ પૂરી થશે.
ડો. ચંદ્રવદન
પ્રક્રુતિ અને સંસ્ક્રુતિ
બે સહિયરો, એક પ્રક્રુતિ અને બીજી સંસ્ક્રુતિ,
પ્રક્રુતિ તો શાંત, સૌમ્ય. સ્વસ્થ, ધીર, ગંભીર અને રહસ્યમયી,
સંસ્ક્રુતિ તો ચંચળ, તરંગી, ગર્વિષ્ટ અને તોફાની,
વાદવિવાદ થાય છે બે વચ્ચે, તે સંભળાવે છે એક માનવી !.. (૧)
પ્રક્રુતિ કહે હું મોટી તો સંસ્ક્રુતિ કહે હું છુ મહાન,
બતાવે છે સંસ્ક્રુતિ વિશાળ નગરો, ઈમારતો અને સંસ્ક્રુતિ ભર્યા માનવી,
ત્યારે,પ્રક્રુતિ બનાવે સમુંદરો, પહાડો,મેદાનો અને વન ઉપવનો,
આપ્યો ગુરૂતાનો પરિચય, છતાં, ઝઘડો શાંત ના થયો !…. (૨)
પોતપોતાની મહાનતાની સાબિતી માટે બંને દોડે,
સંસ્ક્રુતિ તો વિસ્તરી વિસ્તરી પુષ્ટ બને,
પ્રક્રુતિ તો સમેટાઈને ક્ષીણ બને,
હવે, સંસ્ક્રુતિ તો એની વિશાળતાથી અતી ફુલે ! …. (૩)
સંસ્ક્રુતિ ખીલતાં, બહુમાળી ભવ્ય મકાનો અને મહાનગરો,
આકાશને જાણે સ્પર્શતાં મકાનો સાથે તેજ ગતીથી ઉડતા વિમાનો,
ખરે ! આધુનિક માતા સંગે છે વિડિયો ગેમ ખેલતો બાળક !
અને, કેસેટ દ્વારા નાદ-સંગીત, સૂર્ય વિનાના અંધકાર પણ દોડે અજવાળું આગળ આગળ ! …. (૪)
પ્રક્રુતિને બધું બતાવી, સંસ્ક્રુતિ તો ખડખડ હસી પડી,
એ હાસ્યમાં રહી ગર્વથી પૂછયું : હું કે તું મોટી ?
ત્યારે, પ્રક્રુતિ હતી ઉદાસ અને આંખો એની ભીની હતી,
સમાધાન કાજે અંતે બંને સમર્થ રૂષિને મળી ! … (૫)
બંનેએ પોતપોતાની કહાણી કહી મુનીને,
હવે, અમારા બંનેમાં મોટું કોણ એ તો કહોને ?
ત્યારે, રૂષિએ આંખો મીંચી, લીન થઈ ફરી આંખો ખોલી,
અને, “મોટું કોણ ?” પૂછે આતુરતાથી પ્રક્રુતિ-સંસ્ક્રુતિની જોડી… (૬)
રૂષિએ તો ફરી આંખો મીચી લીધી,
ધીર ગંભીર અવાજે એ તો બોલ્યા હ્રદયદ્વાર જ ખોલી,
“પ્રક્રુતિની ગોદમાં જ હંમેશા સંસ્ક્રુતિ જન્મે અને પાંગરે”,
એથી ચંદ્ર કહે, આવી સ્રુષ્ટિ સમજમાં જાણો પ્રક્રુતિ સંસ્ક્રુતિને !
ડો.ચંદ્રવદન મિસ્ત્રી (લેન્કેસ્ટર)
હીરા – મોતી ખાણના
અધર્મ અને અનિતિ વડે પાપ મલિન જો મન,
સવળાનું અવળું કહે, દુષ્ટ બુધ્ધિજન,
બુધ્ધિ વગરનું માનવી, સમજો પશો સમાન,
વેર ઝેર જેણે તજ્યા, તેને માનજે એક માનવ મહાન,
રાત પછી દુ:ખ આવતું ‘ને દુ:ખ પછી સુખ જાણ,
કુદરતના આ નિયમને પરમ સત્ય તું જાન,
સુખના સાથી છે સૌ સંસારના, દુ:ખના હોય ના કોઈ,
પ્રભુપંથે સહાયે જે બતાવે, તે સદગુરૂ સમાન જ હોય,
ચંચળ મન કો બાંધ લે, માયા જુઠી જાણ,
સુખ દુ:ખ તો સંસારના, મનમાં કદી ન આણ,
સત્ય ન સંતાડ્યું રહે, ખરો જુઓ એ ખેલ,
આવે જેમ ઉપર તરી , જળ તળિયેથી તેલ,
મર જાઉ માંગુ નહી, અપને તન કે કાજ,
પરમારથ કે કારને, માંગત ના’વે લાજ,
ધન આપ્યું જો ઈશ્વરે, કર પુણ્ય ના કામ,
માની ઉપકાર એનો, સદાભજી લે એનું નામ,
આ શુભવાણી શબ્દો છે અન્યના,
ચંદ્રે કહી દીધા એ તો છે હીરા-મોતી ખાણના !
કાવ્ય રચના
માર્ચ ૨૧, ૨૦૦૫ ડો. ચંદ્રવદન
હે પ્રભુ હું તારી સંમુખે !
હે પ્રભુ, હું તારી સંમુખે ઉભો રહીશ !
દરરોજ સવારે વ્હેલા ઉઠી,
નામ તારૂ મુખે રાખી,
સ્નાન કરતાં ફરી એ ગાઈશ,
પછી, બે હાથ જોડી પ્રાર્થના કરતા,
હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૧)
આ ધરતીની અદભુત્તતા નિહાળી,
અપાર અશાઠમાં દૂર દેખી,
એકાંતમાં તારું સ્મરણ કરતા,
નમ્ર હ્રદયે વંદન કરતા,
હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૨)
માયાથી ભરપુર આ ભવ સંસાર મહી,
એની વિચિત્રતા માં પણ તારી સુંદરતા નિહાળી,
સર્વ જગજનોની વચ્ચે રહી,
મુજ કર્મો તુજને અર્પણ કરી,
હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૩)
તારા આ સંસારમાં રહી,
ભુલો હવે ઘણીજ મારી,
કરો માફ, આંખના અશ્રુઓ તમોને કહે,
અંતે સંસાર માં કામ મારૂ પુરૂ થઈ જશે,
તો, એકલો હું તારી સંમુખે ઉભો રહીશ !….હે પ્રભુ… (૪)
હે રાજેશ્વર, હે જીવન સ્વામી,
ચંદ્ર તારી સંમુખે છે, તો લઈલે પ્રેમથી તુજ ગોદમાં સ્વામી
હે પ્રભુ… (૫)
કાવ્ય રચના
જુલાય ૨૨, ૨૦૦૫ ડો. ચંદ્રવદન
ભક્તિના ચંદ્રમારગડા
એજ ચંદ્ર મારગડા ભક્તિના,
સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,
શાને થાવું રે સંન્યાસી ? (ટેક)
“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,
નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)
“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,
નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)
બે મંત્રે કર્મ તું કરતો જા,
અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)
સંસારે ચંદ્રમારગડા અપનાવતા,
મોહમાયાના બંધનો તારા છુટવાના,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)
સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,
તન-મન સેવા ભાવનાઓ રે જાગે,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)
ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,
હૈયે પ્રભુદર્શન રે કર લેના !
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)
કાવ્ય રચના
મે ૨૯,૨૦૦૩ ડો. ચંદ્રવદન
વિચાર ધારા
દિવસનો પ્રકાશ હોય તો શું ? તમ વિચાર ધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૧)
રાત્રીનો અંધકાર હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૨)
શાંત વાતાવરણ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૩)
અશાંત વાતાવરણ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૪)
મુશીબતો સામને હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૫)
આનંદ હૈયે હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૬)
મન ચંચળ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૭)
કલ્પના શક્તિ હોય તો શું ? તમ વિચારધારા ચાલુ રહે !
ખોટા વિચારો હટાવતા, દુ:ખ કદીના અનુભવી શકો તમો (૮)
ચંદ્ર કહે, વિજય વિચારધારા પર પામતા,
પ્રભુપંથે તમો, તો દુ:ખ ક્યાંથી હોય ? (૯)
કાવ્ય રચના
મે ૨૩,૨૦૦૩ ડો. ચંદ્રવદન
થવાનું જે હશે, તે થશે !
ડાળે કળી, કળી રહી, પુષ્પ ના બન્યું
હવે, શું થાશે ?
એ છોડ પર, નવા પુષ્પોની મહેંક હશે જરૂર !
પવન ફૂંકાયો અને પાન લીલું ખરી પદ્યું,
હવે શું થાશે ?
એ છોડ પર, નવું પાન શોભશે જરૂર !
કળી ખીલી એક પુષ્પ બની સુકાય ગયું,
લીલુંપાન પણ પીળું થઈ જમીનમાં સમાય ગયું,
આ જીવન પણ વહી ગયું અને ઘડપણ આવી ગયું,
ચંદ્ર કહે, હવે થવાનુ જે હશે તે થશે ! ચિંતા શાને કરે ?
કાવ્ય રચના
ઓકટોબર ૩૧,૨૦૦૭ ડો. ચંદ્રવદન
હાથીનું કબ્રસ્તાન
આફ્રિકાના જંગલોમાં હાથીનું કબ્રસ્તાન કદી જોયું છે ?
કબ્રસ્તાન તમે જોયું કે નહી,કિન્તુ હાથી વંદન પાત્ર છે ! (ટેક)
હાથી થાય ઘરડો, તો, મરણ નું જ્ઞાન થાય એને,
હવે તો,ઘણા સ્નેહીઓને છોડવાના, ભાન એવું થાય એને
આફ્રિકા… (૧)
નથી થાવું કોઈને બોજારૂપ, કરે એ નિર્ણય એવો,
પાણી વગર નિર્જન જગ્યા જવા, શોધે એ પંથ એવો,
આફ્રિકા… (૨)
ધીરે ધીરે ઉંચા ઘાસ વચ્ચે, થાકી એ બેસી જાય છે,
બેસી બેસી એ તો મ્રુત્યુની વાટ જુએ છે !
આફ્રિકા… (૩)
એકવાર જીવ આવી ગયો, ત્યારે ત્યાં એ જ છે એકલો,
એવી જગાને હાથી કબ્રસ્તાન “કહો કે ધરતીનો ઓટલો ?
આફ્રિકા… (૪)
હાથી વંશનું જે કોઈ આવે એવી જગ્યાએ ફરી,
તો ઉભા રહી, દેય છે એ જીવને શ્રધ્ધાંજલી અહી,
આફ્રિકા…. (૫)
ચંદ્ર કહે, જાણે હાથીમાં માનવતા હજુ ટકી રહી,
અને, માનવીઓમાં માનવતા મરી રહી !
આફ્રિકા… (૬)
કાવ્ય રચના
નવેંમ્બર ૨૬,૨૦૦૭ ડો. ચંદ્રવદન
એક મિત્રતા
સંસારના સ્નેહસંબંધે, થઈ એક મિત્રતા,
અણમોલ છે મુજ જીવને એ મિત્રતા ! (ટેક)
હ્યુસ્ટનથી રસીકભાઈ મોકલે સુવિચારો અનેક,
શક્ય થઈ જેની કાવ્ય રચના એક,
પ્રગટ કરવા કાજે વિજયભાઈ નું નામ છે ચંદ્ર હૈયે !
સંસાર…(૧)
હ્યુસ્ટનથી ગુજરાતી સમાજનું કાર્ય કરે છે વિજયભાઈ,
મુખપત્રક ‘દર્પણ’ માં રચના પ્રગટ કરવાની સહાય કરનાર છે વિજયભાઈ,
“મોતાડાની જીવન માળા ” દર્પણે વાંચી,ખુશી છે ચંદ્ર હૈયે !
સંસાર…. (૨)
થઈ એક ઓળખાણ બે માનવીઓ વચ્ચે,
જે થકી છે મિત્રતા વિજય-ચંદ્ર વચ્ચે,
જન્મી છે એક મિત્રતા ચંદ્ર હૈયે ?
સંસાર…. (૩)
ફોન, પત્રો દ્વારા ખીલી રહી એ મિત્રતા
હવે તો, ઈ-મે ઈલ દ્વારા બની પુષ્પ એ મિત્રતા,
કોણે મુકી છે આવી મિત્રતા ચંદ્ર હૈયે !
સંસાર….. (૪)
પુર્વજન્મના રૂણ સંબંધે શક્ય આવું થયુ ?
કે, આ જન્મે જ આવું થયુ ?
જવાબ હોય જે કંઈ, હશે ખુશી ચંદ્ર હૈયે
સંસાર….. (૫)
ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, તો કાવ્ય કોણ કહેશે ?
“હ્રદય ભાવ નું મુલ્ય છે મોટુ” એવા વિજય શબ્દો કાને ગુંજે !
ઉત્સાહ અનોખો વહે ચંદ્ર હૈયે !
સંસાર… (૬)
કાવ્ય સંગ્રહ પુસ્તકો કોમપ્યુટરવેબ પર કેમ નહી ?
“ચંદ્રપુકાર” ની વેબસાઈટ શક્ય થઈ અહીં !
ચંદ્રપુકાર નિહાળી, ખુશી છે ચંદ્ર હૈયે !
સંસાર… (૭)
ફોન, પ્રશ્નો અને ઈમેઈલ થી મળ્યા છીયે અમો,
હજુ રૂબરૂ એક બીજાને મળ્યા નથી અમો,
હસ્ત મેળાપ સહીત ભેટી, હશે ખુબ આનંદ ચંદ્ર હૈયે !
સંસાર… (૮)
કાવ્ય રચના
નવેંમ્બર ૨૯, ૨૦૦૭ ડો. ચંદ્રવદન
ચંદ્ર સુવિચારો
(૧) મળશ્કે એક ઝાંકળનું ટીપુ,
સૂર્ય કિરણ સાથે ઉડીગયું,
કોઈ કહે એ તો વાદળ થયું
પડ્યું એક વરસાદનું ટીપુ,
એજ હશે એવું મારા હૈયે થયું.
(૨) મુશળધાર વરસાદ વરસે,
વરસાદ પાણી એક ઝરણું બને,
વહેતા ઝરણા થકી સરિતા બની,
અંતે સરિતા સાગરને મળી,
સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,
મુશળધાર વરસાદ ફરી વરસે,
આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,
માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.
(૩) પાણી થકી આ દેહ, દેહ થકી આ પ્રાણ,
પ્રાણ થકી આ જીંદગી, એટલુ તું જરૂર જાણ.
(૪) દેહ નભે અન્ન, પાણી થકી,
ઔર પ્રાણ કો જ્ઞાન-સત્કર્મ આધાર,
માનવ નભે આ દોનો થકી,
ઔર દોનો કે લીયે પ્રભુશક્તી આધાર.
ડો. ચંદ્રવદન
ચંદ્ર સુવિચારો
“મૌનતા”
(૧) કડવા શબ્દો મત કહો, ધન્ય છે તમ મૌનતા !
અસત્ય નિભાવ્યું જો તમે, ધિક્કાર છે તમ મૌનતા !
(૨) લીધી સાધુએ મૌનતા કેરી એક ટેક,
પ્રભુભક્તિમાં તલ્લીન થયો,ભાન નથી કે કેવો પહેર્યો વેષ.
લીધી સંસારીએ મૌનતા કેરી એક ટેક,
માઠુ એ ન બોલી શક્યો, સમજી ગયો જીવન જીવવાનો કંઈક ભેદ
(૩) ખુલ્લે નયને જગત નિહાળી, મુખે મૌનતા, એ મૌનતા રહી અધૂરી,
બંધ નયને, મન શાંતી જાળવી, મુખ મૌનતા, એ મૌનતા બન ગઈ પુરી.
ચંદ્ર સુવિચારો
(૧) ભક્તિ પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો લ્યો.!
(૨) નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે છે !
(૩) પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !
(૪) સંસારી માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે છે.
ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮
કાવ્ય
માનવ જીવન જીવવાનો કક્કો
“ક,ખ,ગ” એટલે કમાવું, ખાવું અને ગમ્મત મોજશોખમાં ગાવું,
આવી “ક,ખ,ગ”ની જીંદગી ના માનવ મારે ના રે થાવું
ચાલો, માનવ જીવન જીવવાનો કક્કો શીખીયે આપણે આજે ! (ટેક)
“ઘ” એટલે જીવનમાં ઘસાતુંના બોલી, જાતે ઘસાઈ ઉજળા થઈએ,
”ચ” એટલે ચતુરાઈ ભર્યું જીવન જીવી આગેકુચ કરીયે,
”છ” એટલે બીજાને છેતરવાની દાનત જીવનમાંથી છોડીએ,
”જ” એટલે કામ કરતા જશની અપેક્ષા વગર અન્ય સાથે સારા સંબંધો રાખી જીવીએ,
“ઝ” એટલે ઝટપટ પ્રત્યુતર આપી કોઈનું દિલ દુભાય એવું વર્તન ના કરીએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૧)
“ટ” એટલે ટાઢ તડકામાં દુન્યવી પ્રવ્રુતિઓ સાથે આધ્યાત્મિક પ્રવ્રુતિઓ પણ કરીએ,
”ઠ” એટલે કોઈને ઠગવુ નહી એવો વિચાર પણ ના કરીયે,
”ડ” એટલે જીવનમાં ના ડરીયે, અને સાચા રસ્તે જઈએ,
”ઢ” એટલે ઢગલાનું પ્રતિક છોડી, કોઈના દોષ ઢાંકી, સમજાવી નવજીવન એને દઈએ,
”ત” એટલે તરત વાતનું સમજ્યા વગર “રજનું ગજ” ના કરીએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો…. (૨)
“થ” એટલે થાકનું મહત્વ સમજી, આરામ લેતા “આરામી જીવન” ના કરીએ,
“દ” એટલે “દીધા કરતાં દયા ભલી” સુત્રે દયાવાન થઈએ,
”ધ” એટલે ધર્મકાર્યમાં હંમેશા આગળ આગળ જઈએ,
“ન” એટલે નમ્રતાના ગુણે નમ્રતાભર્યો વહેવાર જીવને કરીએ,
”પ” એટલે પ્રમાણિકતા સહિત પ્રગતિના પંથે જઈએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૩)
“ફ” એટલે ફના બની, અન્યના જીવનમાં ઉપયોગી થઈએ,
”બ” એટલે બળાપો છોડી, બચત કરી જીવને બઢતી કરીએ,
”ભ” એટલે ભલાઈનાં કામો કરી, અન્યને પ્રકાશ દઈએ,
“મ” એટલે મદનો ત્યાગ કરી, “મેં કર્યું, મેં કર્યુ” ને છોડીએ
”ય” એટલે યતિના જીવનમાંથી બોધ મેળવી, જીવન મહ્ત્વને સમજીએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૪)
“ર” એટલે રમકડા જેવા માનવ જીવને રતિભાર ખોટું ના કરીએ,
”લ” એટલે લાવ,લાવ કરી બીજાનું લેવાની ભાવના છોડી દઈએ,
”વ” એટલે વમળની વચ્ચે શિરતા રાખી, સંસારી જીવન જીવીએ,
”શ” એટલે શેષ યાને વધેલું અન્યને વહેંચી સંતોષ અનુભવીએ,
”સ” એટલે સારા કામો કરી સંસારે સેવા ભાવનાઓ જાગ્રુત કરીએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૫)
”હ” એટલે હલકી મનોવ્રુતિ છોડી, હનુમાનજી જેવા થઈએ,
”ળ” એટલે બળનો ઉપયોગ સારા કામો માટે કરીએ,
”ક્ષ” એટલે ક્ષમાવીરનું ભૂષણ અપનાવી, દંડ વ્રુત્તિને છોડીએ,
”જ્ઞ” એટલે જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનને યજ્ઞ રૂપ બનાવીએ,
”અ” એટલે અ,આ,ઈ,ઓ માં એંતે “ઑમકાર” નિહાળી,સર્વકાર્યે પ્રભુ સ્મરણ જ કરીએ,
હવે, માનવ જીવન જીવવાનો કક્કો થોડો સમ્જ્યા ? ચાલો… (૬)
ઈન્દુભાઈ સ્વામીના બોધમાથી જીવન કક્કો ભવાનભાઈએ પ્રથમ કહી દીધો,
જેને, ચંદ્રે એક કાવ્યરૂપે પ્રગટાવી સૌને અર્પણ કીધો,
હવે, જીવનમાં માનવે શું કરવું શું ના કરવું, એ તો માનવ જાણે,
ખુશી એટલી જ કે સૌને કહેવાની તક મળી ચંદ્રને, એવું એ તો માને !
જાન્યુઆરી ૧૧,૨૦૦૮
- ડો. ચંદ્રવદન મિસ્ત્રી, લેંકેસ્ટર.યુ.એસ.એ
માતા-પિતાને વંદના
ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો, ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં,
મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી,જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી,
આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી, ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી,
હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો, એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો,
જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો, યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો,
હવે ભવસાગર તરવાની આશ ચંદ્ર હૈયે રહે, આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે.
લિ.
સુપુત્ર ડો.ચંદ્રવદન, પુત્રવધુ અ.સો.કમુબેન તેમજ પૌત્રીઓ નીના, વર્ષા, વંદના, રૂપા તેમજ સર્વે કુટુંબીજનોની પ્રાર્થના સહિત શ્રધ્ધાંજલિ.
ભલે પધાર્યા
ભલે પધાર્યા, પ્રેમ ભર્યું સ્વાગત છે તમોને !
શ્રી ગણેશનું સ્મરણ કરી, યાદ કર્યા માત સરસ્વતીને,
શ્રી ગુરૂ સ્મરણમાં, યાદ કર્યા જલારામને,
આવો, આવો, મોંઘેરા મહેમાન મારા ભલે… (૧)
મુજ માતા-પિતાનું સ્મરણ કરી, યાદ કર્યા તમ માત પિતાને,
એક સ્નેહસંબંધમાં, યાદ કર્યા છે મેં તમોને,
આવો, આવો, મોંઘેરા મહેમાન મારા ભલે… (૨)
આજે પધાર્યા, આવજો તમો ફરી ફરી,
ચંદ્રપૂકારના શબ્દો વાંચી, આપજો પ્રતિભાવ અહી,
આવો, આવો, મોંઘેરા મહેમાન મારા ભલે… (૩)
તમો જો આવ્યા, અને, આભાર ભરી ખુશી ચંદ્રહૈયે હતી કેવી !
‘ચંદ્રપૂકાર”માં ફરી પધારજો, ચંદ્ર વિનંતી કરે છે એવી !
જયશ્રી ક્ર્ષ્ણ, જયશ્રી ક્રષ્ણ, મોંઘેરા મહેમાન મારા ભલે… (૪)
કાવ્ય રચના
ઓક્ટોબર ૨૬, ૨૦૦૭
‘શરદ પુનમ’ ડો.ચંદ્રવદન
ટુંકી વાર્તા
સાપ અને લીસોટા
માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા.
પશાભાઈના ઘરે સૌના મુખે આનંદ હતો. ગામમાં ચર્ચા થતી તો પશાભાઈના કુટુંબની વાત મુખે હોય જ “પશાકાકા કેવા ભાગ્યશાળી છે ! કેવો કુટુંબ પ્રેમભાવ છે….” વળી, વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે “રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ! ભાઈ-ભાઈનો પ્રેમ તો એવો હોવો જોઈએ !”
જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો, એ પણ પરણવા લાયક થયો. શ્યામ પરણી ગયો, અને હવે ઘરમાં બે વહુઓ,.શ્યામની પત્ની કંચન, એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી. જે સવિતાની દેરાણી થઈ…પશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહે “મારી સવિતા તો ઘરની સીતા છે ! મારી કંચન તો ઘરની લક્ષ્મી છે !”
સમય વહેતો ગયો…અનેક વર્ષો વહી ગયા. પશાભાઈ અને પ્રેમીબેન અશક્ત
થઈ ગયા. ઘડપણ સૌની નજરે આવતું હતું. પ્રથમ પશાભાઈએ પ્રાણ ત્યાગા અને થોડા મહિનામાં પ્રેમીબેન પણ પ્રભુ ધામે ચાલી ગયા. હવે રામ અને શ્યામની માતાપિતાની છત્રછાયા ન હતી…કિન્તુ, બે ભાઈઓ એક બીજાથી નજીક રહ્યા. એક બીજા માટે પ્રેમ વધતો ગયો. શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ ઘરમાં આનંદ વધ્યો. રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમે અને એઓને નિહાળી ઘરના સર્વ આનંદ માણે…આ પ્રમાણે અનેક દિવસો વહી ગયા પણ, એક દિવસે રામનું અકસ્માત મ્રુત્યુ થયું. એક આનંદીત પરિવારમાં અચાનક મહાન દુ:ખ આવી પડ્યું. નાના શ્યામને કંઈજ સુજતું નથી. કુદરત દુ:ખ આપે અને એનો ઈલાજ પણ એજ આપે…શ્યામને કંઈક પ્રભુશક્તિ મળી અને એણે ઘરની પુરી જવાબદારી ઉપાડી લીધી.
મોટાભાઈના નાના દીકરાઓને શ્યામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા…. અને, દીકરા સમાન ગણ્યા….શ્યામની વહુ કંચનને પણ કાકીને બદલે માતારૂપી પ્રેમ આપ્યો. દીપક-પ્રકાશે પણ કાકા-કાકીને અનેકવાર પપ્પા-મમ્મી કહી દીધું.
અનેક વર્ષો વીતી ગયા. મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું….એક ડોક્ટર તો બીજો એંન્જીનીયર થયો. ગામમાં રહેવાનું છોડી દીધુ અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા. એ ઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્નગ્રંથીમાં બંધાયા. બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા. પ્રભુક્રુપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું. રામની પત્ની સવિતા થોડા દિવસો દિપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી રહી.
માધવપુર ગામે શ્યામ જુના ઘરે દિવસો ગાળી રહ્યો હતો. ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો. જીવન ગુજરાન માટે નોકરી હતી. એને સર્વ પ્રકારે સંતોષ હતો. ફક્ત કોઈકોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી. દિવસે દિવસે એ મોટી થતી હતી. ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી: “ ખેર, જુઓને, આપણી નયના તો ઘણીજ મોટી થઈ ગઈ છે. આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે.” કંચન શ્યામને કહેતી.
“અરે, પગલી, તું શાને ચિંતા કરે છે ? દીપક અને પ્રકાશ તો છે….” શ્યામ શાંતિથી કંચનને કહેતો.
“અરે, એ તો આપણા ભત્રીજા છે, એમના પર કંઈ આશા રખાય ?” કહી કંચન શ્યામને ચેતવણી આપતી.
“પગલી,આપણે ક્યાં દીકરાઓ છે. એઓ જ આપણા દીકરા, આપણી દીકરી નયનાનાં લગ્ન સમયે દોડીને આવશે.” એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો
નયનાએ કોલેજનો અભ્યાસ કરી ડીગ્રી મેળવી. અને જ્યારે એ ક્યાંક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનું માંગુ એના માટે આવ્યું. છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો.છતાં ઘણોજ રૂપાળો હતો. પ્રિતેશને તો નયનાં ઘણીજ ગમી ગઈ,”પણ અમારી દીકરી નયનાને પ્રિતેશ ગમશે?” આવો પ્રશ્ન માત-પિતા કંચન-શ્યામને હૈયે હતો. પ્રિતેશ સહિત એના માતા-પિતા નયનાને જોઈ ગયા બાદ બીજે દિવસે નયનાને નિહાળી રહ્યા હતા. નયના ચૂપચાપ બેઠી હતી….અને સાંજનો સમય હતો.
“નયના બેટા અહીં આવ !” શ્યામે બેટીને બોલાવી કહ્યું. નયના કંઈક પણ બોલ્યા વગર નજીક આવી બેસી ગઈ.
“બેટી ! પ્રિતેશ કેવો લાગ્યો ? તને ગમ્યો કે ? “ શ્યામે દીકરી ને પ્રેમથી પુછ્યુ.
“પપ્પા ગમે છે, બહુ જ ગમે છે !” નયના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઉઠીને ભાગી ગઈ. શ્યામ સવારે પત્ની કંચનને મળ્યો ને નયના સાથે ગઈકાલે સાંજે જે ચર્ચા થઈ તે બારે કહ્યું. બંને જણા બહુ જ ખુશ હતા અને તેમાં કંચનના હરખની તો વાત જ નહી ! બસ, પછીતો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો. શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્નની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મુંજવણ હતી. આટલો બધો લગ્ન ખર્ચ કેવી રીતે થશે? અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ-પત્નિ ચર્ચા કરવા લાગ્યા.
“અરે, સાંભળો છો કે ? દિપક, પ્રકાશને કાગળ લખોને” કંચને શ્યામને કહ્યું.
“કાગળ લખવાની શી જરૂર છે ? દીકરા આપણા છે ચિંતા ન કર” શ્યામે શાંતિથી જવાબ આપ્યો.
“ખર્ચ માટે પૂરતા પૈસા નથી, તો કંઈક સગવડતો કરવીજ પડશે ને ! પૂછી લ્યોને” કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું. “દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય, એઓ જાતેજ આવીને બધું સંભાળી લેશે”શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો . લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ. સગા સ્નેહીઓને નયનાના લગ્નના સમાચાર પહોંચી ગયા. દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા. એકવાર દીપક ગામ નજીક સરકારી કામ હતુ એથી જુના ઘરે આવ્યો ત્યારે શ્યામ-કંચને નયનાના લગ્નની ખુશી હર્ષની વાતો કરી, અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો….”કાકા, નયનાના લગ્નમાં અમે જરૂર આવીશું” દીપકે કહ્યુ…એ સિવાય બીજો કોઈપણ શબ્દ દીપકને મુખે સાંભળવા ન મળ્યો.શ્યામ તો ભત્રીજા દીપક ને જોતો રહ્યો. હજું કંઈ વિચાર કરે કે કહે એ પહેલાં તો દિપકની મોટરગાડી દૂર ચાલી ગઈ. હવે, શ્યામને નયનાનાં લગ્નની ચિંતા થવા લાગી. કિન્તુ એ કોને એના મનની વાત કહે ? પત્ની કંચને તો એને ઘણી વાર ચેતવણી આપી હતી કે “જેને તમો મારા..મારા કહો છો તેઓ જરૂર પડશે ત્યારે મારા ના થાય…” આટલી મુંજવણો હતી છતાં, શ્યામને ભગવાન પર પુરી શ્રધ્ધા હતી કે ભગવાન જરૂરથી કંઈક કરશે. જ્યારે જ્યારે ચિંતાઓથી વિચારો એને આવતા ત્યારે પ્રભુનામથી એવા વિચારો દૂર કરતો.
નયનાના લગ્ન ના ત્રણ જ અઠવાદિયા બાકી હતા. જે બધત હતી તે તો બધી જ લગ્નની તૈયારીઓમાં ખર્ચાય ગઈ હતી, હજુ તો લગ્નના દિવસોનો ખર્ચ તેમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો “શું થશે ?” એ પ્રશ્ન જ્યારે મુંજવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આસુઓ સહિત પ્રભુને કહેવા લાગ્યો “મારી લાજ તમારા હાથમાં છે…!” હજું તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલીસી લીધી હતી તેનું યાદ આવ્યુ. એ ઘરના જુના ચોપડાઓ તેમજ ફાઈલો શોધવા લાગ્યો…આમ તેમ કાગળો ફેરવતાં એની નજર સામે એક કાગળ હતો. એ હતી પિતાશ્રીની પોલીસી. એનો ચહેરો આનંદીત હતો.
લગ્નનો શુભ દિવસ આવી ગયો. નયનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી. લગ્ન મંડપે બધી જ તૈયારી હતી. સૌ સગા-સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા. જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધોમ થી પૂર્ણ થયા. દીકરી નયનાને શ્યામ અને કંચને આસુંભરી વિદાય આપી. ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને એ શાંતીનો ભંગ કરતા નીચેના શબ્દો હતા….”આજે મોટાભાઈ હો તો !” દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો.
“ ભાઈ બીજો કોઈ બેલી નથી” શ્યામે વધુમાં કહ્યું.
ત્યારે કંચને ધીરેથી કહ્યું “હું તો કહેતી આવી હતી કે, ભત્રીજા તે ભત્રીજા. ભલે તમો એમને દીકરા માનો પણ દીકરા થતા નથી”
શ્યામ હવે જાગ્રુત હતો અને એના દિલમાં એક જુની યાદ ભરી કહાણી રૂપી વિચાર હતો….”સાપ ગયો અને લીસોટા રહી ગયા….”
-ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ.)
પરમેશ્વર ની શોધ
અખિલ બ્રહ્માંડમાં પ્રુથવી એક નાનું રમકડુ છે. અને આ પ્રુથ્વી પર અનેક ચેતન જીવીત ચીજો સાથે જડ ચીજોથી બનેલ જગત છે. જીવીત ચીજોમાં માનવી એક ઉચ્ચપદે છે એ એક સત્ય છે. અને, માનવી ઉચ્ચ પદે રહી જગત સર્જનથી માંડી અત્યારે વર્તમાન સુધી સ્વતંત્ર વિચાર કરતો આવ્યો છે અને એ માનવ વિચારોમાં એક પરમેશ્વર
( GOD) નો વિચાર હંમેશ રહ્યો છે.
જે જાણતું તેનાથી સંતોષ ન રાખી, વધુ જાણવાની ઈચ્છા માનવ સ્વભાવે હંમેશા ગુંથાય છે. આવાસ્વભાવને કારણે વિજ્ઞાનનું પ્રોત્સાહન અને અનેક શોધો શ્ક્ય થઈ તેનો વર્તમાન આજે પુરાવો આપે છે. આવી દશાને આપણે લાભદાયક પરિવર્તન તરીકે ગણીએ તો એ ખોટું નથી. કિન્તુ, આટલી સફળતા બાદ માનવ સ્વભાવ શાંત નથી. જે નવ જાણ્યું તેનાથી એને થોડો સંતોષ થશે કિન્તુ એનું મન વધુ જાણવા તલ્લીન રહે છે.
હવે, આપણે જગત સર્જન માટે વિચારણા કરીયે. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક રેતીના કણ જેવી છે. માનવીએ પ્રથમ વિચાર્યું કે બ્રહ્માંડમાં ફક્ત પ્રુથ્વી જે એક વિશાળ ઉત્તમ જગ્યા છે. પહેલાં માનવીએ કહ્યું કે પ્રુથ્વી એક સપાટ જગ્યા છે. બ્રહ્માંડને નિહાળવા એણે ચંદ્ર, સૂર્ય ગ્રહો વિગેરે સૌને ગોળ આકારે અનુભવ્યા. ગોળ દડા જેવા નિહાળી, માનવીએ એની શક્તિથી શોધી કાઠ્યું કે પ્રુથ્વી પણ એક ગ્રહ અને દડા જેવી ગોળ છે, અને સુર્યની આજુબાજુ ફરતે કે બીજા ગ્રહોની જેમ ભ્રમણ કરે છે. આકાશમાં નિહાળવા પ્રથમ માનવીએ અનુમાન કર્યું કે રાત્રીના ચમકતાં તારલાઓ નાની નાની જગ્યાઓ હશે કિન્તુ વધુ અભ્યાસ કરતા જાણ્યું કે એક તારલો એક સુર્ય બરાબર છે. માનવીએ પ્રુથ્વી પરના વાતાવરણને સમજવા પ્રયત્નો કર્યા. હવા, પાણી વિગેરેના કારણે જીવીત ચીજોનું જીવન નીભે છે. આટલું બધુ જાણ્યા બાદ એ આકાશ તરક નિહાળતો રહ્યો અને બ્રહ્માંડમાં શું છે એ જાણવા ઈચ્છા કરી. જે થકી બ્રહ્માંડની શોધ ( SPACE -Exploration ) ની શરૂઆત થઈ અને આજે એ સફર ચાલુ છે.
આ પ્રમાણે માનવ વિકાશ થયો. કહેવાય છે એક દિવસ એક મોટા ધડાકા
( BIG BANG ) સાથે અચાનક પ્રુથ્વીનો જન્મ થયો અને ત્યારે કોઈ જીવીત ચીજો ન હતી. ધીરે ધીરે પાણી, હવા અને અન્યના મિલન સાથે કંઈક નાની જીવીત ચીજની શરૂઆત થઈ…ત્યારબાદ, મોટી જીવીત ચીજો અને અનેક જીવોના જન્મમાં પ્રાણીઓનો જન્મ અને ઉત્તમ પ્રાણી સ્વરૂપે માનવનો જન્મ. આ છે વિજ્ઞાનની દ્રષ્ટીએ જગત જન્મ. ધર્મોના કહેવા પ્રમાણે એક દિવસ પ્રભુએ જગતનું સર્જન કરવાનું વિચાર્યું અને જગત થયું ત્યારે અનેક નું સર્જન કરતા માનવીઓ નર-નારી રૂપે થયા ( Theory of Creation) તો , વિજ્ઞાન ધર્મ પ્રમાણે એના કરેલાં વિચારને ખોટો ઠરાવે છે અને પુરાવા સહિત ભારપુર્વક કહેતું રહે છે કે માનવીઓ ધરતી ઉપર ધીરે ધીરે રહેતાં થયા ( Theory of Evolution ) અને એ દ્રષ્ટિએ નિહાળી,વિજ્ઞાન કહે કે પ્રથમ સુષ્મ જીવતી ચીજ….ત્યારબાદ નાની…મોટી જીવતી ચીજો….પ્રાણીઓ અને વાંદર જાતી અને ત્યારબાદ માનવીઓ. પ્રથમ માનવી જંગલી હાલતમાં હતો. છતાંએનામાં સમજણ શક્તિ હતી…સમજણ શક્તિને કારણે વિચારો અને વિચારોને કારણે અન્ય કાર્ય કરવાની ઈચ્છા અને મુખે અવાજોને એક ભાષા સ્વરૂપ પણ આપ્યું. ધીરે ધીરે આવી એક ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયો. આ બધુ એની સ્વતંત્ર વિચારધારા અને સમજણ શક્તિ આધારીત છે એ એક સત્ય છે. ચાલો, આપણે વધુ ચર્ચા કરીએ.
માનવીઓ એમના સ્વભાવ પ્રમાણે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા અને આજે વર્તમાનમાં સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પદ છે. સર્જન પછીની શરૂઆતમાં આટલી ઉંચી કક્ષામાં નહતો ત્યારે પણ માનવીએ એક સાથે સમુહમાં રહી જીવન જીવવાનું શીક્યો હતો અને આવા પરિવર્તનમાં એણે એક વ્યકતિને માર્ગદર્શન આપનાર ( Leader ) તરીકે સ્વીકાર કર્યો. અને, અખિલ બ્રહ્માંડને નિહાળી બધુ જે ક્રમસર થતું એનું અનુમાન કરી ધરતીથી બીજે કોઈક વધુ શક્તિમાન તંત્ર ચલાવી રહ્યો છે એવો બેકરાર હતો. આ સ્વીકારમાં પરમશક્તિ રૂપે પરમેશ્વરનો જન્મ માનવ હૈયામાં થયો. આવા સ્વીકાર બાદ, પરમેશ્વરને વધુ જાણવા, મળવા એની ઈચ્છા જાગ્રુત થઈ એ પ્રયાસમાં ધર્મનો જન્મ થયો. જેનો વિકાસ પણ માનવીઓ દ્વારા જ થયો.માનવીમાં છુપાયેલ અપાર શક્તિનો ઉપયોગ કરી કોઈક વ્યક્તિઓ ઉંચુ પદ મેળવી. ઋષી મુની સ્વરૂપે પરમાત્મા વિષે વધુ જ્ઞાન આપ્યું. અહીં અંગ્રેજી ભાષા રૂપે નિહાળતા ફીલોસોફર (Philosopher) ની ઓળખ થઈ. આવી જીવન ઘટના સાથે કોઈકે પ્રભુને મળવા એક રસ્તો પકડ્યો તો બીજાઓએ બીજો રસ્તો પકડ્યો. એ પ્રમાણે જુદા જુદા ધર્મો થયા. કિન્તુ, સર્વ માનવીઓનો હેતુ એકજ હતો. મહાશક્તિ જે સર્વ માં મહાસ્વામી છે જેને પરમેશ્વર કહો, એને મળવાનો કે એની સાથે એક થઈ જવાનો હેતુ હતો જાણેલ ઈતિહાસના પાને આ એક પરમ સત્ય છે.
માનવ પાસે સ્વતંત્ર વિચારધારા છે અને અપાર શક્તિ છે એને એનો જેણે જે પ્રમાણે ઉપયોગ કર્યો તે પ્રમાણે અને વધું જાણવા મળ્યું. આવી ખોજમાં વિજ્ઞાન ( Science ) નો જન્મ થયો અને વિચાર કરનાર માનવી વૈજ્ઞાનિક ( Scientist ) કહેવાયો. જે આંખ આગળ દેખાતું હતું તેના પર વધુ વિચાર કરતાં એને એ બારે વધુ જાણ્યું-જેની પહેલાં એને ખબર ન હતી.જ્યારે નયનોથી દેખાતું ન હતું તો એને જોવા સાધન-તંત્ર ( Microscope ) વિગેરે શોધ્યુ. આવી શોધ દ્વારા માનવ સુક્ષ્મ દુનિયામાં પહોંચી જંતુઓ
(Bacteria virus) વિગેરે ને જાણી શક્યો. જીવીત સિવાય નજીવી ચીજો પર પણ માનવ વિચારણા કરતો રહ્યો, વધુ જ્ઞાન મેળવી એંતે અણુ (Atom) અને અણુ થી સુક્ષ્મ
( Proton/Electron) દુનિયા પર જાણી શક્યો. આવી દ્રષ્ટિમાં એને બ્રહ્માંડમાં ક્રમ પ્રમાણે ફરતા ગ્રહોની સરખામણી થઈ. માનવ વિચારધારા અહીં અટકી ના ગઈ….એણે અણુમાં છુપાયેલ અપાર શક્તિનું જ્ઞાન થયું અને એટોમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ બનાવ્યો. માનવ જીવીત ચીજોને જોતો રહ્યો…અને શરીરેના જુદાજુદા ભાગોના નાની સુક્ષ્મકક્ષામાં અનેક સેલ યુનીટો( Cell Unit of Body) નિહાળ્યા. માનવદેહ કે કોઈ બીજી જીવીત ચીજનું તંત્ર કેવી રીતે ચાલે છે, કેવી રીતે રોગો થાય એ બધું જાણ્યુ. આ જ્ઞાન સાથે એણે જીન ( Gene) ની ઓળખ કરી. માનવી એ સારૂ જીવન આપવાના વિચાર કરતાં કરતાં માનવી નવું જીવન કે જન્મના ક્રમનો અભ્યાસ કરી ગર્ભસ્તાન અને અન્ય ભાગોના સેલ યુનીટ (Cell units ) પર અખતરા કરવા લાગ્યો અને કંઈક સફળતા સાથે જાણે હું પરમેશ્વર છુ એવું અભિમાન કરવા લાગ્યો. વૈજ્ઞાનિક માનવીએ કદાચ પરમેશ્વર રૂપે દાવો ન કર્યો હોય તો પણ એ ચર્ચાના કહેતો રહ્યો “પરમેશ્વર છે તો ક્યાં છે ? મને બતાવ” જાણે એણે કોઈ સાયન્સ પ્રોજેક્ટ લીધો હોય, અને, પુરાવા વગર આવું એ અસ્ત્ય કહેવાય એવું અનુમાન કરવા લાગ્યો. શરીરના દેખાતા જાણેલા ભાગો પર વિજય મેળવી મગજ માટે વધુ જાણવા અનેક પ્રયોગો કર્યાં. મગજ કેવી રીતે ચાલે છે, યાદશક્તિનું શું છે વિગેરે માટે વિચારો હતા. મગજમાં વધતી ઘટતી ક્રિયા જાણવા સ્પેશીયલ સાધનો કર્યા-દાખલા રૂપે કલરમાં ક્રિયા
( Activity)ના પુરાવો આપતા સ્કેનો (Scans) દ્વારા વધુ જ્ઞાન મેળવ્યુ.
વૈજ્ઞાનિકો બધા માટે પુરાવા માંગતો રહ્યો અને એ એનો સ્વભાવ થઈ ગયો. માનવતાના અસલ સ્વભાવને એ ધીરે ધીરે ભુલવા લાગ્યો. “પરમેશ્વર જેવી ચીજ નથી….હોય તો ક્યાં છે ? બતાવ મને ” આવા પ્રશ્નો સાથે વૈજ્ઞાનિકો પુરાવા વગર પરમેશ્વરને માનવા માંગતો ન હતો. એવું થયુ તેમ છતાં, એકવાર બે વૈજ્ઞાનિકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા તે નીચે મુજબ છે.
”આ બધુ ધર્મ અને પરમેશ્વર બારે તારો શું અભિપ્રાય છે ?” એ કે બીજાને પુછ્યુ.
”એ તો પરમ સત્ય છે અને ખરેખર સાક્ષાત અહી અને અખિલ બ્રહ્માંડે છે .” બીજાએ એના અનુભવો આધારિત દાવો કર્યો .
”અરે, તું પણ બીજા ધર્મપ્રેમી માનવીઓ જેમ ગાંડો થઈ ગયો કે શું ?” પ્રથમ પ્રશ્ન પુચનાર વૈજ્ઞાનિક આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો.
અરે, ભાઈ હું પણ તારા જેવી જ હાલતમાં હતો. મેં જ્યારે નવા તંત્રો દ્વારા મગજની ક્રિયાનું કલર સ્કેન ( Color Scan ) દ્વારા વધુ જાણ્યુ ત્યારે મને થયુ કે વિજ્ઞાનમાં પણ કંઈક પરમેશ્વરનો પુરાવો હશે જ કિન્તુ અત્યારે આપણે એ જાણી શકતા નથી.”
એણે શાંત સ્વરે જવાબ આપ્યો.
”પણ ભાઈ, તેં પરમેશ્વરને જોયો છે ? ન જોયો હોય તો શા માટે આવી વાતો કરે છે ?” બીજા વૈજ્ઞાનિકે ખીજમાં કહ્યું.
”અરે મારા ભાઈ મારા મિત્ર અનેક વર્ષો પહેલાં આપણે બેકટેરીયા-વાઈરસ ( Bacteria-Virus) જેવાં જંતુઓ જાણતા ન હતા. શું ત્યારે એ નહતા ? જરૂર હતા કિન્તુ આપણી પાસે એને જોવાના સાધનો ન હતાં .
વિજ્ઞાન સવાલોના જવાબ આપે પણ કોઈવાર એવું કંઈ થયું હોય તે માટે વિજ્ઞાન કે તારી પાસે જવાબ ન હતો, તો તેનું શું કારણ ? અરે, તેં પુસ્તકોમાં વાંચ્યુ હશે કે કોઈ ડોકટરે એના કેન્સર ના દર્દીને કહી દીધું કે રોગની જાણ પ્રમાણે આટલા સમય બાદ તારૂ મ્રુત્યુ થશે…એવા સમયે, દર્દીના મગજે કે દેહમાં જણાયેલ કેંસર ફરી તપાસ કરતાં નાબુદ થઈ ગયું હતુ. એવી ઘડી એ ડોકટરે કહ્યુ હતું: “આ તો મારી સમજણ બહાર છે.” અને એક સામન્ય માનવીએ આ ઘટનાને એક ચમત્કાર ( Miracle) માન્યો. આ પ્રમાણે એક ડોકતરના અચંબામા કે એક સામન્ય માનવીની માનતામાં ફરી એક “મહાશક્તિ” નું દર્શન થાય છે. એ શ્ક્ય કરનારને એઓએ જોયો નથી અને તું પણ જોઈ શકતો નથી છતાં તું જરૂર કબુલ કરે છે કે “કંઈક અદભુત” થયુ આ તારી કબુલાતમાં તારી પરમેશ્વર માટે કબુલાત છે અને, તને સાક્ષાત પરમેશ્વરનાં દર્શન થયાં એમ તું હૈયામાં માનીશ. જે આપણે જાણીએ છીયે તેને વિજ્ઞાન સત્ય કહે છે. જે અત્યારે સત્ય કયું તે સમયના વહેંણમાં ખરેખર સત્ય નથી પણ કંઈક જુદું જ છે એથી વિજ્ઞાનમાં પણ સત્ય બદલાય ગયું કહેવાય. અહીં આપણે પરમેશ્વરરૂપી દિવ્ય તત્વની સરખામણી કરીયે તો તે એકજ છે….પરમ સત્ય ! “આટલું લાંબુ ભાષણરૂપે વિગતે કરી વૈજ્ઞાનિક ફરી શાંતિ સાથે આનંદ અનુભવવા લાગ્યો”
આ બધુ સાંભળી બીજો વૈજ્ઞાનિક પણ શાંત હતો. વૈજ્ઞાનિક સ્વભાવ પ્રમાણે એ તો એની શોધ ચાલુ રાખશે કિન્તુ એના હૈયામાં કંઈક થયું એવું એને લાગ્યું હતું…કંઈક નમ્રતાનો ગુણ એના પર જાણે વિજય મેળવી રહ્યો હોય એવું થયું અને એ વૈજ્ઞાનિક હવે કંઈક ઉચ્ચપદે હતો. આવી હાલતમાં એક જગતના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈંન્સ્ટાઈન
( Albert Einstein ) ના શબ્દો એના કાનમાં ગુંજતા હતા.
આપણે સત્યનો અનુભવ કરીએ તે ઘણીવાર ચમત્કારરૂપે હોય છે. સત્યરૂપી વિજ્ઞાન નો પાયો ખરેખર આપણા માનવીય સ્વભાવના સ્પેશીયલ હ્રદય ઉંડાણના ભાવનાના ઝરણા પર આધારીત છે. જેને આ વિશે અજાણતા છે તે કંઈક કલ્પનાઓ કરી શકે નહી કે ન કહી એની મહત્વતાનો અનુભવ કરી શકે…અને એ તો મ્રુત્યુ પામેલ બરાબર છે.
લેખક
ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી
સુવિચારો
(૧) જે જોયું, જે સાંભળ્યુ,
અને જે વિચારધારા વહે તેમાં
ભક્તિભાવનું તેલ પુરજો,
તો, આત્મા શુધ્ધ થશે !
(૨) ગરીબ દુ:ખીઆને નિહાળતા,
જો તમારા હૈયે દર્દ થયું
તો, જાણજો કે તમારૂ હૈયુ માનવતા થી
ભર્યું છે….
અને જો, ગરીબ દુ:ખીયાનું દર્દ ઓછુ કરવા
પ્રાર્થના કે સેવા કરી તો,
તમો જરૂરથી પ્રભુપંથે છો એવું માનજો.
(3) કર્મ કરો અને કર્મ કરતા
અંતર આત્માને પુછતા રહો
બસ, આટલું કરશો તો, તમો સતકર્મ
તરફ હશો !
નવેંમ્બર ૧, ૨૦૦૭
ચંદ્ર સુવિચારો
(૧) ઓછું બોલો,
બોલો તો મીઠું બોલો
જો એવું શ્ક્ય ન થાય તો મૌનતા જાળવો.
(૨) બંદુકમાંથી નીકળેલ ગોળી પાછી ન ફરે
તેમ, જીભ દ્વારા નીકળેલી વાણી પાછી ન ફરે
તો, મીઠું બોલો, વિચારીને બોલો !
(3) જ્યારે કાંઈક ખોટું થતુ હોય ત્યારે તમો
મૌનતા રાખો તો એ તમારી મુર્ખાઈ છે
અને
જ્યારે મૌનતા જાળવવાની હોય અને
તમો બોલબોલ કરો તો એ પણ
તમારી મુર્ખાઈ છે.
નવેંમ્બર ૯,૨૦૦૭ દિવાળી નો શુભ દિવસ.
ચંદ્ર સુવિચારો
(૧) કર્તવ્ય પાલનમાં તમો સ્નેહી-કુટુંબીજનો
માટે કંઈક કરો એ કંઈ સ્વાર્થ નથી,
એ કંઈ ખુટું નથી.
કિન્તુ, જ્યારે અન્ય માટે તમો તમારી
માનવતા ચુકી કાંઈજ ના કરો તો
તમારા કર્તવ્ય પાલનનું પુન્ય ઓછુ
થઈ ગયુ એવું માનજો !
(૨) કર્મયોગ પાલન વગર માનવીનો ઉધ્ધાર નથી…
કિન્તુ, નિસ્વાર્થ કરતા શીખ્યા તો
માનવ જન્મ સફળ થયો એવું માનજો.
(૩) ભક્તિના માર્ગે કે જ્ઞાનમાર્ગે તમો
તમારૂ જીવન વહેતું મુકો,
કિંન્તુ, આ સંસારમાં કર્મયોગનો
માર્ગ અપનાવવો જ પડે !
નવેંમ્બર ૧૭,૨૦૦૭ જલારામ જયંતિ
ચંદ્ર સુવિચારો
(૧) પ્રભુના નામો અનેક છે, છતાં પ્રભુતો એક છે.
જે નામે તમો શ્ર્ધ્ધા રાખો તે સ્વરૂપે
તમો પ્રભુદર્શન કરી શકો છો.
(૨) પ્રભુનું ધ્યાન મનમાં લેવું,
પ્રભુના ગુણલા ભજન-પ્રાર્થનાઓ રૂપે મુખે ગાવા
પ્રભુ સ્મરણ મન કે વાણીથી કરવું,
એ સર્વ ભક્તિ પંથે પ્રભુને મળવાના જુદા જુદા
મારગડા છે.
(૩) પ્રભુનામ લેખન દ્વારા મનમાં પ્રભુનું સ્મરણ
થાય અને હસ્તે એ પવિત્રનામ કાગળ પર
ભાવથી લખાય.
અને, આવા લેખન સાથે મુખેથી પ્રભુનામ બોલતા
વાણીને પવિત્રતા મળે.
આથી, ભાવથી પ્રભુનામ લેખનનુ કાર્ય
કરતા ત્રિગુણો લાભ પ્રાપ્ત થાય છે !
(૪) ભાવથી પ્રભુનામ લેખન કે મંત્રલેખન નું કાર્ય
પ્રભુને જ મળે છે !
નવેંમ્બર ૨૪,૨૦૦૭ કારતક સુદ પુનમ
માતા-પિતાને વંદના
ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો, ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં,
મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી,જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી,
આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી, ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી,
હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો, એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો,
જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો, યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો,
હવે ભવસાગર તરવાની આશ ચંદ્ર હૈયે રહે, આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે.
ડો. ચંદ્રવદન
10 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Valibhai Musa | May 3, 2008 at 8:02 pm
સુજ્ઞશ્રી ચન્દ્રવદનભાઈ,
આપને અભિનંદન ‘પ્રકૃતિ અને સંસ્કૃતિ’ કૃતિ બદલ. સહિયરોના રૂપક દ્વારા બંનેના સંવાદ-પ્રતિસંવાદથી આગળ વધતાં વધતાં છેલ્લે ઋષિના ન્યાયી અને સમતોલ ચુકાદાથી કાવ્યનું જે સમાપન થયું છે તે બેમિસાલ છે.“પ્રક્રુતિની ગોદમાં જ હંમેશા સંસ્ક્રુતિ જન્મે અને પાંગરે” એ વાત જેટલી સાચી છે તેટલું જ કડવું સત્ય માનવજાતની સામે ઊભું જ છે કે આપણે પર્યાવરણના ભોગે ભૌતિક સંસ્કૃતિ તો જરૂર વિકસાવી, પણ આપણે આધ્યાત્મિકતાથી તો વિમુખ થતા રહ્યા છીએ. કોઈક ગુજરાતી કવિની આ કાવ્યપંક્તિ આપણે સૌએ વિચારવા જેવી છે કે “નાથ્યાં વરાળ-વીજળી, મન તો અનાથ્યું; આંબ્યા ગ્રહો નિજનું અંતર તો અજાણ્યું!” ખેર, આ તો થોડીક આડવાત થઈ ગઈ, પણ મૂળ કાવ્ય ઉપર આવું તો પ્રકૃતિ અને સંસ્કૃતિને કોઈ મહાનિબંધમાં પણ આટલી સહજ અને સરળ રીતે ન સમજાવી શકાય તે લક્ષ અહીં સિદ્ધ થયું છે.
ગુણાનુરાગી,
વલીભાઈ મુસા
2.
Capt Narendra | May 3, 2008 at 8:08 pm
I was quite elated by your posting on ‘Elephants’ Graveyard’.As I had said before, it is meaningful and carries a profound message. Just one question: do you think your poem would have a greater impact if your readers were also able to read the original one-act-play?
3.
પ્રવિણ શાહ | July 30, 2008 at 5:05 am
આપની બધી જ રચનાઓ વાંચી, ખૂબ સુંદર છે.
ઘણો જ પ્રભાવિત થયો છું.
આટલા ગહન વિષયોની આટલી સહજ અને સરળ રજુઆત ક્યાંય જોવા મળતી નથી.
God bless you.
4. નથી હું કવિ, નથી હું કાલિદાસ - ડો.ચંદ્રવદન મિસ્ત્રી « કવિલોક | July 31, 2008 at 6:21 am
[...] To enjoy more such poems please visit Dr Chandravadanbhai Mistri’s blog http://chandrapukar.wordpress.com/home/ [...]
5.
Gypsy | November 24, 2008 at 8:07 pm
પ્રિય ચંદ્રવદનભાઇ,
“હાથીનું કબ્રસ્તાન”ને અનુલક્ષીને લખેલ અાપનું કાવ્ય હૃદયંગમ લાગ્યું.
કાવ્યની સાથે લખેલ “બે શબ્દો” એકાંકિ નાટિકાનો ભાવ પ્રદર્શિત કરે છે, તેમ
છતાં હું મારૂં નિવેદન રજુ કરવાની રજા લઉં છું.
સાચું કહું તો આપના વાચકો “હાથીનું કબ્રસ્તાન” વાંચશે તો આપના કાવ્યને વધુ માણી શકશે.
“હાથીનું કબ્રસ્તાન” એક રૂપક છે. પરમાત્માના ભવ્ય સર્જન સમા આ પ્રાણી
ગૌરવથી જીવે છે, અને જ્યારે તેમનો પૃથ્વિ પરથી અંતિમ વિદાય લેવાનો સમય
આવે છે ત્યારે તે અજાણી જગ્યાએ આવેલા પોતાના ‘કબ્રસ્તાન’ તરફ એકલા જ
નીકળી પડે છે, જેથી તેમની પ્રાણત્યાગની પીડા લોકો સામે પ્રત્યક્ષ ન થાય.
જીવનમાં પ્રાપ્ત કરેલ ગૌરવને સાથે લઇ આ મહાકાય, મહાન જીવ ગૌરવતાપૂર્વક
મૃત્યુને આવકાર આપે.
આપણા વડીલોના અસ્તિત્વને આ નાટિકામાં હાથીની સાથે સરખાવવામાં આવ્યું છે.
તેમનો આખરી પડાવ આજે વૃદ્ધાશ્રમ બની ગયો છે. નાટિકામાં પુર્વ આફ્રિકાના
એક પરિવારના dynamics દશર્શાવવામાં આવ્યા છે. USમાં આવ્યા બાદ આ જ
પરિવારમાં કેવું પરિવર્તન આવ્યું અને વડીલોને સ્વેચ્છાએ નહિ પણ પરિવારના
આંતરદ્વંદ્વને કારણે હાથીના કબ્રસ્તાન તરફ પ્રસ્થાન કરવું પડે છે, તેમાં
આવી જાય છે નાટિકાનો સારાંશ! ચંદ્રવદનભાઇના કવિતમાં આનું દર્શન થયું અને
મારી નાટિકાને તેમણે આદરનું સ્થાન આપ્યું તે માટે તેમનો આભાર માનું છું.
કૅપ્ટન નરેન્દ્ર.
6.
Gita Mistry | December 15, 2008 at 2:21 pm
Dear Chandravadanmama,
You probably don not know me directly but I heard about your work by my mama Keshavbhai Lad in Aru(India) who also writes beautiful poems. I am his Sister Dahiben’s daughter who lives in Leicester UK. I am really inspired and love reading such beautiful creations in Gujerati. So proud to have such talented mamas. Keep up the good work. Will be visiting your site regularly.
Regards
Gita Mistry London
7.
mayur prajapati | December 24, 2008 at 9:47 am
Ati vyast manaz pase darek kam mate samay hoy chhe.
8.
Tejas Shah | July 10, 2009 at 12:06 am
ઘણી જ સરસ મજાની રચનાઓ છે. વાંચીને આનંદ થયો.
9.
Haresh Kanani | September 27, 2009 at 11:45 am
તમારો બ્લોગ ગમે. મારા બ્લોગ ની મુલાકાત લેવા વિંનતી .
http://palji.wordpress.com
10.
Nitin Gohel | October 5, 2009 at 1:55 pm
Bovaj sari rachna post kari chhe sir,,,, i am from a’bad and doing SY BCA mane gujarati kavya and rachnao no bov sokh chhe haju sikhu chhe to plz kyarek jarur pade to i hope tame help karso
nitin gohel
see my all blog
http://gujjudrops.blogspot.com
http://gujjudrops.wordpress.com
regared..
nitin gohel.